ગુજરાતનો GDP કોઇ વધારી શકતું હોય તો એ પાટીદાર સમાજ છેઃ નરેશ પટેલ

ઊંઝા-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા લેઉઆ-કડવા પટેલો એક થયા છે. લેઉઆ અને કડવા પાટીદારોએ એક થઈને એકતાના દર્શન કરાવ્યા છે. સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સમાજને એક કરવા બંને સમાજના અગ્રણીઓએ હાંકલ કરી છે. લેઉઆ અને કડવા પાટીદારોના અગ્રણીઓએ હાંકલ કરી કે, લેઉઆ-કડવા પાટીદારો સમાજના તમામ પ્રશ્નોનો મળીને સામનો કરશે.

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું કે, બંને સમાજ એક થઈને કામ કરશે તો બંને સમાજને ફાયદો થશે. નોંધનીય છે કે, પાટણના સંડેર ખાતે નવા ખોડલધામનું નિર્માણ થવાનું છે અને એ મંદિરની તૈયારી માટે ખોડલધામના પ્રમુખ સહિત ૨૦ આગેવાનો સંડેરની મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત પહેલા નરેશ પટેલે ઉમિયા ધામના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક યોજી અને ઊંઝા ઉમિયાધામમાં શિશ ઝુકાવી મા ઉમિયાના આશીર્વાદ પણ લીધા. પાટીદારોની બેઠકનો હેતુ સમાજમાં એકતા સ્થાપિત કરવાનો હોવાનું સમાજે જણાવ્યું હતું. આ બેઠકમાં રાજકીય ઉપરાંત પાટીદાર સમાજના ઉત્થાનને લગતા પ્રશ્નોની પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી. શિક્ષણ ઉત્થાન ઉપરાંત સમાજમાં રહેલા સામાજીક દૂષણ દુર કરવા અને અભ્યાસ બાદ નોકરી ન મળવા અંગે ચર્ચા કરી ઉપાયો વિશે વિચારણા કરવામાં આવી. ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું કે, પાટીદારોની શક્તિ વધે તેવો ઉદ્દેશ છે.

દેશના દરેક યુવાનોએ રાજકારણમાં આવવું જાેઈએ અને પાટીદાર યુવાનો પણ રાજકારણમાં આવશે. ઊંઝાથી પાટણ બલિશના ગામે ઠેર ઠેર નરેશ પટેલનું સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. નરેશે પટેલે વધુમાં જણાવ્યું કે, માના મંદિરના પરિસરમાં આવીને ધન્યતા અનુભવાઈ છે. વડીલો અને યુવાનોએ જે સ્વાગત કર્યું એ સદાય સ્મરણીય બની રહેશે. કડવા પટીદાર સમાજની ટીમ અને તેમના કાર્યોને ખૂબ અભિનંદન. ગુજરાતનો જીડીપી કોઇ વધારી શકતું હોય તો એ પાટીદાર સમાજ છે. પાટીદાર દરેક ક્ષેત્રે આગળ છે. ઉદ્યોગ, શિક્ષણ કે પછી અન્ય ક્ષેત્ર કેમ ન હોય. જાેકે હજુ કંઇક ઘટે છે એ છે સંગઠન, હજુ આપણે મહદંશે સંગઠિત થયા છીએ. ટાંટિયા ખેંચ એ માનવ સહજ સ્વભાવ છે. જાે સામેવાળો ન સુધરે તો આપણે સુધરી જવાનું. બે જગ્યાએ આપણી નોંધ નથી લેવાતી. એક અધિકારી સ્તરે અને બીજી રાજકીય સ્તરે.

આપણા એટલા અધિકારી નથી કે નોંધ લેવાય. ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવો જાેઇએ. સંરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવો જાેઇએ. મણિ કાકાને જાેઇને હું રિચાર્જ થયો છું. એ દિશામાં આપણે આગળ વધવાનું છે. સાથે મળી જેટલું ખૂટતું હોય એ ભેગું કરીએ. યુવાનોની જે ચિંતા વડીલોએ કરી છે, તેને પૂરી કરવાની જવાબદારી યુવાનોની છે. અમે પીઠ થાબડીશું. તો ઊંઝા ઉમિયા ધામના ઉપપ્રમુખ પ્રહલાદ પટેલે કહ્યું કે, મા ઉમા અને મા ખોડલના સંતાનો એક થાય તો આખું ગુજરાત ચલાવી શકે છે. આપણે ટિકિટ માગવા જવાની જરૂર નથી, લોકો સામે ચાલીને ટિકિટ આપવા આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution