સુરત, મોટાવરાછામાં નર્સિંગ હોમ અને આઇવીએફ ક્લિનિક ધરાવતી ડોક્ટરનાં નામે ડેન્ટિસ્ટ પતિ અને એકાઉન્ટન્ટ સસરાએ ૧૪.૩૩ કરોડની લોન લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ઉત્રાણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સિલ્વર પેલેસ રાસે સાંઇ હાઇટ્સમાં રહેતા નમ્રતા ગાયનેક ડોક્ટર છે. ઉત્રાણનાં આદિત્ય કોમ્પલેક્ષમાં આઈવીએફ સેન્ટર તથા નમ્રતા નર્સિંગ હોમ નામથી હોસ્પિટલ ચલાવતાં નમ્રતાનાં લગ્ન તુષાર પ્રકાશ ભારંબે સાથે થયા હતા. તુષાર સાથેનાં દાંપત્ય જીવનમાં બે સંતાનો થયા હતાં. તુષાર ભારંબે પહેલા વરાછા રોડ, અંબિકાવિજય સોસાયટીનાં નાકે તાપીબાગ શોપિંગ સેન્ટર ખાતે આસ્થા ડેન્ટલ નામનું દવાખાનું ચલાવતા હતા અને નમ્રતા આજ વિસ્તારની મધર કેર હોસ્પિટલમાં નોકરી કરતી હતી. એ સમયે નમ્રતા સાથે ગાયનેકોલોજિસ્ટ તરીકે કામ કરતાં ડો.પ્રકાશ ભટ્ટ સાથે તેણીએ ભાગીદારમાં પ્રકાશ ભટ્ટ નર્સિંગ હોમ નામથી હોસ્પિટલ શરૂ કરી હતી. ત્યારબાદ ૨૦૧૬માં તેણીએ ઉત્રાણ, આદિત્ય કોમ્પલેક્ષ, એ બિલ્ડીંગમાં ચોથા માળે ખાતે ત્રણ ગાળા ખરીદી નમ્રતા નસિંગ હોમ અને નમ્રતા આઇ. વી.એફ. સેન્ટર ચાલુ કર્યું હતું, હોસ્પિટલમાં કામ વધુ રહેવા ઉપરાંત ગૃહસ્થી પણ સંભાળતી નમ્રતાને સમય મળતો ન હોવાથી તેણીનાં બેંકને લગતા તમામ વ્યવહારો પતિ તુષાર સંભાળતો હતો. ફ્લેટ તથા હોસ્પિટલનાં લોનનાં હપ્તાનાં રોકડા રૂપિયા દર મહિને નમ્રતા આપતી હતી. ૨૦૨૦માં પતિ તુષારે બંને લોન ભરપાઇ થઇ ગયાની વાત કરી હતી. થોડા મહિના પછી હોસ્પિટલ તથા આઈવીએફ સેન્ટરની લોનની તમામ રકમ ભરપાઇ કરી દેવાયાનાં ડોક્યુમેન્ટ તેણીએ માંગતાં પતિ ગુસ્સે થવા માંડ્યો હતો. આ સમયગાળા દરમિયાન જયારે નમ્રતા ઓપીડીનાં કામમાં વ્યસ્ત હોય જેનો લાભ લઇ તુષાર કોઈને કોઈ કાગળોમાં સહી લઇ જતો હતો. આ દરમિયાન વર્ષ-૨૦૨૦માં ઉમરા પોલીસ સ્ટેશનથી મારા તુષાર ઉપર ફોન આવતા તેઓ ત્યાં ગયા હતાં. જ્યાં નમ્રતાને જાણવા મળ્યું કે તુષારે વી.આર.મોલની સામે આકાશ રીટેઇલ બિલ્ડિંગમાં જગ્યા રાખેલ છે જેનું મેઇન્ટેન્સ બાકી હોય તેઓએ અરજી કરી હતી. બિલ્ડર આકાશ તથા સમીરે જણાવ્યું હતું કે, તુષારે રાખેલા ત્રણ ગાળાનાં બે કરોડ રૂપિયા બાકી છે તે રૂપિયા તમારે ભરવાના છે. નમ્રતાની હોસ્પિટલમાં ૧૦ લાખની લોન સંદર્ભે નોટિસ આવી હતી. બાદમાં તુષારને આ અંગે પૂછાતાં તેણે કહ્યું કે, મેં આશરે ૧૬-૧૭ કરોડ રૂપિયાની લોન તથા હાથ ઉછીના લીધેલ છે. આ લોન નમ્રતાની જાણ બહાર તેણીનાં ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લેવાયો હતો. તુષારે ચીટિંગ અને વિશ્વાસઘાત કરેલાનું જણાતા નમ્રતાએ તેની સાથે મે-૨૦૨૨માં કસ્ટમરી છુટાછેડા કરાવવા સાથે ફેમિલી કોર્ટમાં પણ કેસ કર્યો હતો. ત્યારબાદ તુષાર ઔરંગાબાદ રહેવા જતો રહ્યો હતો. જાે કે, ત્યારબાદ જુદી જુદી બેંકોના માણસો નમ્રતાની હોસ્પિટલ અને ઘરે જઇ ઉઘરાણી કરવા આવવા માંડ્યા હતાં. નમ્રતાએ તપાસ કરતા તુષાર અને તેના પિતા પ્રકાશે તેણીનાં નામે ખોટી આવક બતાવીને આઈ.ટી રિટર્ન ભર્યા હોવાનું જણાયું હતું, આ ખોટા આઈ,ટી રિટર્નનાં આધારે એચ.ડી.એફ.સી, એચ.ડી.એફ.સી ફર્સ્ટ, આર.બી.એલ, એક્સીસ, બજાજ ફાયનાન્સ, ઈન્ડસઈન્ડ, સહિતની ૧૦ બેંકોમાંથી કુલ રૂપિયા ૧૪,૩૩,૩૪,૩૩૨ની લોન લીધી હતી. આ વાત બહાર આવતાં નમ્રતાએ પોલીસે તુષાર અને પ્રકાશ દગડુ ભારંબે સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.