ઘરના નોકરની બોલવાની સ્ટાઈલની કોપી એક્ટિંગમાં કરી : આશિત સેન

લેખકઃ ખ્યાતિ શાહ | 


બીસ સાલ બાદ... યાદ છે ને ??? હા, એ જ ‘બીસ સાલ બાદ’ ફિલ્મ જે ૧૯૬૧માં રિલીઝ થઇ હતી. જે આજે પણ દર્શકોના દિલમાં રાજ કરે છે. ખાસ કરીને ફિલ્મ ગોપીચંદ જાસૂસનું કેરેક્ટર આજે પણ દર્શકોને હસાવે છે. આ પાત્ર તેની બોલવાની છટાના કારણે આજે પણ દર્શકો પણ ભૂલી શકતા નથી. ‘બીસ સાલ બાદ’ ફિલ્મનો ગોપીચંદ જાસૂસ એટલે પોપ્યુલર કોમેડિયન આશિત સેન.


હિન્દી અને બંગાળી મળી ૨૫૦ થી વધુ ફિલ્મોમાં કોમેડીનો જાદુ ફેલાવનાર આશિત સેનની ૧૦૭મી જન્મ જ્યંતી તાજેતરમાં જ બોલીવુડમાં ઉજવાઈ હતી. જાેકે, ‘બીસ સાલ બાદ’ ફિલ્મમાં પોતાના ઘરના નોકરની બોલવાની છટાને કોપી કરી એક્ટિંગ ક્ષેત્રે નામના મેળવનાર આશિત સેન અનેક ફિલ્મોમાં દર્શકોને હસાવ્યા અને તે ફિલ્મો આજે પણ દર્શકોને હસાવી રહી છે. આશિત સેનને એક્ટિંગ શીખવા અને એક્ટર બનવા માટે પરિવારને ખોટું બોલી આગળ વધ્યાં હતાં. આશિત સેને ફિલ્મ જગતમાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરી હતી. તેમની સ્લો સ્પીડમાં ડાયલોગ ડિલિવરી કરવાની ખાસિયત જ તેમની ઓળખ હતી.


આશિતનો જન્મ ૧૩ મે ૧૯૧૭માં બ્રિટિશ શાસનકાળ દરમિયાન ગોરખપુરમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. રોજગાર મળે એ માટે તેમનો પરિવાર પશ્ચિમ બંગાળ છોડી ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરમાં વસવાટ કરવા આવ્યો હતો. તેમના પિતા ક્યારેક રેડિયો કે ગ્રામોફોન તો ક્યારેક ઇલેક્ટ્રીક સામાનનો વેપાર કરતા હતા. પરંતુ આશિત સેનને આર્ટમાં રસ હતો. તેમનો શાળાકીય અભ્યાસ આસામમાં પૂર્ણ કરી વધુ અભ્યાસ માટે તેઓ કલકત્તા આવ્યા હતા અને ત્યાં જ તેમનો આર્ટનો ઇન્ટરેસ્ટ તેમને ફોટોગ્રાફી તરફ લઈ ગયો. જેણે વિકસાવવા માટે તેમણે એક પ્રખ્યાત સિનેમેટોગ્રાફર રામાનંદ સેનગુપ્તાની મદદથી હિન્દી ફિલ્મનું શૂટિંગ જાેવાની શરૂઆત કરી. પછી તેમણે ડી. કે. મહેતાની ભારત લક્ષ્મી પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ તરીકે નોકરીની શરૂઆત કરી હતી.


ત્યારબાદ આશિતે કલકત્તામાં ન્યુ થિયેટરમાં નીતિન બોસ પાસે ફિલ્મ મેકિંગ પણ શીખ્યું. તે સમયે આશિત પરિવારને ભણવાનું ખોટું બહાનું આપી કલકત્તા આવ્યા હતાં. ત્યાં તેમણે ‘પુરબ રંગ’ ફિલ્મમાં પણ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ શરૂ થયું આશિતનું ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકર તરીકેનું કરિયર.


કલકત્તામાં તેમણે નાટકોમાં કામ કર્યું જેમાં તેમણે ઘણી પ્રશંસા પણ મળી. પરંતુ તે જ સમયે આશિતને ગોરખપુર પાછું જવું પડ્યું. ગોરખપુરમાં ફોટોગ્રાફીના કામથી ઘણી પ્રશંસા મળી. જેથી તેમણે ૧૯૩૨માં ત્યાં જ ફોટો સ્ટુડિયો શરૂ કર્યો. તે જ સમયે બીજું વિશ્વયુદ્ધ થયું. જેના લીધે વિદેશથી આવતો ફોટોગ્રાફીનો સામાન ઘણો મોંઘો પડવા લાગ્યો અને આશિતનો સ્ટુડિયો બંધ થયો. બીજાે કોઈ રસ્તો ન હોવાથી તેઓએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ત્યાં પણ તેમણે ફરીથી ફોટોગ્રાફી શરૂ કરી. પણ કહેવાય છે ને કે, નસીબ ખરાબ હોય ને તો ઉંટ પર બેઠેલી વ્યક્તિને પણ કૂતરું કરડી જાય. સેન સાથે પણ કંઈક આવું જ બન્યું. માંડ સેટલ થયા હતા અને માતાની બિમારીની ખબર આવતા પુનઃ ગોરખપુર જવું પડ્યું. થોડા જ સમયમાં દાદી અને માતાનું નિધન થયું હોવાથી સેન દુઃખી થઇ ગયા હતા. તે સમયે તેઓ ન ગોરખપુરમાં રહી શકતા ન હતા કે મુંબઈ જઈ શકતા ન હતાં.


તે બાદ આશિતે બધું જ છોડીને કલકત્તા જઇફિલ્મ મેકિંગ શરૂ કર્યું. પોતાના પેશનને આગળ વધારવા આશિતે એક ડોક્યુમેન્ટરી બનાવી જેનાથી આત્મવિશ્વાસ વધ્યો. જે બાદ બંગાળી ફિલ્મ ‘ચલા ચલ’ બનાવી. જેના થકી થોડા વર્ષો પછી તેની જ હિન્દી રીમેક સફર બની. આ દરમિયાન ૧૯૬૦માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મુંબઈમાં એમને મુલાકાત કૃષ્ણકાંત સાથે થઈ. તેમના થકી સેન અભિનેત્રી સુમિત્રા દેવી અને તેમના પતિદેવ મુખરજીના સંપર્કમાં આવ્યા. જેમની સાથેની મિત્રતા તેમને ફિલ્મ મેકર બિમલ રોય સુધી લઇ ગઈ. જે બાદ આશિતના ફિલ્મી કરિયરને એક દિશા મળી. બિમલ રોય સાથે આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું. જેની સાથે સાથે ફિલ્મોમાં નાના મોટા કામ મળવા લાગ્યાં. તેમની એક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘હમરાહી’ હતી. સમય જતા બિમલ રોય સાથે આસિસ્ટ કરતા કરતા આશિત ફિલ્મો ડિરેક્ટ કરવા લાગ્યા. ઘણો ટાઈમ ડિરેક્શન કર્યા બાદ તેઓ એક્ટિંગ તરફ વળ્યાં. તેમને ‘છોટાભાઈ’ ફિલ્મમાં બુધ્ધુ નોકરનો કોમેડી રોલ મળ્યો. પરંતુ અભિનયથી તે સાવ અજાણ હતા. પણ પોતાના ઘરમાં કામ કરતા નોકરની સ્લો ટેમ્પોમાં બોલવાની સ્ટાઇલને કોપી કરી! અને તે જ હિટ થઈ ગઈ! પછી તો કોમેડિયન તરીકેના અભિનયે આશિત સેનને નવી ઓળખ આપી. અંતે કોમેડિયનનું પાત્ર ભજવતા આશિત સેનના પત્નીના મોતનો આઘાત તેમના જ મૃત્યુનું કારણ બની ગયું. ૧૮ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ સુપરહીટ કોમેડિયન આશિત સેન ફાની દુનિયાને અલવિદા કહી ગયા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution