હું નહેરમાં પડું છું... મને લેવા આવો..!

આણંદ, તા.૧૭ 

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ ઉંટખરી ગામના એક યુવાને ગઈકાલ સમી સાંજના સુમારે ગામ પાસેથી પસાર થતી મહી કેનાલના ધસમસતા નીરમાં પડતું મૂકીને આપઘાત કરી લેતાં નાનકડા ગામમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. આજે બપોરના સુમારે આ યુવાનનો મૃતદેહ નડિયાદ પાસેથી મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ૨૪ વર્ષના યુવાનના આપઘાત કરવા પાછળનું રહસ્ય હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.

વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ઉમરેઠ તાલુકાના ઉંટખરી ગામમાં રહેતા જગદિશ જશવંતભાઈ ચૌહાણ (ઉ.૨૪)એ ગઈકાલ સમી સાંજના ૭ઃ૩૦ કલાકના અરસામાં ગામ પાસેથી પસાર થતી મહી કેનાલ પરથી પોતાના એક મિત્ર મહેન્દ્ર ચૌહાણને ફોન કરીને કહ્યું હતું કે, હું નહેરમાં પડું છું... મને લેવા આવો..! જગદિશ ચૌહાણનો આવો ફોન આવતા જ મહેન્દ્ર ચૌહાણે તરત જ જગદિશના કાકા અશોકભાઈ નટવરસિંહ ચૌહાણ જેઓ ઉંટખરી ગામના સરપંચ છે, તેમને સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા. ભત્રીજાના મિત્ર પર આવેલાં આ મોબાઈલ ફોનની ગંભીરતાને ધ્યાનમાં લઈ અશોકભાઈ ચૌહાણ સહિતના મિત્રો અને પરિવારજનો તરત જ ઉંટખરી ગામની કેનાલ ઉપર પહોંચી ગયા હતા. ભત્રીજા જગદિશની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો.

કેનાલ પરથી જગદિશનો મોબાઈલ ફોન અને ચંપલ મળી આવ્યા હતા. બાદમાં અશોકભાઈ ચૌહાણે આ અંગે ભાલેજ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે જાણવાજાેગ નોંધ દાખલ કરીને જગદિશ ચૌહાણની શોધખોળ હાથ ધરી હતી. અશોક ચૌહાણ સહિતના પરિવારજનોએ પોલીસને સાથે રાખી ફાયરબ્રિગેડની મદદ લઈ કેનાલના પાણી ખુંદી નાખ્યાં હતાં, પરંતુ જગદિશ ચૌહાણનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. આજે બપોરના સુમારે જગદિશ ચૌહાણનો મૃતદેહ ખેડા જિલ્લાના નડિયાદ પાસેના વસો તાલુકામાં આવેલ દાવડા ગામ પાસેથી પસાર થતી મહી કેનાલમાંથી મળી આવ્યો હતો. જ્યાં સરકારી દવાખાનામાં મૃતદેહનું પોસ્મોર્ટમ કરાયાં બાદ જગદિશ ચૌહાણના મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો. જગદિશ ચૌહાણના અકાળે નિધનના પગલે નાનકડા ઉંટખરી ગામમાં ભારે ચકચાર સાથે ઘેરો શોક વ્યાપી જવા પામ્યો છે.

સાસરીમાંથી પરત આવી કેનાલમાં પડતું મૂક્યું

સંબંધીઓના જણાવ્યાં મુજબ, જગદિશની સાસરી મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે છે. તેઓને હાલ સંતાનમાં બે વર્ષનો પુત્ર છે અને પત્નીને સાત માસનો ગર્ભ હોવાથી હાલ પીયરમાં છે. ત્રણ દિવસ પૂર્વે જગદિશ પત્નીને મળવા સાસરીમાં ગયો હતો અને ગઈકાલે સાંજે સાસરીમાંથી ઘરે પરત આવ્યાં વિના સીધો કેનાલ પર ગયો હતો. જગદિશ ચૌહાણના અકાળે મોતથી પત્ની, પુત્ર અને આગામી દિવસોમાં જન્મ લેનાર બાળક નિરાધાર બન્યાં છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution