સરકારી કબજામાં રહેલાં ઈવીએમ ઉકરડામાં કેવી રીતે પહોંચ્યાં?

આણંદ, આણંદ જિલ્લાના બોરસદ ગામમાં માર્કેટ પાછળ આવેલા કચરાના ઢગલામાંથી ઈફસ્નાં ૨ બેલેટ યુનિટ મળતાં ચકચાર મચી છે. સામાન્ય રીતે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઇવીએમ ચૂંટણીપંચના વેરહાઉસમાં રાખી દેવાતાં હોય છે, પરંતુ આણંદના બોરસદમાં બે બેલેટ યુનિટ કચરામાંથી મળી આવતાં ગંભીર બેદરકારી સામે આવી છે. આ બંને બેલેટ યુનિટનો ૨૦૧૮માં અમિયાદ ગ્રામપંચાયતની પેટાચૂંટણીમાં ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે. કચરા સુધી બેલેટ યુનિટ કઈ રીતે પહોંચ્યા એને લઈ કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ લોકશાહીની મજાક ઉડાવતી આ ઘટનાને લઈને સામાન્ય નાગરિકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે સરકારી કબજામાં રહેલા ઈવીએમ ઉકરડામાં કેવી રીતે પહોંચ્યાં. શું ચૂંટણીમાં કોઈ નવાજૂની કરવામાં તો તેનો ઉપયોગ નહીં થયો હોય ને?

કચરામાં ઇવીએમ મળ્યાંની જાણ થતાં પ્રાંત અધિકારી દોડી આવ્યા

બોરસદના ભોભાફળી વિસ્તારમાં આવેલ જૂની શાકમાર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી આજે બે ઇવીએમના બેલેટ યુનિટ મળી આવ્યાં હતાં. આ અંગેની માહિતી મળતાં બોરસદના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત સમગ્ર વહીવટી તંત્ર તાબડતોડ બોરસદ શાકમાર્કેટ પાસે પહોંચી ગયું હતું અને કચરાના ઢગલામાંથી ઈવીએમ મશીનના બે બેલેટ યુનિટ સહિત અન્ય સામગ્રી જપ્ત લીધી હતી. ઈવીએમ મશીન જેવી અત્યંત અગત્યની ચૂંટણીલક્ષી સામગ્રી બિનવારસી મળતાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

વર્ષ ૨૦૧૮ની અમિયાદ ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં ઉપયોગ થયો હતો

આ ઇવીએમના બેલેટ યુનિટમાં બે ઉમેદવાર અશોકભાઈ રાવજીભાઈ ચૌહાણ અને મફતભાઈ ચંદુભાઈ ચૌહાણના નામ લખેલા મળી આવ્યાં છે, જેના પરથી આ ઈવીએમ મશીન વર્ષ ૨૦૧૮માં અમિયાદ ગ્રામપંચાયતના વોર્ડ નંબર ૯ની પેટાચૂંટણીમાં ઉપયોગમાં લેવાયાં હોવાનું જણાઈ આવ્યું છે. એ પેટાચૂંટણી યોજાયાનાં ૬ વર્ષ બાદ બિનવારસી હાલતમાં કચરાના ઢગલામાંથી મળી આવતાં અનેક તર્કવિતર્ક પણ થઈ રહ્યા છે.

પ્રાંત અધિકારીએ શું કહ્યું?

આ મામલે બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલે જણાવ્યું હતું કે સવારે ટેલિફોનિક મેસેજ મળતાં અમે સ્થળ મુલાકાત લીધી હતી. ચકાસણી કરતાં ૨૦૧૮માં અમિયાદ ગ્રામપંચાયતમાં યોજાયેલી પેટાચૂંટણીમાં બેલેટ યુનિટનો ઉપયોગ થયો હતો. વિગતે તપાસ કરી પ્રાથમિક અહેવાલ બનાવી કલેકટને મોકલી આપ્યો છે. આ બિનવારસી હાલતમાં મળી આવ્યાં છે, એ અંગે ટાઉન પોલીસને તપાસ કરવા જણાવ્યું છે. વિગતે તપાસ કરી આખરી અહેવાલ સુપરત કરાશે અને આ બનાવમાં જે કોઈ જવાબદાર છે એની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution