લેખકઃ હિમાદ્રી આચાર્ય દવે |
માથા પર રહેલા વાળ આમ તો એવી કોઈ વિશેષતા ધરાવતા નથી કે તેના વગર જીવી ન શકાય કે જીવન જીવવામાં કોઈ મુશ્કેલી પડે. હાથ, પગ, આંખ, કાન, વગેરેમાંથી કોઈ અવયવ ન હોય તો મુશ્કેલી પડે પણ માથા પર વાળ નહીં હોવાથી ચહેરાના સાૈંદર્યમાં નાનકડી ઉણપ સિવાય કોઈ નુકશાન થતું નથી. તેમ છતાં સામાજીક માન્યતાઓ અને સાૈંદર્યની રૂઢીગત રુપરેખાના કારણે માથા પર વાળ ન હોય તો ઘણાં વ્યક્તિ હિણપત અનુભવતા હોય છે. જંગી બજારો અને જાહેરખબરોના આ યુગમાં સૌંદર્યને ખૂબ મહત્વ આપવામાં આવે છે. સૌ કોઈને સુંદર દેખાવું છે અને એ માટે બધા જ ઉપાયો અપનાવવા તૈયાર છે. વાળ એ સાૈંદર્યનું એક મહત્વનું અંગ છે. અને હવે આધુનિક ટેકનોલોજીની બોલબાલાના યુગમાં આ સાૈંદર્ય પામવા હેર ટ્રાન્સપ્લાન્ટની મોંઘીદાટ ટ્રિટમેન્ટ કરાવવા માટે પણ હોડ જામી છે.
આ સારવારનાં ખર્ચ વિશે વાત કરીએ તો તે, ૨ લાખથી લઈને ૮ લાખ સુધી પહોંચી શકે છે. માથાના ૧/૩ ભાગના હિસ્સાને કવર કરવામાં લગભગ ત્રણેક હજાર વાળ ઇમપ્લાન્ટ કરવા પડે અને એક વાળ દીઠ ૪૦થી ૬૦ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. એ હિસાબે કેટલા હિસ્સામાં પ્રત્યારોપણ કરવાનું છે અને કઈ જગ્યાએ સારવાર કરાવો છો એ મુજબ ચાર્જ નક્કી થાય અને તે મુજબ, બે કે ત્રણ સેશનમાં ટ્રીટમેન્ટ થાય છે. હેર ટ્રાન્સપ્લાન્ટ એક સર્જીકલ ટેકનિક છે. આ કોસ્મેટિક સર્જરી ડર્મેટોલોજીસ્ટ અથવા પ્લાસ્ટિક/કોસ્મેટિક સર્જન કરે છે.
હેર ટ્રાન્સપ્લાન્ટની મુખ્ય બે પદ્ધતિઓ છે. બંને પદ્ધતિઓમાં, લોકલ એનેસ્થેસિયાનો ઉપયોગ કરીને માથાની ત્વચાને ખોટી પાડી દેવામાં આવે છે અને પાછળના ભાગમાંથી તંદુરસ્ત વાળના ફોલિકલ્સ(વાળના મૂળ)કાઢી તેને વાળ વગરના વિસ્તારમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
ફોલિક્યુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશન ટેકનિકમાં માથાના પાછળનાં ભાગેથી વાળના મૂળ સહિતની ત્વચાની પરત લેવામાં આવે છે અને વાળ વિનાના ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં, જ્યાંથી ત્વચા લીધી હોય ત્યાં ડાઘ રહી જાય છે. જાે કે તે ડાઘ વાળ ઉગે પછી ઢંકાઈ જાય છે.
જ્યારે ફોલિક્યુલર યુનિટ એકસ્ટ્રેકશન ટેક્નિકમાં, વાળના ફોલિકલ્સને(મૂળને) એક પછી એક, મેન્યુઅલી કાઢીને ટાલવાળા હિસ્સામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ ટેકનિકનો વધુ ઉપયોગ થાય છે, કારણ કે તેનાથી દઃુખાવો ઓછો થાય છે, રૂઝ ઝડપથી આવે છે અને ડાઘ પણ આછા રહે છે
ઉપરોક્ત બેમાંથી, વ્યક્તિ માટે ક્યાં પ્રકારની સારવાર યોગ્ય છે તે સંખ્યાબંધ પરિબળોને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ નક્કી કરે છે.અલબત્ત, અમુક સ્પેશ્યલ મેડીકલ કન્ડિશનમાં હેયર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ હિતાવહ નથી. કોણે હેર ટ્રાન્સપ્લાન્ટ ન કરાવવું જાેઈએ તે વિશે વિચાર કરીએ તો અનકંટ્રોલ્ડ અથવા પાર્શિયલ કંટ્રોલ્ડ ડાયાબિટીસ, હાઈ બીપી, હાયપરટેન્શન અથવા ઓટોઇમ્યુન ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિઓમાં હિલિંગ પ્રોસેસ પર અસર થાય છે અથવા તો બીજા જાેખમ ઉભા થઇ શકે. હેર ટ્રાન્સપ્લાન્ટની વિચારણા કરતા પહેલા આ સ્થિતિઓને સારી રીતે સમજી લેવી ખૂબ જ જરૂરી છે.
રક્તસ્રાવની વિકૃતિઓ ધરાવતી વ્યક્તિઓ અથવા જેઓ લોહીને પાતળું કરતી દવાઓ લેતા હોય તેમને સર્જરી દરમ્યાન અને તે પછી પણ રક્તસ્રાવનું જાેખમ અને રૂઝ આવવામાં પણ સમસ્યા ઉભી થઇ શકે છે.
હેર ટ્રાન્સપ્લાન્ટ માટે ડર્મેટોલોજીસ્ટને પસંદ કરો કે પ્લાસ્ટિક સર્જનને, મહત્વનું એ છે કે તેમની સારી પ્રતિષ્ઠા સારી હોય, આ ફિલ્ડમાં બહોળો અનુભવ હોય, યોગ્ય સર્ટિફિકેટ્સ અને સફળ કેસોનો પોર્ટફોલિયો ધરાવતા હોવા જાેઈએ. તમારી ચોક્કસ જરૂરિયાતો વિશે ચર્ચા કરીને તેના માટે લાઇન ઓફ ટ્રીટમેન્ટ/વે ઓફ ટ્રીટમેન્ટ નક્કી થાય એ જરુરી છે. જ્યાં ટ્રીટમેન્ટ લો ત્યાં અદ્યતન ટેકનોલોજી અને ઉપકરણ ઉપલબ્ધ છે કે નહીં એ ખાતરી કરવી રહી. વળી હેયર ટ્રાન્સપ્લાન્ટ થોડી લાંબી પ્રક્રિયા હોવાથી, એ પણ ખાતરી કરવી કે પુરી પ્રક્રિયા જે-તે સર્જન જ કરશે.ઘણીવાર મોટા ડોકટરના નામે ચાલતી ક્લિનિકમાં આવી ટ્રીટમેન્ટ આસિસ્ટન્ટ સ્ટાફ કરતાં હોય છે. યાદ રહે કે સર્જરી દરમ્યાન ડોક્ટરની હાજરીનો આગ્રહ રાખવો હિતાવહ છે. બીજું, વાળને અહીંથી લઈને તહીં રોપી દેવા એટલું જ નહીં, પરંતુ હેર ટ્રાન્સપ્લાન્ટ કુશળતા માંગી લેતી આર્ટિસ્ટિક સર્જરી છે કે જે થયાં બાદ કરાવનારનો ચહેરો એબનોર્મલ કે વિકૃત ન લાગવો જાેઈએ. પેશન્ટની મુખમુદ્રા અને ઉંમર સાથે સુસંગત, કૃત્રિમ ન લાગતા સહજ લાગે એવું ગ્રાફ્ટિંગ થાયએ ખાસ મહત્વનું છે.
હેર ટ્રાન્સપ્લાન્ટની સફળતાનો દર નક્કી કરતું બીજું પરિબળ સર્જરી પછીની કાળજી છે. ઇન્ફેક્શન એ હેર ટ્રાન્સપ્લાન્ટ પછીની જાેવા મળતી આડઅસરોમાંની એક અસર છે.
એવરેજ ૮૫ થી ૯૫ ટકા સકસેસ રેટ ધરાવતી હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી અતિ જટિલ નથી પરંતુ સાધન સુવિધાથી સજ્જ સેટઅપ અને યોગ્ય ડોક્ટરની પસંદગી બે મુદ્દા ખૂબ મહત્વનાં છે. ઉપર કહ્યું તેમ આ સારવારમાં થતો જંગી ખર્ચ બચાવવા, સસ્તી સારવારના નામે કે પૂરતી માહિતીનાં અભાવે લોકો લેભાગુ સારવાર કેન્દ્ર કે તાલીમ વગરના અણઘડ લોકોના હાથમાં જઇ ચડે છે. ત્યાં હાઇજિન વિશે પૂરું ધ્યાન ન અપાતું હોય તો બકરું કાઢતાં ઊંટ પેસવાનો ઘાટ થઈ શકે. આ બધાને કારણે સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ત્વચાનાં ગંભીર રોગો કાયમ માટે ઘર કરી જાય છે અથવા તેનાથી વધુ ભયાનક પરિણામ આવી શકે. એટલે જ ડોક્ટરો વગરના કોઈપણ કેર સેન્ટર કે કોસ્મેટિક સેન્ટરમાં આ સારવાર ન લેવી જાેઈએ.