ગુજરાતની 8 વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ કેટલું સજ્જ ?

ગાંધીનગર-

આ આઠ બેઠકો માટે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં પેટાચૂંટણીની શક્યતા જોવાઈ રહી હતી ત્યારે રાજ્યના બંને મુખ્ય પક્ષો કૉંગ્રેસ અને ભાજપે પેટાચૂંટણીનો આવનારો જંગ જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે સી. આર. પાટીલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ કૉંગ્રેસે યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. એ પહેલા ભાજપે પણ પેટાચૂંટણીનો આ જંગ જીતવાના ઇરાદાથી જૂનના અંતમાં આ આઠ બેઠકો માટે 16 ઇન્ચાર્જનાં નામ જાહેર કર્યાં હતાં. જોઈએ કે આ આઠ બેઠકો પર પેટાચૂંટણીમાં શું રાજકીય સમીકરણો બની રહ્યાં છે અને પેટાચૂંટણીમાં કેવા રાજકીય રંગ આ બેઠકો પર જોવા મળી શકે છે.

ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાહા આ આઠ બેઠક કોંગ્રેસના હાથમાં હતી પરંતુ ભાજપ્ની રણનીતિ અને રાજ્યસભાની બેઠકો જીતવા પાડેલા ખેલના પરિણામો આ બેઠકો ગુમાવવી પડી હતી. આ આઠ બેઠકો પર કોંગ્રેસ દ્વારા સક્ષમ ઉમેદવારની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઈકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે. 

હાલના કોરોના સંજોગોમાં વર્તમાન ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની કામગીરી ખરડાયેલી છે. એકબાજુ ગરીબી, મોંઘવારી, પ્રષ્ટાચાર અને બેરોજગારીના મામલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે તેને ધ્યાનમાં રાખીને પેટા ચૂંટણીની રણનીતિ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધનો વંટોળ ઉપડયો છે. તેવા સંજોગોમાં વધુને વધુ બેઠકો જીતવા કોંગ્રેસ કમર કરી રહ્યું છે. ભાજપ્ના આગેવાનો દ્વારા પણ ગઈકાલે કમલમ ખાતે આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કૃષિ બિલના સંદર્ભે ગામડે-ગામડે જઈ ખાટલા બેઠક કરવામાં આવશે. આ બેઠકોના પરિણામે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં પ્રચારને ખાળશે. તો વિધાનસભાની આઠેય બેઠકો પૈકીના પાંચ બેઠકોના ઉમેદવારો મોટાભાગે નિશ્ર્ચિત છે. જયારે બાકીની બેઠકો પર નામની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution