રાજકોટ-
શહેરની આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક-૧માં દરોડો પાડી પોલીસે નકલી ડોક્ટર સંજય રસિકભાઇ સોમપુરાને ઝડપી લીધો છે. સવા બે વર્ષ પહેલા પણ આજીડેમ વિસ્તારમાં ક્લિનિક ચલાવતાં તે પકડાયો હતો. બીજી વખતે ગત વર્ષે નવેમ્બર માસમાં એસઓજીએ તેને શ્રીરામ પાર્કમાંથી જ પકડ્યો હતો. આમ નકલી ડોક્ટર બની દાક્તરી કરતાં પકડાઇ જવામાં તેણે હેટ્રીક કરી છે. ફરી આજીડેમ પોલીસે તેને ક્લિનિક ચલાવતો ઝડપી પાડ્યો છે.
સંજય સોમપુરાએ અગાઉ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી અનુભવ લીધો હતો અને બાદમાં એટલે કે સવા બે વર્ષ પહેલા દવાખાનુ ખોલી કમાણી ચાલુ કરી દીધી હતી. તે વખતે આજીડેમ પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. એ પછી ગત ૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ એસઓજીએ બાતમી પરથી આજીડેમ ચોકડી શ્રીરામ પાર્ક-૧માં દરોડો પાડી તેને બોગસ ડોક્ટર તરીકે પ્રેકટિસ કરતાં પકડી લેવાયો હતો. તે વખતે ક્લિનિક પર દવાખાનુ ડો. બી.વી. કક્કડ એવું લખાણ જાેવા મળ્યું હતું. આ ડોક્ટરની ડિગ્રીના નંબર પણ બોર્ડમાં હતાં. પોલીસ અંદર પહોંચી તો ૮ બાય ૧૦ ફૂટની જગ્યામાં એક શખ્સ ખુરશી પર ગળામાં સ્ટેથોસ્કોપ લટકાડીને બેઠેલો જાેવા મળ્યો હતો. અંદર દર્દીઓને સુવડાવવાનું ટેબલ હતું. તેમજ બીપી માપવાનું મશીન, ઇન્જેકશન, એલોપેથી દવાઓનો જથ્થો સહિતના મેડિકલના સાધનો હતાં.