ખેડા જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ૧૫ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે

નડિયાદ, તા.૧૮ 

ખેડા જિલ્લામાં બાગાયતી ખેતી કરતા અને કરવા માગતાં ખેડૂતો બાગાયત ખાતા દ્વારા શરૂ કરેલી નવી સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઇ શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૧૫ સપ્ટેમ્બર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પોર્ટલ પર ટપક સિંચાઇ પદ્ધતિ માટે પાણીના ટાંકા, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ફળપાક (આંબા, ચીકુ, દાડમ, જામફળ, આમળા, મોસંબી/કિન્નો, બોર)ના પ્લાન્ટિંગ મટિરિયલ્સમાં સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, પ્રોસેસિંગ યુનિટ, ડિસ્ટિલેશન યુનિટ, ઔષધિય અને સુગંધિત પાકો, દેવીપૂજક ખેડૂતોને ટેટી, તળબૂચ અને શાકભાજીના બિયારણમાં સહાય, ગ્રીનહાઉસ /ટીસ્યુલેબ વીજદર સહાય, નેટહાઉસ, પોલીહાઉસ, નેટહાઉસ /પોલીહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, પેકિંગ મટિરિયલ્સ, કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકરણ, નાની નર્સરી (૧ હે.), મોટી નર્સરી(૪ હે.) જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ કરી શકાશે. ખેડા જિલ્લાના ખેડૂતોને તા.૧૫ સપ્ટેમ્બર સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવ્યું છે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સાથે ૮-અ અને ૭/૧૨નો નવો અસલ ઉતારો, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની પહેલાં પાનાની નકલ અથવા કેન્સલ ચેક સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર પટેલ ભવન, નડિયાદ ખાતે સત્વરે મોકલવાની રહેશે, તેમ નાયબ બાગાયત નિયામક નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution