લોકડાઉનમાં રોજ શું ખાવું એ સૌથી મોટી સમસ્યા છે. એવામાં ઘરે એકનું એક ખાઈને બધાં જ બોર થઈ ગયા છે. જેથી લોકો નવી નવી વાનગીઓ અને નાસ્તા ઘરે રહીને ટ્રાય કરી રહ્યાં છે. તો જો તમે પણ સોજીનો એક નવા પ્રકારનો નાસ્તો ટ્રાય કરવા માંગો છો તો અહીં જણાવેલી રેસિપી અચૂક ટ્રાય કરજો. આ ટેસ્ટી સોજી બોલ પચવામાં પણ ભારે નહીં પડે અને ઉનાળામાં લાઈટ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. સાથે જ એકવાર ખાશો તો ટેસડો પડી જશે. તો ચાલો જાણી લો રેસિપી.
સામગ્રી:
તેલ- 2 ચમચી,હીંગ- 1 નાની ચમચી,લીલાં મરચાં- 2 સમારેલાં,આદુ-અડઘો ઈંચ ,લીમડો-7-8 પાન,મીઠું સ્વાદ પ્રમાણે,ચિલી ફ્લેક્સ અડધી ચમચી,સોજી- 1 કપ,રઈ- 1 નાની ચમચી,જીરૂ- 1 નાની ચમચી,તલ-1 ચમચી,લાલ આખા મરચા-2,થોડી સમારેલી કોથમીર.
બનાવવાની રીત:
સૌથી પહેલાં એક કડાઈમાં તેલ નાખી ગરમ થાય એટલે તેમાં હીંગ, લીલાં મરચા નાખી સાંતળી લો. પછી તેમાં આદુ સમારેલું, લીમડો, પછી તેમાં 2 કપ પાણી નાખી મીઠું નાખી દો. પછી તેમાં ચીલી ફ્લેક્સ (ઓપ્શનલ) નાખો. પાણી ઉકળે એટલે તેમાં સોજી નાખીને ઉપમાની જેમ બનાવી લો. સોજીને પકાવી લો. હવે ગેસ બંધ કરીને ઠંડુ થવા મૂકી દો. પછી તેના નાના-નાના બોલ્સ બનાવી લો.
વધાર માટે:
એક કડાઈમાં 2 ચમચી તેલ નાખી તેમાં રઈ, હીંગ જીરુ નાખો. પછી તેમાં તલ નાખો. પછી તેમાં લીમડો નાખો. તમે આમાં 1/4 ચમચી ગરમ મસાલો પણ નાખી શકો છો. પછી લાલ આખા મરચા નાખો. પછી તેમાં 1 ચમચી લાલ મરચું નાખો અને પછી તેમાં 5 ચમચી પાણી નાખી દો. પછી તૈયાર બોલ નાખીને બરાબર હલાવી લો. તમે આમાં અડધી ચમચી ખાંડ કે ટોમેટો કેચઅપ પણ નાખી શકો છો. પછી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે સોજીના ટેસ્ટી બોલ્સ.