અમિત શાહને ગૃહ-સહકાર, પાટીલને જળશક્તિ મંત્રાલય

ગાંધીનગર નરેન્દ્ર મોદીની ૩.૦ સરકારના મંત્રીઓના શપથ ગ્રહણ બાદ આજે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતનાં છ મંત્રીઓને મહત્વપૂર્ણ વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમિત શાહ અને એસ. જયશંકરને તેમના વિભાગો યથાવત રખાયા છે. તો મનસુખ માંડવિયાની પાસેના આરોગ્ય અને કેમિકલ્સ ફર્ટિલાઇઝર મંત્રાલય જે. પી. નડ્ડાને અપાયા છે, તો માંડવિયાને શ્રમ રોજગાર તેમજ રમતગમત અને યુવા પ્રવૃત્તિ મંત્રાલયની ફાળવણી કરી છે. તો સી. આર. પાટિલને જળશક્તિનો હવાલો સોંપાયો છે જ્યારે નીમુબેનને અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી ૩.૦ સરકારના મંત્રીમંડળના સભ્યોનો ગઇકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ શપથ ગ્રહણ સમારોહ બાદ મોદી ૩.૦ સરકારની આજે પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટની બેઠકમાં મંત્રીઓને તેમના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી હતી. મોદી સરકારમાં મંત્રી બનેલા છ સાંસદોને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમિત શાહને ધારણા મુજબ ગૃહ અને સહકાર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.  તો તેવી જ રીતે સુબ્રમણ્યમ જયશંકરને પણ વિદેશ મંત્રી તરીકે કાર્યરત રાખવામાં આવ્યા છે. ગત ટર્મમાં મનસુખ માંડવિયા પાસે રહેલા આરોગ્ય પરિવાર કલ્યાણ અને કેમિકલ્સ ફર્ટિલાઇઝર મંત્રાલયને લઈને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનેલા જગત પ્રકાશ નડ્ડાને સોંપવામાં આવ્યા છે. જ્યારે મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર મંત્રાલય તેમજ રમતગમત અને યુવા પ્રવૃત્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીથી ચોથી વખત સાંસદ બનેલા ચંદ્રકાંત રઘુનાથ પાટિલ (સી. આર. પાટિલ)ને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાવનગરના પૂર્વ મેયર એવા નીમુબેન બાંભણિયાને અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા વિભાગના રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

પાટિલને મળેલા જળશક્તિ મંત્રાલયમાં બે મંત્રાલયનું વિલીનીકરણ કરાયેલું છે

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટિલને જળશક્તિ મંત્રાલયની ફાળવણી કરાઇ છે. આ મંત્રાલયની રચના ગત મે-૨૦૧૯માં મોદી ૨.૦ સરકારમાં કરવામાં આવી હતી. બે મંત્રાલયોના વિલીનીકરણ કરીને આ જળશક્તિ મંત્રાલયની રચના કરાઇ છે. જેમાં જળ સંસાધન મંત્રાલય, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ અને પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલયનો સમાવેશ થાય છે.

ઓલિમ્પિક-૨૦૩૬ની તૈયારીને લઈને માંડવિયાને રમતગમત આપવામાં આવ્યું

વર્ષ ૨૦૩૬ ઓલિમ્પિક્સની તૈયારીઓને ધ્યાનમાં રાખીને મનસુખ માંડવિયાને રમતગમત મંત્રાલય ફાળવ્યું હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. ભારત દ્વારા આગામી ૨૦૩૬માં ઓલિમ્પિક રમતોત્સવની યજમાની કરવાનું આયોજન કરાયું છે. આ રમતોત્સવ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં યોજવાનો છે. જેને લઈને ગુજરાતમાં ઓલિમ્પિક્સની તૈયારીઓ ઉપર યોગ્ય રીતે ધ્યાન આપી શકાય તે માટે મનસુખ માંડવિયાને રમતગમત મંત્રાલય ફાળવવામાં આવ્યું હોવાનું મનાય રહ્યું છે.

ઓલિમ્પિક-૨૦૩૬ની તૈયારીને લઈને માંડવિયાને રમતગમત આપવામાં આવ્યું

વર્ષ ૨૦૩૬ ઓલિમ્પિક્સની તૈયારીઓને ધ્યાનમાં રાખીને મનસુખ માંડવિયાને રમતગમત મંત્રાલય ફાળવ્યું હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. ભારત દ્વારા આગામી ૨૦૩૬માં ઓલિમ્પિક રમતોત્સવની યજમાની કરવાનું આયોજન કરાયું છે. આ રમતોત્સવ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં યોજવાનો છે. જેને લઈને ગુજરાતમાં ઓલિમ્પિક્સની તૈયારીઓ ઉપર યોગ્ય રીતે ધ્યાન આપી શકાય તે માટે મનસુખ માંડવિયાને રમતગમત મંત્રાલય ફાળવવામાં આવ્યું હોવાનું મનાય રહ્યું છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution