મારી પાસે સ્માર્ટ ફોન નથી અને સ્માર્ટ મીટર લગાવ્યાં છે!

વડોદરા

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ૨૨મી જાન્યુઆરીથી સ્માર્ટ મીટર લગાવવાનો પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટની શરૂઆત વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓના ઘરોમાં સ્માર્ટ મીટરો ઈન્સ્ટોલ કરવાથી થયો હતો.

વીજ કંપનીના ભણેલા ગણેલા અધિકારીઓએ એ.સી કેબિનમાં બેસીને વડોદરાના અલ્પ શિક્ષિત અને શ્રમજીવી પરિવાર સ્માર્ટ મીટરનો ઉપયોગ કેવી રીતે કરશે ? તેનો ઉંડો વિચાર કર્યો ન હતો. જેને કારણે વુડાના શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એવી છે કે, કેટલાક પરિવારો પાસે સ્માર્ટ ફોન નથી એટલે તેઓ એમજીવીસીએલની એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી શકતા નથી. જ્યારે બીજા કેટલાક પરિવારો એવા છે જેમની પાસે સ્માર્ટ ફોન તો છે પણ વીજ કંપનીની એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો એમને ફાવતો નથી. ગુજરાતમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

જેની શરૂઆત એમજીવીસીએલ દ્વારા કરવામાં આવી છે. જે હેઠળ એમજીવીસીએલ દ્વારા કેટલાક વિસ્તારોની પાયોલટ પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવી છે. જ્યાં મીટર લગાવાની શરૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા જે વિસ્તારોની પાયોલટ પ્રોજેક્ટ હેઠળ પસંદગી કરવામાં આવી છે તે વિસ્તારોમાં ગ્રાહકો કેવા છે તેની ચકાસણી કરવામાં ન આવી હોય તેમ લાગી રહ્યું છે. સ્માર્ટ મીટર એવા વિસ્તારમાં લગાવવા જાેઈએ જ્યાં સ્માર્ટ મીટરને સમજી શકે તેની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે. પરંતુ અધિકારીઓ દ્વારા જે વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે તેમાં અકોટા વિસ્તારમાં વુડાના મકાનોની પસંદગી કરવામાં આવી છે. અકોટા વિસ્તારમાં આવેલા વુડાના મકાનોમાં વુધ્ધ દંપતી રહે છે અથવા તો એવા પરિવારો રહે છે જેમની પાસે સ્માર્ટ ફોન નથી અને સ્માર્ટ ફોન છે તો તે પરિવારો એટલા સ્માર્ટ નથી કે એમજીવીસીએલની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે. વુડાના મકાનોમાં રહેતા વીજ કંપનીના ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, આ સ્માર્ટ મીટરની એપ્લિકેશન જ અમને ઉપયોગ કરતા આવડતી નથી તેમજ અમને સમજાવવા પણ કોઈ આવ્યું નથી. જેથી સ્માર્ટ મીટર લગાવતા પહેલા અમારી મંજૂરી લેવામાં આવે તેમજ પહેલા સ્માર્ટ મીટર વિષે અમને જાણકારી આપવામાં આવે અને તેની એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખવાડવાની જરૂરિયાત છે. વુડાના મકાનમાં રહેતા એક વુધ્ધાએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં હું અને મારા પતિ બન્ને ઉંમર લાયક છીએ. બન્નેમાંથી એકને પણ સ્માર્ટ ફોનનો પુરે પૂરો ઉપયોગ કરતા આવડતો નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution