વિધવા બહેન સંતાનોને છોડીને પ્રેમી સાથે ભાગી જતાં ભાઈને જાણ થઈ તો..

રાજકોટ-

રાજકોટ જિલ્લાના આટકોટ ગામ ખાતે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં વિધવા બહેન પોતાના પ્રેમી સાથે ભાગી જતા સગા ભાઈએ જ બહેનના પેટ અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આટકોટમાં જસદણ ચોકડી નજીક રહેતી જ્યોત્સનાબેન નામની વિધવા મહિલાને તેના જ સગાભાઈ અશોક કાળુભાઈ વાઘેલાએ પેટ તેમજ ગળા પર છરીના ઘા ઝીંકીને ગંભીર ઇજા પહોંચાડી છે. હાલ મહિલાને સારવાર અર્થે શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સમગ્ર બનાવની જાણ રાજકોટ હૉસ્પિટલ ચોકીએ આટકોટ પોલીસને કરી હતી.

બનાવ અંગેની જાણ થતા જ આટકોટ પોલીસ રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. જ્યાં જ્યોત્સનાબેન તેમજ તેની માતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં જ્યોત્સનાબેનના માતાએ જણાવ્યું હતું કે, જ્યોત્સનાના પતિનું ચારેક વર્ષ પહેલા અવસાન થયું હતું. તેણી થોડાક દિવસ પૂર્વે બાજુના ગામના સંજય નામના શખ્સ સાથે ભાગી ગઇ હતી. તે સમયે તેણી પોતાની સાથે સંતાનોને લઈ ગઈ ન હતી. આ કારણે તેનો દીકરો અશોક ગુસ્સે ભરાયો હતો. ત્યારબાદ તે જ્યોત્સનાને ઘરે પાછી લાવ્યો હતો. પીડિતાની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થતા અશોકે છરીના ઘા ઝીકી દીધા હતા.

સમગ્ર મામલે હાલ આટકોટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ્યોત્સનાના સગાભાઈ અશોક વાઘેલાની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા રામ પાર્કમાં પોતાના માવતરે રહેતી જલ્પા રમેશભાઈ ડાભી નામની યુવતીએ પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે જલ્પાના પરિવારજનોને જાણ થતાં તેને જલ્પાને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ હોસ્પિટલે પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution