આજે ૨જી ઓકટોબર એટલે કે ગાંધી જયંતિ. આજે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મદિવસ છે. આજના દિવસે તેમનો જન્મ ઈ.સ. ૧૮૬૯ના વર્ષમાં હિન્દુ મોઢ વાણિયા પરિવારમાં થયો હતો. તેમની જન્મ તિથિ 'રેટિયા બારસ' તરીકે પણ ઉજવાય છે. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પૂતળીબાઈ હતું. તેમનું મૂળ નામ મોહનદાસ હતું. પરંતુ આપણા રાષ્ટ્રપિતા તરીકે પ્રચલિત ગાંધીજીને લોકો પ્રેમથી 'બાપુ' કહીને પુકારતા.
ગાંધીજી બહુમુખી પ્રતિભા હતા, તેઓ એક ભારતીય વકીલ, સંસ્થાનવાદ - વિરોધી રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી હતા, જેમણે અંગ્રેજ શાસનમાંથી ભારતની સ્વતંત્રતા માટેની સફળ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે સમગ્ર વિશ્વમાં નાગરિકોના અધિકાર અને સ્વતંત્રતા માટેની ચળવળને પ્રેરણા આપી હતી. ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ તેમના માટે માનવાચક શબ્દ મહાત્માનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે હવે સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાય છે.
ગાંધીજીના જીવનના ઘણા પ્રસંગો છે, જેમાંથી આપણે પ્રેરણા મેળવી પોતાનું જીવન જીવવાની રીત શીખી શકીએ છીએ. તેથી આજે હું તમારી સમક્ષ ગાંધીજીના જીવનનો એ પ્રસંગ રજૂ કરવા જઈ રહી છું. જે શિક્ષક વર્ગ અને માતા - પિતા માટે પણ પ્રેરણાદાયી નીવડશે.
ગાંધીજીનું શિક્ષક તરીકેનું જીવન અદ્ભૂત હતું. તેઓ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની શિક્ષા ન કરવી જાેઈએ, તેમાં માનનારા હતા, ગાંધીજી સ્પષ્ટપણે માનતા હતા કે, શરીર બળ વાપરવું એ સત્યાગ્રહીનું કામ નથી, એટલે કે જેમણે જીવનમાં સત્યનું જ પાલન કરવું છે, તેમણે જીવનમાં શારીરિક બળ વાપરવું જાેઈએ જ નહી. શરીરનું બળ વાપરવું તે પણ હિંસા જ છે.
એક સમયે ગાંધીજી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ત્યારે તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ ન કરવાનું કૃત્ય કર્યું અને પછી ગાંધીજીના પૂછવા પર તે લોકો ખોટું બોલ્યા હતા. જ્યારે ગાંધીજીને એ વિશે ખબર પડી ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું હતું. તેમને એવું લાગવા માંડ્યું હતું કે પોતાનામાં જ કંઇક ખામી હશે જે કારણથી વિદ્યાર્થીઓ પોતાની આગળ સત્ય પણ બોલી શકતા નથી. એટલે તેમને વિદ્યાર્થીઓની હાજરીમાં જ પોતના ગાલ પર બે - ત્રણ તમાચા ચોડી દીધા હતા. એ જાેઈ વિધાર્થીઓએ એમની માફી માંગી હતી અને સદા સત્ય બોલવાનું વચન લીધું હતું
આમ ગાંધીજીના જીવનના આ પ્રસંગ પરથી દરેક માતા - પિતા અને શિક્ષકોએ શીખવું જાેઈએ કે બાળકો ક્યારેક ભૂલ કરે કે પોતે ના કહ્યું હોય તેવું કાર્ય પણ કરે ત્યારે તેમની ઉપર હાથ ઉપાડવા કે તેમને ખીજાવાને બદલે, તેમને શાંતિથી સમજવા જાેઈએ. ક્યાંક તો પછી એવું કંઇક કરવું જાેઈએ જેથી બાળકને પોતાની ભૂલનો અહેસાસ જાતે જ થઈ જાય. જાે બાળકને ખીજાશો કે તેમને મારશો તો બાળક નબળું થઈ જશે અને બીજી વખત જાે તેનાથી કોઈ ભૂલ થશે તો તમને સત્ય કહેવાથી પણ ડરશે. તેથી હંમેશા બાળકને સમજવાની વૃત્તિ જ રાખવી જાેઈએ.