આ તમામના જવાબ ‘ના’ હોય, તો બેશક તમે સમજદાર છો!

લેખકઃ સાધુ વેદકીર્તિદાસ | 


આપને શંકા હોય કે આ વસ્તુ જમવાથી હું જીવીશ અથવા મરીશ? - નક્કી નથી. તો શું આપ જાણી જાેઈને એ વસ્તુ ખાશો? જાે આપને ખબર હોય કે આ જગ્યાએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યા પછી પણ, એક રૂપિયાનો નફો થશે કે કેમ? એ નક્કી નથી. તો શું આપ જાણી જાેઈને ત્યાં રોકાણ કરશો? જાે આપને ખબર હોય કે અંધારામાં, ગીચ ઝાડીમાં, હું હવે આગળ પગ મૂકીશ, તો ગમે ત્યારે સુરંગ ફૂટવાની સંભાવના છે. તો કોઈપણ આવશ્યકતા વગર, આપએ ઝાડીમાં આગળ વધો ખરા? આપને ખબર ન હોય કે આ ડૉક્ટર સરખી સારવાર કરશે કે નહીં? અરે! આપને શંકા હોય કે એ ડૉક્ટર છે કે નહીં! તો આપ શું જાણી જાેઈને તેની પાસે સારવાર કરાવવા જાઓ ખરા?

જાે ઉપરના તમામનો આપનો જવાબ ‘ના’ હોય, તો બેશક તમે સમજદાર છો! છતાં આ પૃથ્વી ઉપર અમુક મૂર્ખ માણસો એવા છે કે ઉપરની જીવન-મરણની કટોકટીની પરિસ્થિતિમાં પણ ‘હા’ પડે એવા ર્નિણય જાણી જાેઈને લે છે!!! આ ભૂલ ભરેલી માનસિકતા આજકાલની નથી, વર્ષો પુરાણી છે...

આપણા ઇતિહાસ ગ્રંથ ‘મહાભારતના’ સભાપર્વમાં અધ્યાય ૬૧-૬૨માં ઉલ્લેખ આવે છે કે ઃ શકુનિ અને દુર્યોધને જ્યારે હસ્તિનાપુરમાં કપટ કરીને જુગારમાં (દ્યૂતક્રીડામાં) યુધિષ્ઠિર પાસેથી તેની બધી જ સંપત્તિ હડપ કરવા લાગ્યાં, ત્યારે કપટની જાણ હોવા છતાં, પવિત્ર કુટુંબમાં જન્મેલા યુધિષ્ઠિર જુગાર મૂકીને ઊભા ન થઈ શક્યા!

તેઓ જુગારની લાલચમાં એટલા લેવાઈ ગયાં હતા કે તેમણે પોતાની પત્ની સહિત, રાજ્ય ખોઈને બાર વર્ષનો વનવાસ અને તેરમા વર્ષનો ગુપ્તવાસ લીધો. એટલે જ કહેવાયું પણ છેઃ ‘મદ્યેન યાદવા નષ્ટાઃ નષ્ટાઃ દ્યૂતેન પાણ્ડવાઃ’ અર્થાત્‌ મદ્યપાનથી યાદવો નાશ પામ્યા અને જુગારથી પાંડવો.

હા, આજે પણ ભારતમાં કે વિશ્વમાં વધતા જતા જુગારની (ગેમ્બલિંગની) અસરો પણ ક્યાં અછતી રહી છે? કોઈ સીધું તો જુગારખાનાંમાં નથી જતું... પણ ‘ઑનલાઇન ગેમ્બલિંગ’ કે ‘ફેન્ટસી ગેમ્સ’ કે ‘ચાન્સ ગેમ્સ’નું વધતું જતું ચલણ પરિવારોના પરિવારો બરબાદ કરી રહ્યું છે.

હૈદરાબાદના અંબરપેટ વિસ્તારના રહેવાસી ૧૬ વર્ષના છોકરાએ તેની વિધવા માતાનું બેંક એકાઉન્ટ એક ગેમ માટે ખાલી કરી દીધું!!! લગભગ ૩૬૦૦૦૦૦ રૂપિયાનું નુકસાન થયું! કારણ કે તે લબરમૂછિયા પુત્રને મોબાઈલ ફોન પર ‘ઑનલાઇન ગેમ્સ’નો ચસકો લાગી ગયો હતો!

એ જ રીતે, ગુજરાતમાં દાહોદ પોલીસ પાસે એક દાદા ફરિયાદ કરવા આવ્યા કે તાજેતરમાં તેમના બેંક ખાતામાંથી રૂપિયા ૧૩૦૦૦૦૦નો અનધિકૃત ઉપાડ થયો છે! તેઓની તો જિંદગીભરની કમાણી જતી રહી!!! તપાસ કરતાં ખબર પડી કે તેઓના જ પૌત્રએ ઓનલાઈન ગેમિંગના તેના વ્યસનને કારણે આ રકમની ઉચાપત કરી હતી, જેના માટે તેણે તેના દાદાના ફોનનો ઉપયોગ કર્યો!

ભોપાલમાં એક ૧૩ વર્ષના છોકરાએ આપઘાત કર્યો અને જતાં-જતાં મમ્મીને ચિઠ્ઠી પણ લખતો ગયો... ‘મા! મને માફ કરજે, રડતી નહીં...’ શા માટે તેણે આવું પગલું ભર્યું? કારણ કે તેણે ઑનલાઇન ‘ચાન્સ ગેમ્સ’ રમતાં-રમતાં અજાણતા જ તેની માતાના બેન્ક એકાઉન્ટમાંથી હજારો રૂપિયા વેડફી નાંખ્યા હતા! આ વાતની ખબર મળતાં તેણે પંખે ટિંગાવું પડ્યું!

જ્યાં જુગારની હીન મનોવૃત્તિ રહે, ત્યાં આવા પરિણામો આવે એમાં કોઈ નવાઈ નથી! શ્રીમદ્ભાગવત મહાપુરાણે તો આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં જ કહી દીધું છે કે ઃ ‘अभ्यर्थितस्तदा तस्मै स्थानानि कलये ददौ। द्यूतं पानं स्त्रियः सूना यत्राधर्मश्चतुर्विधः॥ पुनश्च याचमानाय जातरूपमदात्प्रभुः। ततोऽनृतं मदं कामं रजो वैरं च पञ्चमम्॥’

(ભાગવત ૧/૧૭) એટલે કે ‘કળિયુગને (તુચ્છ મનોવૃત્તિને, કુટિલતાને કે ખરાબ ચારિત્ર્યને) રહેવાનાં સ્થાનો નક્કી કરવામાં આવ્યા, ત્યારે આ પાંચ સ્થાન નક્કી થયાં - જુગાર, અનીતિનું ધન/સોનું, દારુ પીવો, વ્યભિચાર અને હિંસા.’ આ પાંચ વસ્તુઓનો જ્યાં યોગ હોય, ત્યાં જનારી/રહેનારી વ્યક્તિનું મન ઠેકાણે રહે જ નહીં... બગાડ થાય જ, ભારે નુકશાન થાય જ... એ સિદ્ધાંત વાર્તા છે.

અને તેથી જ પરબ્રહ્મ ભગવાન શ્રીસ્વામિનારાયણના ૬ઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ સ્વરચિત ‘સત્સંગદીક્ષા’ ગ્રંથમાં આપણી ભલાઈ માટે ઉપદેશ આપે છે ઃ

परित्याज्यं सदा द्यूतं सर्वैः सर्वप्रकारकम्।

त्यक्तव्यो व्यभिचारश्च नारीभिः पुरुषैस्तथा॥२८॥

એટલે કે ‘સર્વે સ્ત્રી તથા પુરુષોએ સર્વ પ્રકારના જુગારનો તથા વ્યભિચારનો ત્યાગ કરવો.’ (સ.દી.૨૮)

હા, કોઈપણ પ્રકારનો જુગાર હોય, એ આપણાં મનને, આપણાં ચારિત્ર્યને, આપણા પરિવારને, વિનાશની ઊંડી ખાઈમાં ધકેલી જ દે છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ઘણીવાર કહેતા ઃ ‘આપણે એકવાર જુગારની નાની એવી લતે ચઢીએ પછી ધીમે ધીમે એવા થતા જઈએ. જુગારમાંથી હરામવૃત્તિ જાગે. લાખ મળે પણ કરોડનો અસંતોષ ઊભો રહે. ને કલેશ, કંકાસ થાય. ઘરમાં ને બહાર બધે અશાંતિ રહે. માટે જુગાર કદી રમવો નહિ. જુગારીના કોઈના સોનાના મહેલ થયેલા જાેયા નથી. જુગારી પહેલી વખત ધમધમાટ મોટર લઈને આવે. (જીતીને આવે.) પણ બીજી વખત જાેડા ઘસતો જ આવે.’

માટે આવો, આ ‘પ્રમુખ દર્શન’ પામીને આપણે પણ જાે જુગારવૃત્તિમાં રાચતા હોઈએ, તો બહાર આવીએ, બરબાદીના એ ‘એક્સ્પ્રેસ હાઇ-વે’થી પાછા વળીએ, મોબાઇલ ગેમિંગની લતને લાત મારીએ અને જીવનને મંગળ બનાવીએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution