લદ્દાખ-
ભારત અને ચીન વચ્ચે પૂર્વે લદ્દાખમાં હાલમાં તણાવની સ્થિતિ ચાલી રહી છે ત્યારે ભારતીય વાયુદળના વડા એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ તાજેતરની સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ભદોરિયાએ જણાવ્યું હતું કે, ભારતની પૂર્વ સરહદે ચીન સાથે ચિંતાજનક સ્થિતિ છે અને યુદ્ધ પણ નહીં અને શાંતિ પણ નહીં તેવું વાતાવરણ પ્રવર્તે છે. પૂર્વ સરહદ પર જાે કોઈ કાંકરીચાળો પણ થશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપવા સજ્જ છે તેમ એર ચીફ માર્શલે જણાવ્યું હતું.
એક કોન્ફરન્સને સંબોધતા એર ચીફ માર્શલ ભદોરિયાએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ પ્રવર્તમાન પરિસ્થિતિ સામે ઝડપથી પ્રતિસાદ આપ્યો હતો અને પૂર્વ સરહદ પર કોઈપણ અનિચ્છિનિય ઘટનાનો સામનો કરવા પ્રતિબદ્ધ છે. દેશની પૂર્વ સરહદ પર પ્રવર્તમાન સ્થિતિ ચિંતાજનક જરૂર છે. આપણું લશ્કર કોઈપણ ઘટનાને પહોંચી વળવા સજ્જ છે.
વાયુસેનાના વડાએ વધુમાં જણઆવ્યું કે હાલમાં જ રાફેલ યુદ્ધવિમાનોના કાફલાનો લશ્કરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ સી-૧૭ ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ તેમજ ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર્સ પણ વાયુસેનાને ઉપલબ્ધ કરાવાયા છે. આ તમામ વિમાનો તેમજ હેલિકોપ્ટર્સ વ્યૂહાત્મક અને રણનીતિક ક્ષમતા વૃદ્ધિ ધરાવે છે.
ભવિષ્યમાં સંભવિત ઘર્ષણની સ્થિતિમાં હવાઈ શક્તિ આપણા માટે અત્યંત મહત્વની પુરવાર થશે. એટલા માટે જ ભારતીય વાયુસેના વિરોધીઓ સામે હંમેશા તકનીકી ધાર ધરાવે છે. 10 સપ્ટેમ્બરના ભારતીય વાયુસેનામાં ફ્રાન્સ દ્વારા નિર્મિત પાંચ રાફેલ યુદ્ધ વિમાનને કાફલામાં સમાવવામાં આવ્યા હતા. રાફેલ યુદ્ધવિમાનો છેલ્લા કેટલાક સપ્તાહથી પૂર્વ લદ્દાખ સરહદે તેમની ઉડાન ભરી રહ્યા છે.
નોંધનીય છે કે નવી રક્ષાનીતિને પગલે ઘરઆંગણે સ્વદેશી યુદ્ધવિમાનો અને લશ્કરી સરંજામના ઉત્પાદનને પ્રોત્સાહનથી ભવિષ્યમાં ભારતીય લશ્કરના બાવડાં વધુ મજબૂત બની શકશે.