ભારત એક એવી ભૂમિ છે જ્યાં નિરાકારને પૂજનારા હિંદુઓ પણ છે અને કૃષ્ણને ભજનારા મુસ્લિમો પણ એક મશહૂર કિસ્સો છે. રામભક્ત તુલસીદાસ એકવાર ઘાટ પર સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં તેમને કાનાનાં દર્શન થઈ ગયાં. દર્શન પણ કેવા? બાંકે બિહારીવાળી મુદ્રમા ઊભેલા કૃષ્ણ. પગને આંટી ચડાવેલી, શીશ પર મોરપિચ્છ અને હોઠ પર બંસરી. તુલસી તેમને પ્રણામ કરીને આગળ ચાલવા માંડયા. ગિરધારી હતપ્રભ રહી ગયા.
ત્રણે લોકના સ્વામી, મહાભારતના સૂત્રધાર, દ્વાપરનું સૌથી મોટું પાત્ર અને આટલી ઉપેક્ષા! રામ પાસે ૧૨ કળાઓ છે. કૃષ્ણ તો ૧૬ કળાએ ખીલેલો પરિપૂર્ણ અવતાર છે. તેમ છતાં આમ? ભગવાને આખરે ભક્તને કારણ પૂછી લીધું. તુલસીએ જવાબ આપ્યો, ક્યા કહૂં છબિ આપકી, ભલે બને હો નાથ.તુલસી મસ્તક જબ નમે, ધનુષ બાણ હો હાથ. તુલસી પરમ રામ ભક્ત હતા. હનુમાનજી જેવા. કૃષ્ણને પણ એવા જ ભક્તો મળ્યા છે. વિશેષતા એ છે કે તેમની ભક્તિ ધર્મની પાર જઈને વહે છે.
વિવિધ ધર્મના લોકોએ કૃષ્ણને ચાહ્યા છે, ગાયા છે. ખ્રિસ્તી, જૈન, સિખ અને મુસ્લિમ ધર્મીઓએ તો સવિશેષ. ભારતનો નદી-નકશો જોશો તો દેખાશે કે ગંગા અને જમના નદી સમાંતર વહે છે. એ જ ગંગા અને યમુનાના પટમાં હિંદુઓ અને મુસ્લિમો એક જ દીવાલની અડોઅડ વસે છે. આમ સૈકાઓ સુધી એકબીજાની સાથે રહેવાની, સમાંતર વહેવાની, જાણતા-અજાણતા ભોજનમાં, ગીત-સંગીતમાં, રહેણી-કરણીમાં એકમેકને ઓવરલેપ કરી જવાની જે પરંપરા ઊભી થઈ તેને ગંગા-જમુની તહેઝીબ કહેવામાં આવે છે. કૃષ્ણ ગંગા-જમુની તહેઝીબનું સૌથી મોટું પ્રતીક છે. કૃષ્ણભક્તિ તેનું પ્રમાણ.
બે સમાંતર વહેતી નદીઓ એક બિંદુ પર આવીને ભળી જાય એમ હિંદુ અને ઇસ્લામ કૃષ્ણભક્તિમાં એકાકાર થતા જોવા મળે છે. આપણે લાલાને ૫૬ ભોગ ધરાવીએ છીએ તેમાંથી ૨૬ વાનગી એવી છે જે સૌપ્રથમ વખત મોગલોના રસોડામાં તૈયાર થઈ હતી. આમ અન્નકૂટ પણ ગંગા-જમુની તહેઝીબનો પ્રેમરંજિત પુરાવો છે. રસરંજિત પુરાવો છે. ૧૧મી સદીથી ભારતમાં ઇસ્લામ ઝડપથી ફેલાયો. એ જ કાળમાં ભક્તિકાળ અને સૂફીવાદનો પ્રયાગ રચાયો. ભારતમાં ઇસ્લામ કૃષ્ણના પ્રભાવથી અસ્પૃશ્ય રહી શક્યો નથી.
ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધને પ્રેમી અને પ્રેમિકા જેવો છે. કૃષ્ણ અને ગોપીનો પ્રેમ, કૃષ્ણ-રાધાનો પ્રેમ, કૃષ્ણ-મીરાનો પ્રેમ પણ કંઈક આવો જ છે. એટલે સૂફીઓને કૃષ્ણ પ્રિય થઈ પડયા. ચૈતન્ય મહાપ્રભુના એકાધિક અનુયાયીઓ મુસ્લિમ હતા, એટલે જ તો. મુસ્લિમ કૃષ્ણભક્તોની વાત નીકળે તો સૌથી પહેલા યાદ આવે સઈદ સુલતાન. તેમણે તેમના પુસ્તક નબી બંગશમાં કૃષ્ણને નબી(સંદેશાવાહક)નો દરજ્જો આપ્યો છે. બીજા, અલી રાજા. તેમણે કૃષ્ણ તથા રાધાના પ્રેમનું સવિસ્તાર આલેખન કર્યું છે. ત્રીજા સૂફી કવિ અકબર શાહ. તેમણે કૃષ્ણની પ્રશસ્તિમાં ઘણું બધું લખ્યું. બંગાળના પઠાણ શાસક સુલતાન નાઝિર શાહ અને સુલતાન હુસૈન શાહે ભાગવત અને મહાભારતનો બાંગ્લામાં અનુવાદ કરાવ્યો.
અમીર ખુસરોની કૃષ્ણભક્તિ તો કોણ નથી જાણતું? એક વખત નિઝામુદ્દિન ઓલિયાનાં સપનાંમાં શ્રીકૃષ્ણ આવ્યાં. ઓલિયાએ અમીર ખુસરોને કૃષ્ણની સ્તુતિમાં કશુંક લખવાનું કહ્યું. ખુસરોએ લખ્યું. છાપ તિલક સબ છિની રે મોસે નૈના મિલાયકે... ભક્તિ યુગમાં કબીર, નામદેવ અને એકનાથ તુકારામ જેવા ચિંતકોએ નિરાકારની પૂજાને મહત્ત્વ આપ્યું. તો સામે કેટલાક મુસ્લિમ કવિઓ સગુણ સાકાર એવા શ્રીકૃષ્ણથી મોહિત થઈ ગયા. મુસ્લિમ કવિઓમાં સૌથી મોખરાનું નામ, ઇબ્રાહિમ ઉર્ફ રસખાન. સૂરદાસની જેમ તેમણે પણ કૃષ્ણલીલાનું વર્ણન કર્યું છે. એકબાજુ તેમણે ભાગવત પુરાણનો વ્રજ ભાષામાં અનુવાદ કર્યો તો બીજી બાજુ તળની વ્રજભાષામાં કૃષ્ણ પર કાવ્યો રચ્યાં. ગોસ્વામી વિઠ્ઠલનાથ પાસેથી દીક્ષા લીધા પછી રસાખન વૃન્દાવનમાં જ વસી ગયા. મથુરામાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ત્યાં તેમનો મકબરો પણ છે.