આપણું આચરણ કેવું હોવું જાેઈએ?

લેખકઃ સાધુ વેદકીર્તિદાસ | 


સ્વામી રામતીર્થજીએ પોતાના જીવનની એક સુંદર ઘટના પોતાની દૈનંદિનીમાં નોંધી છે - તેઓ એકવાર રસ્તામાં ચાલ્યા જતા હતા, ત્યાં તેમણે જાેયું તો એક શ્રીમંત વ્યક્તિના બંગલામાં ભયંકર આગ લાગી હતી. આગ ઠારવા ગામના માણસો ભેગા થઈ ગયાં હતાં. આ આગથી બંગલામાંથી બચી શકે તેટલી વસ્તુઓ બચાવી લેવાનું કામ ચાલતું હતું. શેઠ-શેઠાણી પોતાનું મકાન સળગતું જાેઈ આઘાતથી રડતાં હતાં. ત્યાં એક માણસે આવીને કહ્યું, ‘શેઠ, હજી એકવાર અંદર જઈ શકાય એટલો સમય છે. તમારે કોઈ મહત્ત્વની વસ્તુ બચાવવાની રહી ગઈ હોય તો અમને કહી દો, તો અંદર જઈને લઈ આવીએ.’ શેઠને કાંઈ સૂઝ પડતી નહોતી.


માણસો છેલ્લે અંદરની કીંમતી વસ્તુઓ લઈને નીકળ્યા કે આગે આખી ઇમારતને ઘેરી લીધી. અચાનક શેઠે ચીસ પાડી, ‘બીજાે બધો સામાન બચાવવાની ધમાલમાં અંદર મારો દીકરો સૂતો હતો એને બચાવવાનું તો સાવ ભુલાઈ જ ગયું... ઓ બાપા રે! મેં સામાન બચાવ્યો, પણ આ સામાનના ભાવિ માલિકને, મારા વારસદારને તો બચાવવાનું હું ભૂલી જ ગયો. દીકરો મારો ના રહ્યો...’ એમ પોક મૂકી.જાે ક્યારેક વિચાર કર્યો હોય, તો એવો અનુભવ થાય છે કે આપણું પણ ક્યાંક આવું જ છે... ઘણીવાર ન કરવાનું આપણે કરતા રહીએ અને જે કરવાનું છે તે સાવ જ રહી જાય - અંતે જીવનભરનો પસ્તાવો રહે...


પણ પ્રશ્ન એ થાય કે ‘શું કરવું? અને શું ન કરવું?’ - એ નક્કી કોણ કરે? આપણા જીવનના વિધિ-વિધાનો કઈ રીતે નક્કી થઈ શકે? કોણ નક્કી કરી શકે? આનંદની વાત એ છે કે આ બાબત આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ ખૂબ જાગૃત છે. ‘આપણું આચરણ કેવું હોવું જાેઈએ?’ એનું સમાધાન આપતાં સનાતન શાસ્ત્રોમાં લખાયું છે, ‘જે વર્તન દ્વારા (૧) આપણને અંતરમાં સંતોષ થાય અને પરિવારમાં સૌને લાભ થાય, (૨) સત્શાસ્ત્રોમાં જેવો સદાચાર વર્ણવ્યો હોય એ જીવંત બને, અને (૩) સમાજ કે દેશને પણ લાભ થાય - તેને સદવર્તન અર્થાત્‌ સદાચાર કહેવાય, એનું જ નામ ‘સતધર્મ’. આવો સદાચાર આપણા ભારતીય સનાતન શાસ્ત્રોમાં સુપેરે વર્ણવેલો છે. એમાંનું એક અદ્યતન સનાતન શાસ્ત્ર એટલે ‘સત્સંગદીક્ષા’.


પરબ્રહ્મ ભગવાન શ્રીસ્વામિનારાયણના ૬ઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બી.એ.પી.એસ. સંસ્થાના વર્તમાન અધ્યક્ષ, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત આ શાસ્ત્ર એટલે આધુનિક આચારસંહિતા! તેઓ આપણાં સૌની ભલાઈ માટે ઉપદેશ આપે છે ઃ

सुराभङ्गातमालादि यद् यद् भवेद्धि मादकम्।

तद् भक्षयेत् पिबेन्नैव धूम्रपानमपि त्यजेत्॥२७॥

આ સંસ્કૃત શ્લોકનો અર્થ એ થાય કે ‘સુરા, ભાંગ તથા તમાકુ ઇત્યાદિ જે જે પદાર્થો માદક હોય તે ક્યારેય ખાવા કે પીવા નહીં તથા ધૂમ્રપાનનો પણ ત્યાગ કરવો.’ (સ.દી.૨૭)


હા, એક સાચા સજ્જનનું, એક પૂર્ણ મનુષ્યનું સૌથી પહેલું અને મહત્ત્વનું લક્ષણ એ છે કે તે નિર્વ્યસની હોય! વ્યસન આપણાં શારીરિક સ્વાસ્થ્ય માટે, આપણી માનસિક સ્વસ્થતા માટે... અરે! ત્યાં સુધી કે આપણી આર્થિક દુરસ્તી માટે અત્યંત નુકસાનકારક છે તે પરમ સત્ય આજે કોણ નથી જાણતું? છતાં આપણું મન આપણને દર વખતે છેતરી જાય છે. બીજાને વ્યસન કરતા જાેઈને, બીજાને કહેવાતી ‘મોજ-મઝા’ કરતા કોઈને આપણને પણ એમ થઈ જાય કે આ ‘લાભ’ લેવા જેવો ખરો!


તેથી એકવાર મહંત સ્વામીજી મહારાજને જાહેર સભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો: ‘સ્વામી! બીજાને વ્યસન કરતા જાેઈને મનમાં ઇચ્છા થાય છે કે ‘આમાં કેવી મઝા આવતી હશે?!’ તો તે વખતે અમારા મનને કેવી રીતે રોકવું?’ ત્યારે સ્વામીજીએ વળતો સુંદર જવાબ આપ્યો, “ઘણાં બધાં ઝેર ખાય છે, તો ઝેર જમવાનું મન થાય છે? એમ વ્યસન પણ ઝેર સમાન જ છે. શ્રીજી મહારાજની (ભગવાન સ્વામિનારાયણની), ભગવાનની આજ્ઞા થઈ, એટલે એ વ્યસન બધું ઝેર સમાન જ છે. એને અડાય નહીં, ખવાય નહીં. જેમ ખરેખર ઝેર સામે આવે તો તમે અડો નહીં, એક માઇલ દૂર ભાગી જાઓ! તેમ શ્રીજી મહારાજની આજ્ઞા સિવાય આપણે જે કાંઈ ખાઈએ-પીએ એ બધું ઝેર જ છે.”


હા, વ્યસન ઝેર છે. તોપણ ઘણા લોકો એ બે પૈસાના વ્યસન માટે પોતાની જિંદગી દાવ પર મૂકી દે છે. આ દારૂ, તમાકુ, સિગારેટ, ડ્રગ્ઝ્‌ જેવા વ્યસનો કરીને - જાણી જાેઈને ઝેર ગટગટાવું શા માટે? જાણી જાેઈને આપણા સ્વાસ્થ્યને રગદોળવું શા માટે? જાણી જાેઈને આપણા કુટુંબને દુઃખના નરકમાં ઘસડી જવું શા માટે? જાણી જાેઈને અગણિત મુશ્કેલીઓને અપનાવવી શા માટે?


અને બીજી બાજુ વ્યસનોમાંથી ખરેખર ઉગરી શકાય તેમ છે! પોતાના જીવન દરમ્યાન ૪૦,૦૦,૦૦૦થી વધુ લોકોને વ્યસનમુક્ત કરનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ કહેતા, ‘આપણામાં અનેક પ્રકારના વ્યસનો છે, એટલે આપણે ઊંચા આવી શકતા નથી. ઊંચું માથું રાખી શકીએ એવું જીવન કરવું જાેઈએ. એક નાનું-સરખું વ્યસન જાે આપણે ન મૂકી શકતા હોઈએ તો બીજું શું કરી શકવાના? બીડી મૂકીશું તો પૈસા કંઈ બીજા નથી લઈ જવાના, આપણા જ ઘરમાં રહેવાના છે.’

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution