દિલ્હી-
સુપ્રીમ કોર્ટ ચેક રીટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચૂકાદામાં જણાવ્યું હતું કે નાણા ચૂકવવાની સંયુક્ત જવાબદારી છતા જે વ્યક્તિએ ચેક લખ્યો ન હોય તેની સામે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ કામ ચલાવી શકાય નહી.સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે કોઈપણ પ્રકારનું કાનુની દેવુ કે જવાબદારી ચૂકવવા માટે એકથી વધુ વ્યક્તિ સંયુક્ત રીતે જવાબદાર હોય પણ જો બેન્ક ખાતુ જોઈન્ટ સહીથી ચાલતું ન હોય તો ચેક નહી લખનારને ચેક રીટર્ન માટે જવાબદાર ગણાવી શકાય નહી.
ન્યાયમૂર્તિ શ્રી ડી.વાય.ચંદ્રચૂડની ખંડપીઠે આ નિરીક્ષણ સાથે ચૂકાદો આપ્યો હતો. આ કેસમાં એક યુગલની કાનૂની પ્રક્રિયામાં ધારાશાસ્ત્રીએ સંયુક્ત નામે બિલ બનાવ્યું હતું અને તેના પેમેન્ટ માટે પતિએ ચેક લખી આપ્યો તે રીટર્ન થયો હતો. ધારાશાસ્ત્રીએ બન્ને સામે સંયુક્ત રીતે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ દાખલ કર્યો હતો અને આ પેમેન્ટ સંયુક્ત જવાબદારી હોવાનું દર્શાવ્યું હતું પણ પત્નીએ બચાવ કર્યો કે જે બેન્ક ખાતામાંથી ચેક અપાયો છે તે સંયુક્ત નથી તે ખુદ ચેકમાં સહી કરી શકતી નથી અને તેની સંમતિથી આ પેમેન્ટ અપાયું નથી તેથી તે ચેક રીટર્ન થાય તો તે જવાબદાર બનતા નથી. અદાલતે આ દલીલ સ્વીકારવાની સાથે ધારાશાસ્ત્રીની એ દલીલ નકારી હતી કે તેનું બિલીંગ સંયુક્ત નામે છે તેથી પત્ની પણ તે ચેક રીટર્ન માટે જવાબદાર છે.અદાલતે એ પણ કહ્યું કે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138માં સંયુક્ત જવાબદારીનો કોઈ ઉલ્લેખ નથી અને તેથી જે વ્યક્તિ ચેક લખનાર હોય તેના સિવાય અન્ય કોઈને ચેક રીટર્ન માટે જવાબદાર ગણાવી શકાય નહી.