ભગવાન સર્વશક્તિમાન તો આપણે દુઃખી કેમ?

અગર ઈશ્વર સર્વશક્તિમાન છે તો આપણે દુઃખ શા માટે ભોગવીએ છીએ?!

પહેલી વાત આપણે એમ માનીએ છીએ કે આપણો ભગવાન આટઆટલો પાવરફુલ હોય તો ફેવરેબલ પણ હોવો જ જાેઈએ. આપણે કંઈ પણ કરીએ, કરાવીએ એ ફેવર તો આપણી જ કરવો જાેઈએ. આપણને ભગવાન નિષ્પક્ષ નથી જાેઈતો, ભગવાન પણ પક્ષપાતી જાેઈએ છે! તટસ્થ નથી જાેઈતો. હવે જરાક આપણી નજર છોડીને બીજાઓના નજરિયાને જાેઈએ. બીજાઓ પણ પરમેશ્વરને ‘પોતીકો’ કરીને ન બેઠા હોય?! એમણે પણ સર્વ-સમર્થ, સર્વસત્તાવાન, સર્વક્ષમતાવાન પ્રભુને પોતાના માટે શ્રેષ્ઠ ફળદાતા ન માન્યા હોય?! જેમ આપણે કહીએ છીએ “આપણે ક્યાં કોઈનું કોઈ’દિ બગાડ્યું છે કે ભગવાન આપણું બગાડે?” એવું જ વાક્ય આપણા સ્પર્ધકો, મિત્રો, સગાંઓ કે ઈવન શત્રુઓ પણ ન બોલતા હોય?!

બીજી વાત, વડીલો, ગુરૂજનો, શિક્ષકો અને મા-બાપ પણ ભગવાનની જેમ પ્રેમાળ હોય છે, પણ તેઓ સર્વશક્તિમાન નથી હોતા, છતાં તેઓ પણ સજા કરે જ છે. ક્યારેક આપણને નથી સમજાતું ને કે તેઓ આકરી સજા શા માટે કરે છે પણ સરવાળે એ પનિશમેન્ટ લાભકારક હોય છે.

ત્રીજી વાત, અવતાર લેનાર ઈશ્વર પણ માનવ-સહજ દુઃખો, પીડાઓ અને સમસ્યાઓ ભોગવે છે ને છતાં તેમાંથી રસ્તો કાઢે છે! તે સાબિત કરે છે કે માનવે જીવતરના અનેક રંગ જીવવા પડે છે પરંતુ જે ખુમારીથી જીવી જાણે છે તે જિંદગીનો સમ્રાટ બની જાણે છે!

ચોથી વાત, કોઈ કહેશે કે ભગવાન આપણું પાણી ચકાસે છે, ચારિત્રની પરીક્ષા કરે છે, જેથી આપણો વિકાસ થાય. આપણે સુખ અને પ્રસન્નતાનો સ્વાદ માણી શકીએ, જાેકે આ જવાબ બધી જ જગ્યાએ ખરો સાબિત થાય તે જરૂરી નથી, પણ કેટલીક જગ્યાએ ફીટ બેસી શકે તેમ છે!

પાંચમી અને મૂળભૂત વાત! અવતારો કર્મના સિદ્ધાંતનું પુરું પાલન કરે છે. શ્રી રામ પિતા દશરથના અંતિમ સંસ્કાર માટે રોકાઈ શકતા નથી પરંતુ જેની સાથે કોઈ સગપણ નથી એવા જટાયુના અંતિમ સંસ્કાર કરે છે. ભગવાન કૃષ્ણ મહેલમાં નથી જન્મ લેતા, જેલમાં જન્મે છે.

આ સંસાર પ્રભુની લીલા છે, જેમાં મનુષ્ય જન્મ, યૌવન, વ્યાધિ, જરા, મૃત્યુને ઉપલબ્ધ થાય છે, સાફ સાફ કહીએ તો માણસ જન્મે–મરે છે તે ભગવાન માટે નાટકથી વધારે નથી! અવતારો એ જે જીવન જીવ્યું તેમની પણ આજે આપણે ‘લીલા’ જ ભજવીએ છીએ ને! આ દિવ્ય લીલા આપણા માટે ‘મરો’ હોય તોય અંતિમ સત્ય એ જ છે! રામકૃષ્ણને જ્યારે શિષ્યે પૂછ્યું કે આપણે દુઃખ, પીડા, વેદના શા માટે ભોગવીએ છીએ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ તો પ્રભુની લીલા છે. જેમાં જીવનના હરેક રંગ આવી જાય ત્યારે ભક્તે કીધું, પણ આ તો મરો છે સ્વામી! ત્યારે સ્વામીજી બોલ્યા, “મરો?” “ભાઈ કોનો મરો, તું છે જ કોણ” “હું આઈ એમ?”, “ડુ યુ નો, હું યુ આર?”, (આ સવાલ વેદાંત ઉઠાવે છે). જે બ્રહ્મ છે, જેણે સૃષ્ટિ કરી, તે જ તું છે, તું એ જ છે, જે બ્રહ્મ છે!

બ્રહ્મ સત્યં જગત મિથ્યાઃ બ્રહ્મ જ એક સત્ય છે, જગત મિથ્યા છે અર્થાત, બ્રહ્મ અખંડ-એકરૂપ છે, જગત સતત પરિવર્તનશીલ છે.

ફિલ્મોમાં સુખ દુઃખ બધુ ગમે તે આવતુ હોય ત્યારે! ફિલ્મો, સિરિયલો, રડાવે છે જે કમાણી કરે છે! આપણને ટ્રેજેડી પણખૂબગમે છે! કારણ કે આપણે જાણીએ છીએ કે એ બધુ ‘નાટક’ છે સાચું નથી! વાસ્તવિક નથી, યથાર્થ નથી, અસલ નથી, એમ જ્યારે ‘જ્ઞાન’ થાય ત્યારે સમજાય છે કે સંસાર ‘માયા’ છે, ‘લીલા’ છે, ઈશ્વરનું ‘નાટક’ છે. વેદાંત કે કોઈપણ ધર્મનો સાર છેવટે એ સમજાવવાનો છે કે સુખના શિખર પર કે દુઃખની ગર્તામાં માણસ સંતુલન જાળવી શકે, રસ્તા વિભિન્ન છે, મુકામ એક છે!

ભગવાન સર્વશક્તિમાન છે તેમ છતાં માણસ દુઃખી કેમ છે તેના સાડી સત્તર હજાર જવાબ હોય કે માત્રબે-ચાર! આપણને આપણા માટે આપણી પસંદગીનો માત્ર એક જવાબ જડી જાય તો ભયો ભયો! પછીબિલ (જવાબ) ભગવાનને નામે ફાડીએ કે ભગવાન સિવાય અન્ય કોઈના પણ નામ. મરજી આપકી,ક્યોંકી જિંદગી આપકી!

ઃ ઠ ફેક્ટર ઃ

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः।

अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिઃ।।

આ શ્લોકમાં ભગવાન ત્રણ ત્રણ વખત કહે છે કે કર્મની ગતિ જાણવી જાેઇએ કારણ કે તે અતિ ગૂઢ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution