લેખકઃ દીપક આશર
બોલિવૂડના ટોચના નિર્દેશકોમાં જેમની ગણના થયા છે એવા નખશિખ ગુજરાતી સંજય લીલા ભણસાલી આ વખતે ‘હીરામંડી’ નામની વેબસીરિઝ લઈને આવ્યા છે. ‘હીરામંડી’ની વાર્તા ભારતના ભાગલા પહેલા લાહોરમાં રહેતી ગણિકા મલ્લિકા જાનના જીવન અને તેના વેશ્યાલયની આસપાસ ફરે છે. દાયકાઓ પહેલાં, હીરામંડી નૃત્ય, સંગીત અને સભ્યતાનું કેન્દ્ર હતું, પરંતુ સમયની સાથે ફેરફારો થયા અને આ વિસ્તારને ‘બદનામીનું કલંક’ લાગ્યું હતું. ઈતિહાસકારોના મતે આ વિસ્તારનો ઈતિહાસ ૪૫૦ વર્ષ જૂનો છે, જે ખૂબ જ રસપ્રદ છે. સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન લાહોર શહેર સલ્તનતનું કેન્દ્રીય શહેર હતું અને તે સમયે હીરામંડી વિસ્તારને શાહી મોહલ્લા કહેવામાં આવતું હતું. આજે પણ લાહોરના કેટલાક વિસ્તારો જેમ કે હૈદરી ગલી, તુબી ગલી, હીરામંડી અને કિલ્લા રોડ પર સ્થિત નોવેલ્ટી ચોક ‘શાહી મોહલ્લા’ના નામથી પ્રખ્યાત છે. સામ્રાજ્યના સમયગાળા દરમિયાન જ્યાં રાજવી પરિવાર રહેતો હતો અને તેના નોકરો અને અન્ય કર્મચારીઓ તેની આસપાસ રહેતા હતા તે વિસ્તારને ‘શાહી મોહલ્લા’ કહેવામાં આવતો હતો.
આજે પણ જે લોકો ઓટો રિક્ષા કે ટેક્સી દ્વારા તે વિસ્તારોમાં જાય છે તેઓ તેને ‘શાહી મોહલ્લા’ કહે છે. ત્યાં હાજર ઘણા ‘કોઠા’ મોગલકાળ દરમિયાન બાંધવામાં આવ્યા હતા અને તે આ વિસ્તારનો સુવર્ણ યુગ હતો. મોગલકાળ દરમિયાન પાવર કનેક્શન ધરાવતા અમીર લોકો અને તેમના પરિવારો આ વિસ્તારોમાં રહેતાં હતાં. વિવિધ પ્રસંગોએ તેમના કાર્યક્રમો શાહી મહેલોમાં યોજાતાં હતાં. અલબત્ત, આજે ‘કોઠા’ શબ્દનું જે રીતે અર્થઘટન કરવામાં આવે છે તેવું ત્યારે નહતું. એ સમય હતો જ્યારે કોઠા કલાનું કેન્દ્ર હતું, જ્યાં માત્ર ગાયન, સંગીત અને નૃત્ય જ થતું હતું.
એ જમાનામાં કોઠાઓ સાથે સંકળાયેલી મહિલાઓ પોતાને કલાકાર અથવા અભિનેત્રી કહેતી હતી, અહીં ઉત્તમ કવિતાઓ રચવામાં આવતી હતી. કોઠાઓમાં ખૂબ જ ઉચ્ચ સ્તરની ચર્ચાઓ થતી હતી, લોકો વાતચીતનું કૌશલ્ય શીખવા પણ અહીં આવતા હતા.ઇતિહાસકારોના મતે ૧૬મી સદીનો અંત ભાગ હતો લાહોર મોગલ સલ્તનતનું કેન્દ્ર રહ્યું ન હતું, પરંતુ સત્તાનો પ્રભાવ ત્યાં યથાવત હતો. સંજય લીલા ભણસાલીની સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે, હીરામંડીનો વિસ્તાર ઘણો વિશાળ હતો. જાે કે, ઇતિહાસકારોના માટે સત્ય તેનાથી વિપરિત છે. ત્યાં સાંકડી શેરીઓ હતી, વિસ્તાર ખૂબ ભીડભાડવાળો હતો.
મોગલ સમ્રાટ અકબરે ૧૫૮૪માં પોતાનું નિવાસસ્થાન ફતેહપુર સિકરીથી બદલીને લાહોર કરી નાખ્યું હતું. ત્યાં તેણે પોતાના અને તેના દરબારીઓના મનોરંજન માટે એક વિસ્તાર સ્થાપ્યો હતો. આ વિસ્તાર શાહી દરબારની નજીક હતો, તેથી તેનું નામ ‘શાહી મોહલ્લા’ રાખવામાં આવ્યું હતું.મોગલોના મનોરંજન માટે અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનથી મહિલાઓને અહીં લાવવામાં આવતી હતી. આ મહિલાઓ અહીં સંગીત અને નૃત્ય રજૂ કરતી હતી. આ શૈલીને ‘મુજરા’ કહેવામાં આવતી હતી. મુજરા કરતી સ્ત્રીઓને તવાયફ કહેવામાં આવતી હતી, પરંતુ એ સમયગાળામાં આ તવાયફો વેશ્યાવૃત્તિના વ્યવસાય સાથે જાેડાયેલી નહતી. આ મહિલાઓનું મુખ્ય કામ નૃત્ય અને ગાયન દ્વારા મહેમાનોનું મનોરંજન કરવાનું હતું.
અલબત્ત, એક વાત તો એવી પણ ઇતિહાસકારો જણાવી રહ્યા છે કે, તવાયફો કહેવાતી આ મહિલાઓને તેમની સંસ્કૃતિ અને સભ્યતાની સારી સમજ હતી. આ કારણોસર, લાહોરની આસપાસના નવાબો અને ધનિક લોકો તેમનાં બાળકોને શિષ્ટાચાર અને રીતભાત શીખવવા માટે આ મહિલાઓની પાસે મોકલતા હતા. મોગલો પછી અહમદ શાહ અબ્દાલી અને નાદિર શાહ દ્વારા લાહોર પર હુમલો કરવામાં આવ્યો હતો. અહીંથી ધીરે ધીરે આ તવાયફોનું અસ્તિત્વ અદૃશ્ય થવા લાગ્યું હતું.
આ વિસ્તારને હીરામંડી નામ કેવી રીતે મળ્યું તેની પણ એક કહાની છે. અબ્દાલી પછી અહીં શીખોનું શાસન આવ્યું હતું. તે સમયે, મહારાજા રણજિત સિંહ - હીરા સિંહ ડોગરાની સેનામાં એક જનરલ હતો. તેણે પોતે શાહી વિસ્તારની નજીક અનાજ બજારની સ્થાપના કરી હતી. તે સમયે આ વિસ્તારને ‘હીરા સિંહ દી મંડી’ તરીકે ઓળખવામાં આવતો હતો. એવું કહેવાય છે કે, પાછળથી તેને ‘હીરામંડી’ તરીકે પ્રચલિત થઈ ગયું હતું. જાે કે, શીખ સમયગાળા દરમિયાન તવાયફોની સ્થિતિ થોડી સુધરી હતી. તેમને કોર્ટ પ્રોટેક્શન મળ્યું હતું.
આ સમય સુધીમાં અંગ્રેજાેએ ભારતમાં પોતાનો પગપેસારો કરવાનું શરૂ કરી દીધું હતું. શીખો અને અંગ્રેજાે વચ્ચે બે યુદ્ધો થયાં હતા અને લાહોર બ્રિટિશ શાસન હેઠળ આવી ગયું હતું.અંગ્રેજાેના આગમન સાથે હીરામંડીની ગણિકાઓની વાસ્તવિક સમસ્યાઓ શરૂ થઈ હતી. તેમને ન તો રક્ષણ મળ્યું કે ન તો કોઈ ભથ્થું મળ્યું. પરિણામે મજબૂરીવશ તવાયફો તેમની આજીવિકા રળવા માટે વેશ્યાવૃત્તિ તરફ વળી હતી. અહીંથી હીરામંડીમાં વેશ્યાલયો ખૂલવાં લાગ્યાં હતા. અંગ્રેજાે સત્તા પર આવ્યા ત્યારે તેઓએ તે તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું હતું જે બળવાનું કારણ બની શકે. આ દરમિયાન ગણિકાઓ માટે લાયસન્સ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. જ્યારે વેશ્યાગૃહો માટે લાયસન્સ આપવાની સિસ્ટમ શરૂ થઈ ત્યારે પોલીસે કાયદાનો અમલ કરવા માટે તે સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન પોલીસ તપાસના બહાને દરોડા પાડવા માટે ગમે ત્યારે ત્યાં પહોંચી જતી હતી. અલબત્ત, આ વિસ્તાર જે એક સમયે જાહોજલાલી ધરાવતો હતો હવે સમાજમાં તુચ્છ બની ગયો હતો!
આ સ્થિતિ જાેઈને લોકોએ અહીં આવવાનું બંધ કરી દીધું હતું અને ધીમે-ધીમે આ જગ્યા પ્રત્યેની ધારણા બદલાવા લાગી હતી. આ બદલાવને કારણે આપણા સામાજિક જીવનના એક ભાગને જાેતા વેશ્યાલયો ઈતિહાસનો ભાગ બનવા લાગ્યા હતા અને આખરે આ વિસ્તાર માત્ર વેશ્યાવૃત્તિના અડ્ડા તરીકે જ કુખ્યાત બની ગયો હતો. થોડા સમય પછી અંગ્રેજાેએ તેમની છાવણી હીરામંડીથી દૂર ખસેડી હતી. હીરામંડીની આસપાસના મહેલો અહીંના ઉમરાવોએ ખરીદી લીધાં હતા, તેથી અહીં મુજરા ચાલુ રહ્યા હતા. આ મહેલોમાં ધનિક લોકો મુજરા જાેવા આવતા હતા. ભણસાલીની સિરીઝની વાર્તા કંઈક અંશે આ સમયગાળા સાથે મળતી આવે છે. આઝાદી પછી લાહોર પાકિસ્તાનનો ભાગ બની ગયું હતું. ત્યાંની સરકારોનું વલણ આ ગણિકાઓ પ્રત્યે પ્રતિકૂળ હતું. ધીમે ધીમે ગણિકાઓ અદૃશ્ય થવા લાગી હતી. હીરામંડી, જે અગાઉ ગણિકાઓના ઘૂંઘરુના રણકારથી ગૂંજતી હતી, આખરે તે વેશ્યાવૃત્તિનું સૌથી મોટું હબ બની ગયું હતું.