હર્ષદ મહેતા સ્કેમમાં બધું જ ગુમાવી દેનાર વેપારી ઉદ્યોગપતિ કેવી રીતે બન્યો?

લેખકઃ કેયુર જાની | 

વર્ષ ૧૯૯૨માં ભારતના શેરબજારે ભયકંર પછડાટ ખાધી. ભારતના આર્થિક જગતમાં તેને હર્ષદ મહેતા સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે. તે સમયે શેરબજારમાં તેજી જાેઈને રોકાણ કરનાર લાખો રોકાણકારો રાતોરાત પાયમાલ થઇ પટકાયાં હતાં. પાયમાલ થયેલા લાખો રોકાણકારોમાંથી એક ઝારખંડના મુલચંદ જૈન પણ હતા. મુલચંદ જૈન નાના વેપારી હતાં. તેમણે શેરબજારની તેજીથી અંજાઈ નાના વેપારમાંથી મોટી રકમ કાઢી શેરબજારમાં રોકી હતી. શેરબજારે પછડાટ ખાતા મુલચંદ જૈનનું બધું જ તેમાં જતું રહ્યું. તેમના પર ભયકંર આર્થિક સંકટ આવી ગયું. શેરબજારના રોકાણમાંથી હવે કંઈ હાથમાં આવે તેમ ન હતું. જેથી તેઓએ તેમના પુત્ર તુષારને લઇ અને નવી શરૂઆત કરવા ડોર-ટુ-ડોર સૂટકેસ વેચવાનું ચાલુ કર્યું. આર્થિક રીતે ફરીથી બેઠા થવા પિતા-પુત્રએ મુંબઈ પહોંચી સંઘર્ષ કરવાનું વિચાર્યું. મુંબઈ પહોંચી સડક ઉપર ઉભા રહી તુષાર જૈન સૂટકેસ, સ્કુલ બેગ તેમજ ટ્રોલી બેગ વંેચવા લાગ્યાં.

મુંબઈના અલગ અલગ વિસ્તારમાં સડક ઉપર ઉભા રહી બેગ વેચવાની શરૂઆત કરવાથી આજીવિકા ચાલી શકે તેટલી જ કમાણી થતી હતી. વર્ષ ૧૯૯૯માં હૉલસેલમાં બેગ લઇ નાના દુકાનદારોને આપી પોતાના વ્યવસાયને ગીયર-અપ કરવાનું તુષાર જૈને વિચાર્યું. તેમણે ભારતભરના શહેરોમાં પ્રવાસ કરી બેગ વેચવાનો નાના પાયા ઉપર વ્યવસાય કરતા ૩૦૦ જેટલા દુકાનદારોને મનાવી લીધાં. તુષાર જૈન ચીનથી તૈયાર થઇને આવેલી બેગ મોટી સંખ્યામાં ખરીદી અલગ અલગ શહેરના નાના દુકાનદારોને સપ્લાય કરવા લાગ્યાં. તેમના દ્વારા સપ્લાય કરવામાં આવતી બેગનું નામ ‘પ્રાયોરિટી’ આપવામાં આવ્યું. વર્ષ ૨૦૦૬ સુધી તેમના દ્વારા સપ્લાય કરવામાં આવતી બેગનું બજાર જામી ચૂક્યું હતું. આખા દેશમાં તેની માંગ થતી હતી. બજારમાં થતી માંગને જાેઈ તુષાર જૈને પોતાની બ્રાન્ડથી બેગનું ઉત્પાદન કરવાનો વિચાર આવ્યો.

વર્ષ ૨૦૦૭માં તેમને બેગ બનાવવા માટે સુરતમાં એક ફેક્ટરી નાખી. પહેલા વર્ષે તેઓ પ્રત્યેક દિવસ ત્રણ હજાર જેટલી અલગ અલગ પ્રકારની બેગ બનાવવા લાગ્યાં. તેમ છતાં બજારમાં સર્જાતી માંગ સામે સપ્લાય હજુ ઘણા ઓછા પ્રમાણમાં થઇ શકતો હતો.તેમનો ટાર્ગેટ દરરોજની ત્રીસ હજાર બેગ બનાવવાનો હતો. વર્ષ ૨૦૧૪ સુધીમાં તુષાર જૈન દરરોજ વીસ હજાર જેટલી બેગોનું ઉત્પાદન કરવાં લાગ્યાં. બજારમાં હજુ પણ બેગની વિપુલ માંગ હતી. જેને પહોંચી વળવાનું હતું. તુષાર જૈને અહીં ગામડાના કારીગરોને રોજગાર આપવા સુરત તેમજ મુંબઈથી બહાર પોતાના મેન્યુફેક્ચરીંગ હબ ઉભા કર્યા વર્ષ ૨૦૧૨માં હાઈ સ્પીરીટ કોમર્શિયલ વેન્ચરના નામથી રજીસ્ટર્ડ કરી તેમણે તેમના ઉત્પાદનને અલગ અલગ રાજ્યમાં ફેલાવી ઉદ્યોગગૃહ ઉભા કર્યા. જેમાં ગ્રામ વિસ્તારની મહિલાઓને સૌથી વધુ રોજગાર આપ્યો. આજે તે કારીગરો દ્વારા દરરોજ ત્રીસ હજારથી વધુ વિવિધ પ્રકારની બેગનું ઉત્પાદન થઇ રહ્યું છે. એક સમયમાં ફૂટપાથ ઉપર ઉભા રહી બેગ વેચનાર તુષાર જૈન આજે અઢીસો કરોડના ટર્નઓવર કરતી કંપની ઉભી કરી ચુક્યા છે. ભારતમાં ચોથા નંબરની મોટી બેગ ઉત્પાદન કરતી કંપની આગામી ટૂંક સમયમાં એક હજાર કરોડના ટર્નઓવર ઉપર પહોંચવાના લક્ષ્યાંક સાથે સફળતાથી આગળ વધી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution