દિલ્હી-
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ અને તેના સહયોગી સંગઠનોએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના મહામારીથી પ્રેગનેન્ટ મહિલાઓ અને તેમના ગર્ભ માટે ખતરો વધી રહ્યો છે. WHO તરફથી એક રિપોર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે કોરોનાની મહામારી વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે અને વર્ષમાં 20 લાખથી વધારે 'સ્ટિલબર્થ'ના કેસ સામે આવશે. રિપોર્ટ પ્રમાણે આમાંથી મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જાેડાયેલા હશે.
WHO તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે દર વર્ષે 20 લાખ શિશુ મૃત (સ્ટિલબર્થ) પેદા થાય છે. જેમાં મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જાેડાયેલા હોય છે. ગર્ભધારણ કર્યાના 28 અઠવાડિયા કે તેના પછી બાળકનું જન્મ અથવા પ્રસૃતિ દરમિયાન શિશુ મૃત થાય તો તેને 'સ્ટિલબર્થ' કહે છે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીનું કહેવું છે કે ગત વર્ષે ઉપ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયામાં દર ચાર જન્મમાંથી ત્રણ 'સ્ટિલબર્થ' હતા.
સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યુનિસેફ)ના કાર્યકારી નિર્દેશક હેનરિટા ફોરે કહ્યું કે, "દર 16 સેકન્ડમાં ક્યાક કોઈ માતા 'સ્ટિલબર્થ'ની પીડા સહન કરે છે. તેમણે કહ્યું કે ખૂબ જ કાળજી, પ્રસૃતિ પહેલા યોગ્ય સારસંભાળ અને સુરક્ષિત પ્રસૃતિ માટે ડૉક્ટરોની મદદથી આને રોકી શકાય છે.
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કોવિડ 19 મહામારીને કારણે વૈશ્વિક આંકડો વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણને કારણે સ્વાસ્થ્ય સેવાઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જેના પરિણામે 177 વિકાસશીલ દેશોમાં બે લાખ વધારાના 'સ્ટિલબર્થ' થઈ શકે છે. WHO તરફથી કહેવામાં આવ્યું છે કે સ્ટિલબર્થના 40 ટકાથી વધારે કેસ પ્રસૃતિ દરમિયાનના છે. જાે મહિલાઓની પ્રસૃતિ તાલિમ મેળવેલા કર્મચારીઓ પાસે કરાવવામાં આવે તો આવા બનાવોને રોકી શકાય છે.