વડોદરા-
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક નિવેદન આપ્યું છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2022 અંગે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે 2022 વિધાનસભા ચૂંટણીમાં તેઓ ચૂંટણી લડશે અને જીતશે. તેમણે કહ્યું, “હું છ વખત જીત્યો અને 7મી વખત પણ લડીશ જીતીશ, મારી ઉંમરમાં હું 27-28 વર્ષનો લાગુ છું. આ વખતે પણ હું લડવાનો છું. હું પહેલાથી મંત્રાલયમાં છું મને જે નિગમ આપ્યું છે તે સ્વતંત્ર હવાલો છે.”
ઉલ્લેખનીય છે કે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ પેહલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2022માં ચૂંટણી લડવાની અને જીતવાની વાત કરી ચુક્યા છે. ગત મહીને ડભોઇના કાર્યક્રમમાં ભાજપ શાસિત બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કરી સાતમી વાર પણ ધારાસભ્ય બનવાનો દાવો કર્યો હતો, જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. તેમણે મીડિયા સમક્ષ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કરી કહ્યું હતું કે, ડેરીના શાસકો પોતાનું ઘર ભરી રહ્યા છે. ડેરીના સભ્યોને ભરણા આપવામાં આવી રહ્યા છે.