હું કોર્પોરેટર છું, તારા હાથપગ ભાંગી નાખીશ અને દુકાનો સીલ કરાવી દઈશ અને પછી..

અમદાવાદ-

ખોખરા વોર્ડના કોર્પોરેટરની લુખ્ખાગીરી સામે આવી છે જેમાં કોર્પોરેટરે એક વેપારીની બે દુકાનો પચાવી પાડવા માટે માણસો મોકલી પોતાની ઓફીસમાં બોલીવીને વેપારીને ધાકધમકી આપી અપશબ્દો બોલીને દુકાનો સીલ મરાવી દેવાનું જણાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપો કરતી અરજી વેપારીએ અમદાવાદ સેક્ટર 2 અધિક પોલીસ કમિશ્નરને આપીને પોતાને રક્ષણ આપવા તથા દુકાનોનો કબજો પરત આપવાની માંગ કરી છે.

રૂપાણી સરકારે લેન્ડગ્રેબિગના કાયદા બનાવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પક્ષના સત્તાધીશો નિર્દોષ લોકોની મિલકત હડપ કરી લેવાનો કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે. જેમાં અમદાવાદ સેક્ટર 2 અધિક પોલીસ કમિશ્નર કચેરીમાં એક વેપારીએ અરજી કરી છે જેમાં એવી રજુઆત કરી છે કે, ખોખરામાં રહેતા અને વેપાર કરતા અશોકકુમાર સુથાર ખોખરા સર્ક પાસે રાધે મોલના ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો ધરાવે છે. જે દુકાનો તેઓએ દીપક કુમાર શાસ્ત્રી નામના વ્યક્તિને ભાડેથી આપી છે. જો કે ભાડાકરારની અવધિ પૂર્ણ થતાં વેપારીએ ભાડુઆત દીપકકુમારને પુન: ભાડા કરાર કરવા કહ્યું હતું પરંતુ ભાડુઆત કોઈને કોઈ બહાને દિવસો પસાર કરીને ભાડા કરાર કરતા ન હતા. એટલું જ નહીં વેપારીએ ભાડુઆતને પોતાની દુકાન ખાલી કરવાનું કહેતાં તેઓ દુકાન ખાલી પણ કરતા ન હતા આથી તેઓએ અમરાઈવાડી પોલીસ મથકમાં લેખિત અરજી આપી વકીલ મારફતે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. વેપારીની દુકાન મુદ્દે ચાલતા વિવાદમાં હવે ખોખરાના ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચેતન પરમારે પણ છેલ્લા એક અઠવાડિયાથી 'અંગત રસ' લઈ દુકાન માલિકને ધમકાવવાનું શરૂ કર્યું હોવાનું વેપારીએ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે. ભાજપના કોર્પોરેટર ચેતન પરમારે અશોકકુમારને ફોન કરી દિપક શાસ્ત્રી તારી દુકાન ખાલી નહીં કરે અને તારી દુકાન મને વેંચી દેવાની છે તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં ગત તા. 23 ઓગસ્ટના ત્રણ શખ્સો વેપારી અશોકભાઈ પાસે આવ્યા હતા અને તારી દુકાન સીલ કરાવી દેશો તેવી ધમકી આપી ચેતનભાઇ પરમારની ખોખરા સ્થિત ઓફિસે મળી આવવા કહ્યું હતું. જો કે ડરી ગેયલા વેપારી જ્યારે કોર્પોરેટરની ઓફીસે મળવા માટે ગયા હતા ત્યારે પોતાની સત્તામાં ચૂર બનેલા કોર્પોરેટર ચેતન પરમારે વેપારી સાથે અભદ્ર ભાષામાં વાત પણ કરી હોવાનું અરજીમાં જણાવ્યું છે.

પોલીસ કમિશ્નરને કરેલી અરજીમાં અરજદારે એવી પણ રજુઆત કરી છે કે, વેપારીની દુકાનોમાં ત્રણ માણસો મોકલી વેપારીનો ઓફિસે બોલાવીને ચેતન પરમારે રીતસરની લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા હતા અને વેપારીને તારા હાથ પગ ભાંગી નાખીશ, તારી દુકાન મારે વેચાણ ખાતે લેવાની છે. બે દિવસમાં તું મને દુકાન સોંપી દેજે નહીતો તારી બન્ને દુકાનો સીલ કરાવી દઈશ. હું ભાજપનો કોર્પોરેટર છું તું મારું કશું બગાડી શકવાનો નથી તેવું કહીને તારા વેપાર ધંધા બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી.

દુકાનના ભાડુઆત દિપક શાસ્ત્રી અને કોર્પોરેટર ચેતન પરમાર બંન્નેએ પોતાનો કબજો જમાવીને બેસી ગયા હતા. જો કે બંન્ને અવાર નવાર વેપારીને દુકાનો સીલ કરાવવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી તંગ આવેલા વેપારીએ પોલીસ કમિશ્નરને અરજી કરીને રક્ષણ મેળવવા તથા દુકાનનો કબજો પરત મેળવવા માટે વિનંતી કરી છે.

આ અંગે કોર્પોરેટર ચેતન પરમાર સાથે જનસત્તા લોકસત્તાએ ટેલિફોનિક વાત કરતા ચેતન પરમારે જણાવ્યું હતું કે, આ તદન ખોટી વાત છે, હું દિપક શાસ્ત્રી નામના કોઈ યુવકને ઓળખતો નથી આ કોઈ રાજકીય સ્ટંટ કરીને મને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે જનસત્તાએ અરજદારને તમે ઓફીસે બોલાવ્યો હોવાનું પુછતા કોર્પોરેટર ચેતન પરમારે જણાવ્યું હતું કે, મારી ઓફીસનું કામ ચાલતું હોવાથી તેને કામ કરવા માટે ઓફિસ બોલાવ્યો હતો અને કામ પણ કર્યું હતુ. જો કે તેને ઓફિસ બોલાવ્યો હોવાથી મને આ વાતમાં સંડોવી લીધો હોવાનું રટણ કોર્પોરેટર ચેતન પરમાર કરી રહ્યો છે.   

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution