દિલ્હી-
દેશમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા હતા? જેની કેન્દ્ર સરકારને કોઈ જાણકારી નથી. સોમવારે એક પ્રશ્નનો જવાબ આપતા સરકારે સંસદમાં આ જાણકારી આપી હતી.
સરકારે કહ્યું કે, આ પ્રકારના કોઈ આંકડા એકઠા કરવામાં આવ્યા નથી. આથી મૃતકોના પરિવારજનોને વળતર આપવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. કોરોના વાઈરસ મહામારીના કારણે કેટલા લોકોએ નોકરીઓ ગુમાવી? આ બાબતે પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી.
મૉનસૂન સેશનના પ્રથમ દિવસે સરકારને લેખિત પ્રશ્ન કરતા પૂછવામાં આવ્યું હતું કે, "શું સરકારને જાણ છે કે, લૉકડાઉન દરમિયાન પોતાના ઘરે પરત ફરતાં સમયે હજારો પ્રવાસી મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો? શું સરકાર પાસે તેની કોઈ રાજ્ય પ્રમાણે યાદી છે કે કેમ? આ સિવાય સરકારને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું સરકારે એવા પીડિતોના પરિવારજનોને કોઈ વળતર કે આર્થિક સહાય પૂરી પાડી હતી?" આ પ્રશ્નનો લેખિત જવાબ આપતા શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે, "એવા કોઈ આંકડો હાલ ઉપલબ્ધ નથી. આમ આવા કોઈ ચોક્કસ આંકડા એકત્ર કરવામાં આવ્યા જ નથી, તો પછી પીડિતોના પરિવારજનોને વળતર આપવાનો પ્રશ્ન જ પેદા નથી થતો.