જીવનસાથીની અને આપણી પસંદગી વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો?

આપણી લગ્ન વિધિ અત્યંત મહત્વની જેવી હોય છે એ છે સપ્તપદીના સાત ફેરાની. આ સાત ફેરામાં પત્ની દરેક ફેરામાં એના પતિને એક વચન આપે છે. આ વચનોમાં એક વચન એવું પણ હોય છે જે હું પતિની ઇચ્છા મુજબ જીવીશ. એની પસંદગી મારી પસંદગી બનાવીશ. ખરેખર તો આ વાત જ લગ્નજીવનમાં લાંબા સમયે ઘર્ષણ ઉભું કરે છે. શા માટે આ વચન માત્ર પત્ની આપતી હોય છે? શંુ દાંપત્યજીવનમાં પત્નીના ગમા-અણગમા કે પસંદગીનું કોઈ મહત્વ નથી હોતું ? શા માટે આજીવન પોતાની પસંદગી છોડીને અન્યની પસંદગી મુજબનું જીવવાનું? જે ર્નિણયથી પત્ની ખુશ જ નથી એમ દુઃખી રહીને પણ લગ્નજીવનને સુખી દાંપત્યજીવન કહેવું કેટલે અંશે વ્યાજબી છે?

 જાેકે આજની પેઢી પોતાની પસંદ-નાપસંદ, પોતાના વિચારો, શોખ, ઈચ્છાઓ અને સપનાં બાબત બહુ જ સ્પષ્ટ છે. એક વાત એ પણ છે કે આજની પેઢી આવી લગ્ન વિધિનો ભાગ તો બને છે પરંતુ એને લગ્ન વિધિ વિશે કોઇ જાણકારી હોતી નથી અને એને એ જાણવામાં રસ પણ નથી હોતો. જાે કદાચ લગ્નમંડપમાં બેઠેલા યુવક અને યુવતી સપ્તપદીના ફેરા વિશે જાણતા હોત તો એ બંમેમાંથી કોઇ આ સાત વચન માટે ક્યારેય સહમત ન હોત. કારણકે પોતાનો પરિવાર છોડવો અને પતિના પરિવારને અપનાવવો એ આપણી સમાજવ્યવસ્થા- લગ્નવ્યવસ્થા છે. અને એ થાય છે એ પછી પોતાના સુખ, સપના, ઈચ્છાઓ એ બધું જ કોઈ એક વ્યક્તિ માટે છોડીને પોતાને નગમતું ઘણું બધું સાથીની પસંદગી છે એટલે અપનાવીને પત્ની પોતાના અસ્તિત્વને ઓગાળી નાખે એ યુવક કે યુવતી કોઈને સ્વીકાર્ય નથી હોતું. આજની પેઢીની આ સમજણ અને સ્ત્રીના અસ્તિત્વના સ્વીકારની વાત બહુ જ સારી છે.

આપણી પ્રેમ, લાગણી અને પરસ્પરને ચાહવાની માન્યતા અને શરતો બહુ જ વિચિત્ર છે. પતિને ગમતા રંગના વસ્ત્રો પત્ની પહેરે તો પ્રેમ કહેવાય છે પછી ભલે એ પત્નીનો પ્રિય ના હોય. પતિને ભાવતું ભોજન પત્ની પણ હોંશે હોંશે ખાય તો એ પતિને ચાહે છે એનું પ્રમાણ મનાય છે. આજે લગ્નવિધિમાં પણ લગ્નગ્રંથિથી જાેડાનાર બંને પાત્રો પહેલેથી જ દરેક વિધિના પોશાકને કલર ડિઝાઇન અને કોમ્બિનેશન સેટ કરી લેતા હોય છે. અમુક વિધિઓ ભલે બંને અલગ-અલગ ઘરે થતી હોય પરંતુ વિધિ સમયે વર-કન્યા પહેરેલો પોશાક એનું કલર કોમ્બિનેશન એકસરખું હોય છે. આવું કરવામાં બંને પોતાની પસંદગીમાં સમાધાન કરવાનું થતું હોય છે. એ સારી વાત છે કે આવી વાતોમાં પણ આજની પેઢી સમાધાન કરી જાણે છે.

