ઘર-ઘર નળ, હર ઘર નળ!

આણંદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર નલના સૂત્ર સાથે નલ સે જલ મિશનની ઘોષણા કરી હતી અને વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ કનેકશન દ્વારા પીવાનું પૂરતું પાણી પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે, જેને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.                           

વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજ્યના જલ જીવન મિશન કાર્યક્રમ યોજના અંતર્ગત ગામનાં લોકોને નિયમિત શુદ્ધ અને પૂરતી માત્રામાં પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે જિલ્લામાં આ યોજના અમલી બનાવી છે.

આ યોજનામાં કુલ કિંમતના ૯૦ ટકા સરકાર, જ્યારે ૧૦ ટકા ગામલોકોએ લોકફાળા રૂપે ચુકવવાના હોય છે. ગામની પાણી સમિતિને એટલી સક્ષમ બનાવવામાં આવે છે, જેથી કરી પોતાના ગામની પાણી પૂરવઠા યોજના લાંબાગાળા સુધી કાર્યરત રહે, જેથી યોજનાનું આયોજન અને અમલીકરણ ગામનાં લોકો જ કરે અને તેનો અમલ પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેનાં કારણે ગામમાં સક્ષમ યોજના ઊભી થાય અને ગ્રામજનોને પીવાના પાણીની ટકાઉ સુવિધા મળી રહેશે. પીવાના પાણીની સુવિધાઓમાં મહિલાઓની ભાગીદારીથી સ્થાનિક સંસ્થાઓ, કાર્યકરોનો સહયોગ મેળવવામાં આવે છે.

આજે રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ આપવાના નિર્ધારને સાર્થક કરતાં ચાર જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારને ૧૦૦ ટકા પીવાના પાણીના કનેક્શન આપવામાં આવ્યાં છે, જેમાં આણંદ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

તદ્દઅનુસાર આણંદ જિલ્લામાં ૩૫૭ ગામોમાં ૪૦૧૪૦૯ ઘરોને નલ સે જલ અંતર્ગત નળ કનેકશનથી જાેડીને ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આણંદ તાલુકાના ૪૧ ગામનાં ૮૨૧૮૧ ઘરો, ઉમરેઠ તાલુકાના ૩૯ ગામનાં ૪૨૦૧૯ ઘરો, આંકલાવ તાલુકાના ૩૩ ગામોના ૩૨૫૯૧ ઘરો, બોરસદ તાલુકાના ૬૫ ગામોના ૮૭૯૨૩ ઘરો, પેટલાદ તાલુકાના ૫૫ ગામોના ૬૧૯૦૬ ઘરો, સોજિત્રા તાલુકાના ૨૧ ગામોના ૧૯૯૯૩ ઘરો, ખંભાત તાલુકાના ૬૧ ગામોના ૫૧૦૫૯ ઘરો અને તારાપુર તાલુકાના ૪૨ ગામોના ૨૩૧૩૭ ઘરોમાં કનેકશન આપવામાં આવ્યાં છે.

આણંદ જિલ્લામાં લોકભાગીદારીથી અને પાણી સમિતિ વ્યવસ્થાપિત ગામની આંતરિક પેયજળ વિતરણ વ્યવસ્થાની કામગીરી હાથ ધરીને જિલ્લામાં કુલ ૬૮ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૪૨૨.૨૨ લાખની યોજનાઓ પૂર્ણ કરી હોવાનું જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરી આણંદના યુનિટ મેનેજર કુ.કૃપાલીબેન રાવલે એક યાદી દ્વારા જણાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution