ભગવાન ફરી જન્મ આપે તો પ્રાણ જ બનીશ!

લેખકઃ ખ્યાતિ શાહ | 


બોલિવૂડમાં ૬૦-૭૦ના દાયકામાં જયારે પણ ખલનાયક એટલે કે વિલનની વાત કરવામાં આવે એટલે એક જ નામ સામે આવે અને એ છે પ્રાણ! સામાન્ય રીતે ફિલ્મોમાં દરેક કિરદારની આગવી ઓળખ હોય છે, પરંતુ બોલિવૂડમાં પહેલા હીરોને સૌથી વધારે મહત્વ આપવામાં આવતું હતું. જાેકે, હાલમાં વિલન અને હિરોઈનને પણ તેટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ૨૦૦૦ પહેલાના દાયકાની વાત કરીએ તો તે એવો સમય હતો જ્યારે હીરોના નામથી જ ફિલ્મ ચાલતી હતી. જેમાં પણ ૬૦-૭૦ના દાયકામાં તો ખાસ હીરોની પસંદગી પર જ ફિલ્મનો દારોમદાર રહેતો હતો. તેવા સમયમાં પણ પ્રાણ એક એવા કલાકાર હતા જેમણે પોતાના અભિનયના જાેરે એક વિલન તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. ખલનાયક તરીકે તેમનો અભિનય એવો આબેહુબ રહેતો કે તે દાયકામાં જન્મેલા બાળકોના નામ પણ આ ‘પ્રાણ’ પાડવામાં આવતા નહોતાં.


પ્રાણકૃષ્ણ સિકંદ આહલુવાલિયાનો જન્મ ૧૨ ફેબ્રુઆરી,૧૯૨૦માં બ્રિટિશ શાસનમાં લાહોરમાં થયો હતો. બોલિવૂડમાં તેઓ તેમના હુલામણા નામ પ્રાણથી વધુ પ્રચલિત થયા. એટલું જ નહીં, ભારતીય સિનેમાના ઇતિહાસના મહાન ખલનાયકની ભૂમિકા ભજવનારાઓ પૈકીના એક તરીકે આજે પણ જાણીતા છે. ૧૯૪૦થી ૧૯૯૦ સુધી હિન્દી સિનેમામાં અભિનયના ઓજસ પાથરીને તેમણે દર્શકોના મનોમસ્તિષ્ક પર અમીટ છાપ છોડી છે.


શાળાકીય અભ્યાસની વાત કરીએ તો તેઓ ગણિતમાં ખૂબ જ નિપુણ હતાં. પિતાની ટ્રાન્સફરેબલ જાેબ હોવાના લીધે તેઓએ ભારતના ઘણા રાજ્યોમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમની પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવાની ઈચ્છા હતી. જેના માટે તેમણે શિમલામાં એ. દાસ એન્ડ કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે કામ શરૂ કર્યું. દરમિયાન શીમલામાં તેમણે ‘રામલીલા’ નાટકમાં સીતાનો અભિનય કર્યો હતો. આ નાટકમાં મદનપુરીએ રામનો રોલ કર્યો હતો.


પ્રાણની ફિલ્મી કરિઅરની વાત કરીએ તો ૧૯૪૦થી ૧૯૪૭ સુધી હીરોની ભૂમિકા,૧૯૪૨થી ૧૯૯૧ સુધી નકારાત્મક પાત્રો અને ૧૯૬૭થી ૨૦૧૭ સુધી સહાયક ભૂમિકા ભજવી. પ્રાણ તેમના અભિનયમાં તો એટલા ઊંડે ઉતરીને કામ કરતા હતા કે, તેમને ભારતીય સિનેમાના ‘બેસ્ટ વિલન’ તરીકેનું બિરુદ મળ્યું હતું. પ્રાણે પોતાની લાંબી અને સફળ કારકિર્દીમાં ૩૬૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં પ્રાણે કહ્યું હતું કે, ‘ઉપકાર’ ફિલ્મ પહેલા મને જાેઈને લોકો ‘અરે ઓ બદમાશ, અરે ઓ ગુંડા’ આવા નામોથી જ સંબોધતા હતા, પરંતુ ‘ઉપકાર’ ફિલ્મમાં તેમણે પોઝિટીવ રોલ એવી સુંદર રીતે નિભાવ્યો કે એમની આ છાપ ભૂંસાઈ ગઈ.


૧૯૬૫માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ગુમનામ‘ની વાત કરીએ તો પ્રાણ સાથે હેલન સેકન્ડ લીડ અભિનેત્રી હતી. તેમાં એક ગીતનું શૂટિંગ સ્વિમિંગ પૂલમાં હતું. શૂટિંગ પૂરું થયા બાદ મજાકમસ્તીમાં પ્રાણે હેલનને પુલમાં ખેંચી, પણ હેલનને તરતા આવડું ન હતું તેથી તે પ્રાણ પર ખુબ જ ગુસ્સે થયાં હતાં. ભારતીય ફિલ્મ જગતમાં પ્રાણની ગણના એક ઉમદા વ્યક્તિ તરીકે પણ થતી હતી. ૧૯૭૦-૭૫ સમયગાળામાં રાજ કપુર અને પ્રાણની ગાઢ મિત્રતા હતી. રાજ કપુરની ‘મેરા નામ જાેકર’ ફિલ્મ ફ્લોપ જતાં તે દેવામાં ડૂબી ગયાં હતાં. તે પછી તેમણે ‘બોબી’ ફિલ્મ બનાવી ત્યારે નાણાકીય કટોકટી હતી. તેથી તે ફિલ્મ માટે પ્રાણે માત્ર એક જ રૂપિયા ફી લીધી હતી. આ ફિલ્મ સુપરહિટ થઈ, અને રાજકપુરને પુષ્કળ કમાણી થઈ. તેમને વિચાર આવ્યો કે આટલી કમાણી થઈ છે તો શા માટે પ્રાણે તેની ફી ન ચૂકવી દઉં? આ જ ભુલ રાજ કપુરે કરી. તે એક લાખનો ચેક લઈને પ્રાણ પાસે આવ્યાં. તે સમયે પ્રાણ ત્રણ લાખની ફી લેતા અભિનેતા હતા. રાજની ફિલ્મ તો મિત્રનામાં કરી હતી. તેમની કોઈ અપેક્ષા નહતી, પરંતુ રાજ જ્યારે ચેક લઈને આવ્યા ત્યારે તેમને ખુબ માઠું લાગ્યુ કે રાજ મિત્રતાની કિંમત આંકે છે? અને જાે તેની ફી આપવાની ભાવના છે તો માર્કેટ વેલ્યું પ્રમાણે ત્રણ લાખનો ચેક કેમ નથી આપતાો? બસ, આ વાત પર બંને વચ્ચે અબોલા થયા અને ફરી ક્યારેય તેમણે સાથે કામ પણ ન કર્યું.


પ્રાણને તેમની કારકિર્દીમાં ઘણા એવોર્ડ અને સન્માન મળ્યાં હતાં. ૧૯૬૭,૧૯૬૯ અને ૧૯૭૨માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.૧૯૯૭માં ફિલ્મફેર લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત થયો. ૨૦૦૦માં સ્ટાન્ડર્ડ દ્વારા વિલન ઓફ ધ મિલેનિયમથી પણ પ્રાણને નવાજવામાં આવ્યાં. ૨૦૦૧માં તેમની કલા અને યોગદાન બદલ પદ્મભૂષણથી પણ સન્માનિત થયાં. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ૨૦૧૩માં ભારત સરકાર દ્વારા સિનેમા કલાકારો માટેના શ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પ્રાણને સન્માનિત કરાયા. છેલ્લે ૨૦૧૦માં સીએનએનની ટોપ ૨૫ એશિયન અભિનેતાઓની યાદીમાં પણ પ્રાણને સ્થાન મળ્યું હતું.


તેઓએ ૧૯૫૧માં ફિલ્મ ‘અફસાના’થી શરૂ કરી ૧૯૮૭ સુધી એક સાથે લગભગ ૨૭ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં ૨૦ તો સુપરહિટ ફિલ્મ હતી. ૧૯૯૧માં તેમની પ્રોડ્યુસર તરીકેની પહેલી અને છેલ્લી ફિલ્મ ‘લક્ષ્મણ રેખા’ આવી. આખરે ૯૩ વર્ષની ઉંમરે ૧૨ જુલાઈ ૨૦૧૩ના રોજ વિલન ઓફ ઘી મિલેનિયમે ફાની દુનિયાને અલવિદા કહ્યું. તેમના અંતિમ શબ્દો હતા કે ભગવાન ફરીથી જન્મ આપશે તો પ્રાણ જ બનીશ!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution