માનવીનું જીવન જ દસ મહાવિદ્યા દેવીઓની લીલા છે

જકાલ તંત્ર માર્ગનો અભ્યાસ કરવા ઈચ્છતા તમામ લોકોમાં દસ મહાવિદ્યાઓ પ્રત્યે એક વિચિત્ર આકર્ષણ છે. જેને તમે જુઓ તેને મહાવિદ્યા સિદ્ધ કરવી હોય છે. કોઈ ગુરુ નહીં, ગણેશ નહીં, બટુક નહીં, પરંપરાગત દીક્ષા વિધિ નહીં પણ તેમને સીધું જ મહાવિદ્યા સુધી પહોંચી જવાનું સ્વપ્ન હોય છે, પણ આ લોકો એ કેમ નથી સમજતા કે તેઓ અત્યારે જે જીવન જીવે છે કે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ બધી જ આ મહાવિદ્યાઓની લીલા છે!

માતાના ગર્ભમાં પ્રવેશવાથી લઈને અંતિમવિધિ પછી પંચમહાભૂતમાં વિલીન થવા સુધી,૧૦ મહાવિદ્યાઓ જીવનના તમામ તબક્કામાં તેમનું કાર્ય કરતી રહે છે. જાે હું સાધકના જીવનની વાત કરું તો તેની આધ્યાત્મિક યાત્રાની શરૂઆતથી લઈને તે તેના આધ્યાત્મિક શિખરે પહોંચે અથવા સિદ્ધિઓના દુરુપયોગને કારણે તેના પતન સુધીના તમામ તબક્કામાં માત્ર ૧૦ મહાવિદ્યાઓ જ નિહિત હોય છે. એક સામાન્ય વ્યક્તિના જીવન પરથી આ વાત સમજીએ.

સામાન્ય માણસનું જીવન અને દસ મહાવિદ્યાઓનું કાર્યક્ષેત્રઃ

આ જગતમાં જ્યારે કંઈ નહતું ત્યારે પણ એક શક્તિ હતી અને જ્યારે કંઈ નહીં હોય ત્યારે પણ એક શક્તિ શાશ્વત સ્વરૂપમાં હાજર રહેશે, જે છે કાલી. તેમનું એક નામ આદ્યા છે, એટલે કે જે કાળથી પરે છે. દેવી અથર્વશીર્ષમાં પણ કહેવાયું છે “શૂન્યાનાં શૂન્યસાક્ષિણી”.કાલીનું કામ સંહાર કરવાનું છે. જ્યારે શુક્ર અને શોણિતના મિલનથી માતાના ગર્ભમાં બાળકનો જન્મ થાય છે,ત્યારે તે બાળકની માતા ગર્ભાવસ્થાના નવ મહિનામાં જે કંઈપણ ખાય છે તે ગર્ભવતી બાળકને વાગતું રહે છે અને બાળકને એથી પીડા થાય છે. આ અવસ્થા દરમિયાન આદ્યશક્તિ કાલી ગર્ભસ્થ શિશુના પાછલા કર્મોનો અમુક અંશે નાશ કરે છે, જેથી આ સંસારમાં જન્મ લીધા પછી જે કર્મનું ફળ ભોગવવું પડે છે તે અમુક અંશે ઓછું થઈ જાય છે. આ રીતે કાલી, જે ઉગ્ર સ્વરૂપ ધરાવે છે, તે જ તેના દયાળુ સ્વભાવની ઝલક આપે છે, જેને દુન્યવી મનુષ્યો સમજી શકતા નથી.

આ પછી બાળકનો જન્મ થાય છે અને મા ભગવતી તારા કાર્યભાર સંભાળે છે. માતા પોતાના દૂધ દ્વારા તેના બાળકને પોષણ આપે છે, તેના સ્વરૂપમાં દેવી તારાની ઝલક અનુભવી શકાય છે. જેમ ભગવતી તારાએ વિષથી પીડિત ભગવાન શિવને પોતાનું અમૃત ભરેલું દૂધ પીવડાવીને તે વિષની પીડા ઓછી કરી અને આ જગતના કાર્યને આગળ ધપાવવા માટે જરૂરી પોષણ પૂરું પાડ્યું, તેવી જ રીતે એક માતા પણ પોતાના બાળકને પોષણ આપે છે.

હવે ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુરાસુંદરી એટલે કે ષોડશી પરાંબાનું લીલાક્ષેત્ર આવે છે. તે એક એવા દેવી છે જે જીવનના વિવિધ પાસાઓમાં તેના બાળક સાથે રહે છે. દેવી ત્રિપુરસુંદરી શ્રી પ્રદાન કરનાર છે.

કોઈપણ બાળકને મૂળભૂત શિક્ષણ, વિદ્યા અને જીવનના મૂળભૂત પાયાના અનુભવો દ્વારા તૈયાર કરવાનું કામ ભગવતી ષોડશી પરાંબાનું છે. સોળ સંસ્કારો દ્વારા તે જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કાર્યક્ષેત્ર સંભાળે છે.

જ્યારે બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે છે, ત્યારે અભ્યાસ અથવા કાર્યક્ષેત્રમાં તેના પોતાને માટે સ્થાન બનાવવાનો સમય આવે છે. બાળક તેના મૂળભૂત પ્રારંભિક વ્યવહારમાં જે શીખે છે અને સમજે છે તેના આધારે, ભગવતી હલ્લેખા ભુવનેશ્વરી તેના પર આશીર્વાદ વરસાવે છે અને બાળકને ભવિષ્યના કાર્યક્ષેત્ર માટે તૈયાર કરે છે.

તે પછી પરિપક્વતાનો સમય આવે છે, જ્યાં દરેકના જીવનમાં અનુશાસન જરૂરી છે. આ દેવી ત્રિપુરભૈરવીનો સમય છે. જ્યારે માતા તેના બાળક સાથે કઠોર અવાજમાં વાત કરે છે, ત્યારે તેને ત્રિપુરભૈરવી કહેવામાં આવે છે. જ્યારે બાળક એક મર્યાદાની બહાર જઈને કંઈક એવું કરવાનો પ્રયાસ કરે છે જે તેણે ન કરવું જાેઈએ, ત્યારે ત્રિપુરભૈરવી બાળકને કડક નિયમો, પાલન અને અનુશાસન દ્વારા જીવનમાં શિસ્તનું મહત્વ સમજાવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution