મુંબઇ
અક્ષય કુમાર તથા કિઆરા અડવાણીની અપકમિંગ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં ફસાઈ છે. હિંદુ સેનાએ ફિલ્મની કાસ્ટ, ક્રૂ તથા પ્રમોટર્સ વિરુદ્ધ એક ફરિયાદ પત્ર માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને આપ્યો છે.
આ ફરિયાદ પત્રમાં ફિલ્મમેકર્સ પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ફિલ્મમાં માતા લક્ષ્મીનું નામ ખોટી રીતે ઉપયોગમાં લીધું છે અને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. પત્રમાં ફિલ્મનું ટાઈટલ બદલવાની માગણી કરવામાં આવી છે.
હિંદુ સેનાના પ્રેસિડન્ટ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું હતું કે જો ફિલ્મનું ટાઈટલ બદલવામાં ના આવ્યું તો તેઓ હાઈકોર્ટ જશે અને ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે સોશિયલ મીડિયામાં #ShameOnAkshayKumar ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ફિલ્મ પર લવ જિહાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ફિલ્મમાં અક્ષયનું પાત્ર આસિફ તથા કિઆરા હિંદુ યુવતી પ્રિયાનો રોલ પ્લે કરે છે. ફિલ્મમાં આસિફ, પ્રિયા સાથે લગ્ન કરવા માગે છે. ટ્રેલર રિલીઝ થતાં યુઝર્સે અક્ષય કુમાર પર લવ જિહાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂક્યો હતો. યુઝર્સે અક્ષય કુમારને નકલી દેશભક્ત કહ્યો હતો.
'લક્ષ્મી બોમ્બ'નું ટ્રેલર 9 ઓક્ટોબરના રોજ રિલીઝ થયું હતું. અક્ષય કુમારની આ ફિલ્મ તમિળ ફિલ્મ 'કાંચના'ની હિંદી રીમેક છે. આ ફિલ્મને રાઘવ લોરેન્સે જ ડિરેક્ટ કરી છે. પહેલા ફિલ્મ 22 મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તેને કારણે થિયેટર બંધ હતા. આથી જ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. હવે, થિયેટર 15 ઓક્ટોબરથી ફરી શરૂ થઈ ગયા છે.