 પરંતુ શું આવું સમાધાન જરૂરી છે? આ તો લગ્નજીવનનું પહેલું પગથિયું છે અને આગળ ઉપર બહુ જ મોટી બાબતોમાં ઘણા સમાધાન કરવાના થવાના છે. જરૂરી એ છે કે ઘટનાને મહત્વ આપીને એને અનુરૂપ સમાધાન કરવા જાેઈએ. પતિ કે પત્નીની એકબીજાની પસંદગી પર જીવવામાં અને એની પસંદગીને અપનાવવામાં આમ તો કશું જ ખોટું નથી. પરંતુ એકબીજાની પસંદગીના પ્રાધાન્ય આપવામાં આપણે આપણી પોતાની પસંદગીને મહત્વ નથી આપી શકતા. અને આગળ જતા એકાદ વખત કરેલા આવા સમાધાન એ બંનેને એકબીજાની આદત બની જતા હોય છે. પતિ-પત્ની જ્યારે પહેલી વખત બહાર જવા માટે તૈયાર થતા હોય ત્યારે એકબીજાને પુછતા હોય છે કે ક્યો પોષાક પહેરૂ? પરંતુ કેટલીક વખત એવું પણ બને કે પત્ની પૂછતી નથી હોતી અને જ્યારે તૈયાર થઈને સામે આવે છે ત્યારે પતિને ફરિયાદ હોય છે કે આ વખતે તો તે મને પૂછ્યું પણ નહીં ?આવું બંને પક્ષે બનતું હોય છે. માટે પહેલેથી જ દરેકે પોતાની પસંદગી માટે સ્પષ્ટ રહેવું જાેઈએ.

સાથીદારની પસંદગીને સન્માન આપવું એટલે પોતાની પસંદગીનું બલિદાન આપવું એવો અર્થ નથી. પરસ્પર સમજૂતિથી સમયે-સમયે બંનેની પસંદગી મુજબ બંને જીવતા રહેતા શીખવું જાેઈએ. આપણે જાણીએ છીએ કે એક જ હાથમાં રહેલી પાંચ આંગળીઓ પણ એકસરખી નથી હોતી. એક જ માતાની કૂખે જન્મેલા અને એક જ વાતાવરણમાં ઉછરેલા બે બાળકો પણ વિચારો અને પસંદગી બાબતે સમાનતા ધરાવતા નથી હોતા. તો પછી અલગ પરિવાર, અલગ માહોલ અલગ અને અલગ વિચારધારાવાળી બે વ્યક્તિની પસંદગી એકસરખી હોય એવું ક્યાંથી બને? એનો મતલબ એવો નથી કે બંનેએ પોતાની પસંદગીને જીદ અને અહમથી વળગી રહેવું.

એ વાત હંમેશા યાદ રાખવી જાેઈએ કે લગ્નજીવનમાં એકબીજાની પસંદગી પર જીવવું એ જ સુખનો આધાર નથી હોતો. એકબીજાનું સન્માન, એકબીજાની પસંદગીનું સન્માન, એકબીજાના શોખ, આદત અને બંને પક્ષની પસંદગી બાબતે બંનેએ એટલું જ પારદર્શક રહેવું કે તમે એકબીજાને એવું સ્પષ્ટ કહી શકો કે તમારી પસંદગી સારી છે પરંતુ મારી પસંદ મારી છે. ક્યારેક હું તમને ગમે એમ પણ જીવીશ પરંતુ મને ગમે એમ પણ કરીશ. જાે પહેલેથી આવી રીતે રહેવામાં આવે, આટલા સ્પષ્ટ થઇને જીવવામાં આવે તો લગ્નજીવનમાં જાેડાયેલા બંને પાત્રો લગ્નજીવનમાં કેદને બદલે વિશાળ આકાશમાં ઉડતા હોય એવું અનુભવશે. બંનેને એ વાતનો સંતોષ હોવો જાેઈએ કે લગ્નજીવનમાં બંનેને સરખું ઉડવાની આઝાદી છે અને આ વિચાર પરિવારને મજબૂત રીતે જાેડી રાખે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution