પતિનો ભાંડો ફૂટ્યોઃ લગ્ન સર્ટિફિકેટ પત્નીના હાથમાં આવતા થયુ એવું કે..

અમદાવાદ-

શહેરના પૂર્વ વિસ્તારમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીના ૨૦૧૩માં યુવક સાથે લગ્ન થયા હતા, લગ્નજીવન દરમિયાન તેણે બે સંતાનને જન્મ આપ્યો. પરંતુ પતિએ તેની સાથે બેવફાઈ કરી જાણ બહાર લગ્નના આઠ વર્ષે બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતાં. આટલું જ નહીં પતિ બીજી પત્ની સાથે રહેવા લાગ્યો હતો. યુવતી પાસે પતિના બીજા મેરેજનું સર્ટિફિકેટ આવતા જ પાઠ ભણાવવા તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના મેઘાણીનગરમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી મૂળ મધ્યપ્રદેશની રહેવાસી છે. આ યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૩માં થયા હતા. લગ્ન બાદથી જ તે તેના સાસરે રહેવા આવી હતી અને પતિ, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી અને સાસુ સાથે રહેતી હતી. લગ્ન જીવનમાં આ યુવતીએ એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો હતો. ગત જુલાઈ માસમાં આ યુવતીનો પતિ મજૂરી કામે જવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. બાદમાં તેનો પતિ ઘરે આવતો નહિ અને અન્ય કોઈ જગ્યાએ રહેતો હતો જેની જાણ આ યુવતીને નહોતી. યુવતી અવાર નવાર તેના પતિના ફોન નંબર પર ફોન કરે તો તેનો પતિ ફોન ઉપાડતો નહીં અને પત્નીનો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો હતો. બાદમાં આ યુવતીએ તપાસ કરી તો તેને જાણવા મળ્યું કે, પૂજા નામની કોઈ સ્ત્રી સાથે જાણ બહાર પતિએ વર્ષ ૨૦૨૧માં લગ્ન કરી લીધા છે અને તેની સાથે રહેવા લાગ્યો છે. બાદમાં થોડા જ દિવસોમાં આ યુવતીના પતિએ કરેલા બીજા લગ્નનું સર્ટિફિકેટ તેના હાથ લાગતા તેણે તેના સગા-સબંધીઓને આ અંગે જાણ કરી હતી. જેથી યુવતીએ પોતાની જાણ બહાર તેના પતિએ બીજા લગ્ન કરી તે સ્ત્રી સાથે રહેવા લાગ્યો હોવાની રજુઆત પોલીસને કરતા પોલીસે આ મામલે યુવતીના પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution