ગાંધીનગર-
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલ આજે 9મી વાર બજેટ રજૂ કરવાના છે. એમ મનાય છે કે, બજેટમાં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે અને તે માટેની આરોગ્યની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા પર ભાર આપવામાં આવશે. નાના-મધ્યમ ઉદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર પણ બજેટમાં ભાર મૂકવામાં આવશે. કોરોનાકાળમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા એમ બંન્ને કથળી ગયા છે, તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર ભાજપ સરકાર પ્રજાને ભેટ આપશે એમ મનાય છે. નીતિન પટેલે રજૂ થનાર બજેટને ગુજરાતનો સર્વાંગી વિકાસ કરે એવા પ્રકારનું ગણાવ્યું. ગુજરાતના દરેક નાગરિકને બજેટથી સંતોષ થશે, તે પ્રકારનું બજેટ હશે તેવો વિશ્વાસ નાણામંત્રી નીતિન પટેલે વ્યકત કર્યો હતો. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિશેષ પ્રજાલક્ષી કામો, સુવિધાઓ મળતી રહે તે માટેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવશે.
રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારી આંકડાઓમાં મળતી માહિતી મુજબ, રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ (રૂ. 1,14,92,86,000) અને 26 ફેબ્રુઆરી 2020માં રજૂ થયેલા બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડ (રૂ. 2,17,287 કરોડ) હતું. ટકાવારીની રીતે જોઈએ તો 60 વર્ષમાં અંદાજપત્રનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.