મુંબઈ
એક્ટ્રેસ અને પોલિટિશિયન ઉર્મિલા માતોંડકર અને કંગના રનૌતની વચ્ચે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી સતત લડાઈ ચાલી રહી છે. તેઓ બંને એકબીજા પર શાબ્દિક હુમલો કરવાની એક પણ તક ચૂકતા નથી. હવે રિસન્ટલી ઉર્મિલાએ મુંબઈમાં ત્રણ કરોડ રૂપિયાની કિંમતની એક નવી ઓફિસ ખરીદી છે. આ મામલે પણ કંગનાએ તેને ટાર્ગેટ કરી હતી.
કંગનાએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, 'ડિયર ઉર્મિલા માતોંડકરજી, મેં પોતાની મહેનતથી જે ઘર બનાવ્યું એને પણ કોંગ્રેસ તોડી રહી છે, ખરેખર, બીજેપીને ખુશ કરીને મને તો ફક્ત 25થી 30 કેસીસ જ મળ્યા છે, કાશ, હું પણ તમારી જેમ સમજુ હોત તો મેં કોંગ્રેસને ખુશ કરી હોત, હું કેટલી મૂરખ છું, નહીં?'
કંગનાના આ સ્ટેટમેન્ટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થવા લાગી તો ઉર્મિલાએ પણ તેને જવાબ આપવામાં વિલંબ ના કર્યો. તેણે પણ એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે, 'નમસ્કાર, કંગનાજી, મારા વિશે તમારા મનમાં જે ઉચ્ચ વિચારો છે એને મેં સાંભળી લીધા છે. બલકે, એ વિચારો આખા દેશે સાંભળ્યા છે.
આજે હું આખા દેશ સમક્ષ તમને કહેવા ઇચ્છું છું કે, જગ્યા અને સમયની પસંદગી તમે કરો, હું મારા તમામ ડોક્યુમેન્ટ્સ લઈને ત્યાં ચોક્કસ પહોંચીશ. મેં મારી 25થી 30 વર્ષની કરિઅરમાં ખૂબ જ મહેનત કરીને અંધેરીમાં મેં જે ફ્લેટ ખરીદ્યો હતો, જેના પેપર્સ હશે, જેને મેં માર્ચના પહેલાં અઠવાડિયામાં વેચ્યો હતો. એના પણ પેપર્સ હશે. એ મારી સખત મહેનતના રૂપિયાથી મેં મારી ઓફિસ ખરીદી છે. એના પણ દસ્તાવેજો હશે. હું તમને કહેવા ઇચ્છું છું કે, મારા જેવા કરોડો ટેક્સપેયર્સના રૂપિયાથી સરકારે તમને જે વાય પ્લસ સિક્યોરિટી આપી છે, કેમ કે, તમે સરકારને વચન આપ્યું હતું કે, તમે બોલિવૂડમાં ડ્રગ્સ કાંડમાં સામેલ હસ્તીઓનું લિસ્ટ એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો)ને આપવાના છો, જેની પ્રતીક્ષા આખો દેશ કરી રહ્યો છે, તો હું મારા ડોક્યુમેન્ટ્સના બદલામાં એ નાનું લિસ્ટ ઇચ્છું છું. તમારા જવાબની મને પ્રતીક્ષા રહેશે.'