શ્રીનગર-
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે મારા માટે ખૂબ સ્પષ્ટ વાત છે કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર એક કેન્દ્ર શાસિત રહેશે ત્યાં સુધી હું વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં. તેમણે કહ્યુ કે દેશમાં સૌથી વધુ અધિકાર પ્રપ્ત વિધાનસભાનો સભ્ય રહ્યો છુ, છેલ્લા ૬ વર્ષ સુધી વિધાનસભાનો નેતા પણ રહ્યો છુ. તેમણે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યુ હતું કે નરેન્દ્ર મોદી સરકારનો આ નિર્ણય તેમના માટે અપમાનજનક છે.
અબ્દુલ્લાએ કહ્યુ કે, જમ્મુ-કાશ્મીર લોકશાહી પ્રક્રિયાઓમાં ભાગ લીધો. દેશનાં વિકાસમાં ભાગીદારી કરી, પરંતુ તેની સાથે કરવામાં આવેલ વચન પૂરા થયાં નહીં. 370 ને દૂર કરવું એ "લોકપ્રિય વાત" હોઈ શકે છે, પરંતુ દેશની સાર્વભૌમ પ્રતિબદ્ધતાઓ તરફ પાછા ફરવું એ યોગ્ય કામ નહોતું.
ઉમર અબ્દુલ્લાએ કહ્યુ, "ઘણા મુખ્યધારાનાં રાજકારણીઓને એક વર્ષ કરતા પણ વધારે સમય પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને ઘણાને ગેરકાયદેસર ધરપકડ હેઠળ રાખવામાં આવ્યા હતા. ઘણા હજુ પણ કસ્ટડીમાં છે. મારી પાર્ટીએ હજારો કાર્યકરોને આતંકવાદી હિંસામાં ગુમાવ્યા છે, કારણે કે આપણે અલગાવવાદી રાજકારણનો વિરોધ કરી મુખ્યધારામાં આવવાનું નક્કી કર્યું છે.