તંત્રીલેખ
ભારતમા લગભગ ૫૬ ટકા રોગો બિનઆરોગ્યપ્રદ આહારને કારણ થાય છે. તેમાં પોતાનો ખોરાક આરોગ્યપ્રદ હોવાની ભ્રામક જાહેરાત કરતી ફુડ કંપનીઓનો પણ મોટો ફાળો છે.વર્તમાન સમયમાં પેકેજ્ડ ફુડની કંપનીઓ તેમના ઉત્પાદનો આરોગ્ય માટે ઉત્તમ હોવાનો દાવો કરતી હોય છે. પરંતુ વૈજ્ઞાનિકો ભારપૂર્વક જણાવે છે કે, તમામ આરોગ્યપ્રદ ખોરાકના દાવાઓ પર વિશ્વાસ કરવો જાેઈએ નહીં. તેમણે તાજેતરમાં જ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ડાયેટરી ગાઈડલાઈન્સ બહાર પાડીને ચેતવણી આપી હતી કે પેકેજ્ડ ફૂડ પર દર્શાવવામાં આવતી માહિતી ભ્રામક હોઈ શકે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશનની મદદથી તૈયાર કરાયેલ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું કે,પેકેજ્ડ ફૂડ પરના સ્વાસ્થ્યના દાવાઓ માત્ર ગ્રાહકનું ધ્યાન આકર્ષિત કરવા માટે જ કરવામાં આવતા હોય છે. તેમાં એક ઉદાહરણ 'સુગર-ફ્રી ફૂડ્સ’નું ઉદાહરણ ટાંકવામાં આવ્યું હતું જેમાં ઓછી કેલરી હોવાનો દાવો કરાયો હતો. ડાયાબિટીસના દર્દીઓ અથવા શરીર મેદસ્વી ન બને તે માટે સજાગ લોકો સુગર-ફ્રી ફુડ પસંદ કરે છે. ૮ મે, ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવેલ ડાયેટરી ગાઈડલાઈન્સ ફોર ઈન્ડિયા ૨૦૨૪ નામના દસ્તાવેજમાં ચેતવણી આપવામાં આવી હતી કે સુગર-ફ્રી ખોરાકમાં ચરબી, શુદ્ધ અનાજ (સફેદ લોટ, સ્ટાર્ચ) અને હિડન સુગર(માલ્ટિટોલ, ફ્રુક્ટોઝ, મકાઈની ચાસણી, દાળ) પણ હોઈ શકે છે. અને જાે તે હોય તો ખોરાકમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને ઉચ્ચ કેલરી હોય છે. આમ આ માર્ગદર્શિકામાં આ પ્રકારના દાવાઓ પર વિશ્વાસ ન કરવા જણાવ્યું હતું.
ઘણા ખાદ્ય ઉત્પાદનોનું “પ્રોટીન, વિટામિન ડી અથવા અન્ય પોષક તત્ત્વોના ઉત્તમ સ્ત્રોત” તરીકે માર્કેટિંગ કરવામાં આવે છે.આવી જ એક પ્રોડક્ટને દ્રષ્ટાંતરૂપે ટાંકી હતી અને તેની અંદર રહેલા પોષક તત્વોના પ્રમાણ અને કંપનીના દાવા વચ્ચે ઘણો મોટો તફાવત હોવાનું જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે દાવાઓથી ભરમાયા વિના લોકોએ પેકેટ પર આ પોષક તત્વોની માત્રા વિશે વાંચવું જાેઈએ અને તે પછી નિર્ણય લેવો જાેઈએ. વધુમાં, તમામ ઓર્ગેનિક ખોરાકના દાવાઓ પર પણ વિશ્વાસ કરવો જાેઈએ નહીં, માર્ગદર્શિકામાં સુચવાયું હતું કે જ્યારે ફૂડ પેકેટ પર 'ઓર્ગેનિક’ હોવાનું જણાવાયું હોય ત્યારે તેનો સીધો અર્થ એવો થઈ શકે છે કે તે તમામ કૃત્રિમ પ્રિઝર્વેટિવ્સ, ફ્લેવર્સ અને રંગોથી મુક્ત છે અને ખાદ્ય ઘટકો જંતુનાશકો અને રાસાયણિક ખાતરોથી મુક્ત છે. જાે ઉપરોક્ત બંને પરિપૂર્ણ થાય, તો લેબલ ૧૦૦ ટકા ઓર્ગેનિક જણાવે છે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂર કરાયેલ 'જૈવિક ભારત’ લોગો ધરાવે છે. આ લોગો ન હોય તો ઓર્ગેનિક હોવાના દાવા પર વિશ્વાસ કરવો જાેઈએ નહીં.
એફએસએસએઆઈ અનુસાર, માત્ર ૧૦ કે તેથી ઓછા ટકા ફળનો હિસ્સો હોય તો પણ ખાદ્ય પદાર્થં પર તે દર્શાવવાની મંજૂરી છે કે ઉત્પાદન વાસ્તવિક ફળોના પલ્પ અથવા જ્યુસથી બનેલું છે.પેથી વાસ્તવિક ફળમાંથી ઉત્પાદન કરેલું હોવાનો દાવો કરતી પ્રોડક્ટમાં માત્ર ૧૦ ટકા વાસ્તવિક ફળોના પલ્પ સાથે ખાંડ અને અન્ય ઉમેરણો કરવામાં આવ્યા હોઈ શકે છે. હજુ પણ અમુક તેલમાં કોલેસ્ટ્રોલ ન હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ બધા તેલમાં ૧૦૦ ટકા ચરબી હોય છે તેમ માર્ગદર્શિકામાં જણાવાયું છે.આઈસીએમઆર એ ગ્રાહકોને તંદુરસ્ત ખોરાકની પસંદગી કરવા માટે ફૂડ લેબલ્સ પરની માહિતી વાંચવા જણાવ્યું હતું. તેણે ઉચ્ચ ચરબી, ખાંડ, મીઠું અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકનો વપરાશ ઘટાડવાનું પણ સૂચન કર્યું હતું.
આઈસીએમઆરએ જણાવ્યું હતું કે, જાે લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો, ખાંડના અવેજી તરીકે વપરાતા એસ્પાર્ટેમ અને સેકરિન જેવા મીઠાશ આપનારા એજન્ટો પણ સ્થૂળતા, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને અન્ય રોગોનું કારણ બની શકે છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું ફોર્ટિફિકેશન તેમને આરોગ્યપ્રદ બનાવી શકતું નથી.