અમદાવાદ-
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પ્રેમી યુવકની પૂર્વ પ્રેમિકાના પતિ સહિત ત્રણ વ્યક્તિઓએ હોકી અને પંચ વડે ધોલાઇ કરી હતી. જેથી યુવકને સિવિલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મોઢાના ભાગે ટાંકા આવ્યા હતા. જેથી આ મામલે યુવકે પૂર્વ પ્રેમિકાના પતિ, ભાઇ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બે વર્ષ પૂર્વે પ્રેમિકાની સગાઇ અન્ય યુવક સાથે થઇ જતા પ્રેમીએ મકાન બદલી કાઢ્યું હતું અને તેના સંપર્કમાં પણ ન હતો છતા અદાવત રાખી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો યુવક ખાનગી ટેલિકોમ કંપનીમાં ફિલ્ડમાં નોકરી કરે છે. યુવકને મેઘાણીનગર વિસ્તારમાં રહેતી પાડોશી યુવતી સાથે પ્રેમ સબંધ હતો. તેથી તેઓ એકબીજા સાથે વાતચીત કરતા હતા અને બહાર ફરતા પણ હતા. જોકે, યુવતીના પરિવારને આ સબંધ પસંદ ન હતો તેથી તેની સગાઇ અન્ય યુવક સાથે કરી દીધી હતી. બીજી તરફ સગાઇ બાદ યુવકને તેની ફિયાનસીના પ્રેમ પ્રકરણની જાણ થઈ હતી. જેથી તે સમયે મારા મારી થઇ હતી. પરંતુ સમાજરાહે સમાધાન કરી દીધુ હતુ અને તે સમયે પોલીસ ફરિયાદ પણ કરી ન હતી. ત્યારબાદ આ પ્રેમી યુવકે મકાન બદલી દઇ બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો હતો. ગત ૧૧ ઓક્ટોબરના રોજ યુવક પોતાના માસાના ઘરે જઇ પરત ફરી રહ્યો હતો. ત્યારે પૂર્વ પ્રેમિકા અને તેનો પતિ તથા ભાઈ રસ્તામાં મળ્યા હતા. ત્રણે જણાએ યુવકને મનફાવે તેમ ગાળો આપી હતી અને કહ્યું હતું કે, પહેલાં તો તને છોડી દીધો પરંતુ હવે નહીં છોડીયે. ત્યારબાદ ત્રણે માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન પૂર્વ પ્રેમિકાના પતિએ હોકી વડે યુવક પર હુમલો કર્યો હતો. જેથી તે નીચે પડી ગયો હતો. આ સમયે યુવતીના ભાઈએ લોખંડના પંચ વડે માર માર્યો હતો અને કહ્યું હતું કે, તું અહીંયા ફરીથી મળીશ તો જીવતો નહિં રાખીએ, જાનથી મારી નાંખીશું. આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. જેથી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મોઢાના ભાગે ટાંકા આવ્યા હતા.