અમદાવાદ-
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે મોટી કાર્યવાહી કરી છે અને તત્કાલિન મહિલા પૂર્વના પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. ગીતા પઠાણ ઉપર આરોપ લાગ્યો છે કે, હની ટ્રેપ ગેંગને મદદ કરતા હતા અને જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના ૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગેંગમાં ડિસમિસ પોલીસ અને વકીલ પણ સામેલ છે. નોંધનીય છે કે, આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. આ ગેંગનો માસ્ટર માઈન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત છે. આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી ૫૦થી ૬૦ વર્ષના વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.
ઘટનાની વાત કરીએ તો, ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારીને હોટેલના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો. મહિલા પીઆઈની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને અત્યાર સુધી કેટલા રૂપિયાના તોડ કર્યા છે તેની તપાસ કરવા માં આવી રહી છે.