ઈઝરાયેલમાં ઐતહાસિક સ્થિતિ, સરકાર બનાવવા આરબ પાર્ટી અને યહૂદી પાર્ટીએ હાથ મિલાવ્યો

જેરુસલેમ-

ઈઝરાયેલમાં તાજેતરમાં હમાસ સાથેના ઘર્ષણના પગલે યુધ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. એ પછી દેશના કેટલાક વિસ્તારોમાં યહૂદીઓ અને આરબો વચ્ચે પણ ટકરાવ થયો હતો.જાેકે હવે ઈઝરાયેલના રાજકારણમાં ઐતિહાસિક વળાંક આવ્યો છે. ઈઝરાયેલની રચના થઈ એ પછી આવી રાજકીય પરિસ્થિતિ ક્યારેય સર્જાઈ નથી. વાત એમ છે કે, દેશમાં એવી સરકાર બનવા જઈ રહી છે જેમાં જમણેરી, ડાબેરી એમ તમામ પ્રકારની વિચારધારા ધરાવતા પક્ષોએ સરકાર બનાવવા માટે હાથ મિલાવ્યા છે અને તેમાં ઈઝરાયેલની એક આરબ પાર્ટી પણ સામેલ થવાની છે. જે સરકાર બનાવવા માટે બહુ મોટો રોલ ભજવી શકે તેમ છે.

આંતરરાષ્ટ્રિય મીડિયાના અહેવાલ પ્રમાણે આ ગઠબંધન સરકારમાં દરેક પાર્ટીનો રોલ રહેશે. કારણકે આમાંની એક પણ પાર્ટી વગર સરકાર ચાલી શકે તેમ નથી. વિરોધ પક્ષના નેતા યેર લાપિદે રાષ્ટ્રપતિ રુવેન રિવલિનને મળીને ગઠબંધન સરકાર રચવા માટે પુરતી બહુમતી હોવાનો દાવો પણ કર્યો હતો.ઈઝરાયેલના પત્રકાર અંશેલ ફેફરનુ કહેવુ છે કે, વિશ્વાસનો મત લેવાય ત્યાં સુધી જે પણ થાય પરંતુ આ એક ઐતહાસિક સ્થિત છે. એક આરબ ઈઝરાયેલી પાર્ટી અને એક યહૂદી રાષ્ટ્રવાદી પાર્ટી સરકાર બનાવવા માટે સાથે આવ્યા છે. ફેફરે એક તસવીર પણ શેર કરી હતી. જેમાં ઈઝરાયેલની જમણેરી વિચારધારાવાળા પાર્ટી યામીના પાર્ટીના નેતા નેફતાલી બેનેટ સાથે આરબ પાર્ટી રામના પ્રમુખ મંસૂર અબ્બાસ નજરે પડી રહયા છે.

આરબ પાર્ટીના પ્રમુખ મંસૂર અબ્બાસ એક ડોક્ટર છે અને તેઓ વિદ્યાર્થી કાળથી રાજનીતિમાં સક્રિય છે. હિબ્રુ યુનિવર્સિટીમાં ભણતી વખતે તેઓ આરબ સ્ટુડન્ટ કમિટિના પ્રમુખ પણ હતા. તેમની પાર્ટીને ઈઝરાયેલના દક્ષિણ હિસ્સામાં ભારે જનસમર્થન પણ મળ્યુ છે. સંસદમાં સામેલ થવા કોઈ પણ પાર્ટીને ઓછામાં ઓછા ૩.૨૫ ટકા મત મળવવા જરુરી હોય છે. ઈઝરાયેલની રાજનીતિમાં મંસૂર અબ્બાસની ગણતરી એક સિધ્ધાંતવાદી નેતા તરીકે થાય છે. તેમના નિકટના લોકોનુ કહેવુ છે કે, અબ્બાસ માને છે કે ઈઝરાયેલમાં રહેતા આરબ સમુદાયનો વિકાસ કરવો હશે તો યહૂદી રાજકીય પક્ષ સાથે હાથ મિલાવવો પડશે.ઘણા આરબ નેતાઓએ આ નિવેદનનો વિરોધ પણ કર્યો હતો. અન્ય આરબ પાર્ટીઓએ તેમને પોતાના ગઠબંધનમાં સામેલ પણ નહોતા કર્યા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution