મૌકા ભી હૈ, દસ્તુર ભી હૈ. બોલિવુડની ફિલ્મોમાં તો ગણેશોત્સવ ધામધૂમ થી ઉજવાય છે, પોઝિટીવ અને નેગેટિવ બંને રીતે તેનું ફિલ્માંકન વખતોવખત થતું આવ્યું છે.પણ હોલિવુડમાં કે અન્ય ઇન્ટરનેશનલ સિનેમામાં શું આપણા ગણપતિ બાપ્પાની કે પછી અન્ય કોઈ પણ દેવીદેવતાઓની કે આપણી ભારતીય સંસ્કૃતિની હાજરી નોંધાઈ છે ખરી?
આમ જાેવા જઈએ તો હિન્દુ દેવીદેવતાના કથાનકો અને તેમના વિશિષ્ટ રૂપોનું આકર્ષણ એટલું ગહન છે કે કળાના ક્ષેત્રમાં રહેલા કોઈ પણ વ્યક્તિના મનને તેના તરફ ખેંચાણ થયા વિના રહે જ નહીં. હોલિવુડના ફિલ્મ નિર્માતાઓ પણ તેમાંથી બાકાત નથી. હોલિવુડની અનેક ફિલ્મો અને વેબસિરીઝોમાં હિન્દુ દેવીદેવતાઓને જુદા જુદા સ્વરૂપે રજુ કરાતા આવ્યા છે. ઘણી વખત તેમાં નેગેટીવ રીતે પણ રજુઆત થાય છે. તેવા સમયે આ ફિલ્મસર્જકોને વિવાદનો સામનો પણ કરવો પડે છે. પરંતુ એક વાત તો નક્કી છે કે સનાતન ધર્મની કથાઓમાં કંઈક તો એવું વિશેષ છે જે બધાને આકર્ષે છે.
વિષ્ણુ ભગવાનના મત્સ્યાવતારનો ઉલ્લેખ ફિલ્મ “લાઈફ ઑફ પાઈ”માં કરાયો છે. ભારતીય છોકરો,પાઈ - સમુદ્રમાં એક વાઘ સાથે ફસાઈ જાય છે અને ત્યારે તે વિષ્ણુ ભગવાનના મત્સ્યાવતારનું સ્મરણ કરીને પોતાની શ્રદ્ધાની વાત કરે છે,“હું એક હિન્દુ છું, રોજ પૂજા કરું છું. મને વિશ્વાસ છે વિષ્ણુ ભગવાન મારી રક્ષા કરશે.”
“લાઈફ ઑફ પાઈ” સિવાયની અમુક સુપરહિટ ફિલ્મો જેવી કે બૅટ્મેન, સુપરમેન, મેમંટો વગેરેમાં હિન્દુ ધર્મના પ્રતીકાત્મક ચિત્રણોનાં સ્પષ્ટ અને પરોક્ષ સંદર્ભ મળે જ છે. એ હકીકત હવે હોલિવુડનાં કલાકારો પણ સ્વીકારે છે. ‘ધી મેટ્રિક્સ’ ફિલ્મના કેટલાક દૃશ્ય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભગવદગીતા અને વેદોનાં સારથી પ્રેરિત છે. ધ ફાઉન્ટન(૨૦૦૬),ધી દાર્જિલિંગ લિમિટેડ(૨૦૦૭), ક્લાઉડ એટલસ(૨૦૧૨), જેવી અન્ય ઘણી ફિલ્મોમાં પ્રસ્તુત પુનર્જન્મ અને કર્મના વિચારો, હિંદુ માન્યતાઓને અનુરૂપ છે. ઘણી ફિલ્મોમાં ધાર્મિક પરિભાષાઓનું ચિત્રણ હિન્દુ પ્રતીકોથી પ્રેરિત રહ્યું છે, સેટિંગ અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ફિલ્મનો અનિવાર્ય હિસ્સો રહ્યો છે. જાે કે આંતરરાષ્ટ્રીય સિનેમામાં કે ટીવી સિરીઝમાં કેટલીક એવી પણ ઘટનાઓ છે, જેમાં ભારતીય દેવી-દેવતાઓની અને ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવવામાં આવી હોય. જાે કે દર વખતે અપમાનનો ઈરાદો ન પણ હોઈ શકે હોય પણ જ્યાં ટોન કૉમિક હોય ત્યાં વિવાદ સર્જાવા માટે ટ્રિગર તરીકે એક કારણ પણ પુરતું બને.
ઇન્ડિયાના જાેન્સ ઍન્ડ ધ ટેમ્પલ ઑફ ડૂમ(૧૯૮૪)- આ ફિલ્મમાં હિંદુ દેવી કાલીને એક ક્રૂર અને રક્તપિપાસુ દેવી તરીકે ચિત્રિત કરવામાં આવી છે, જેની ઉપાસના ઠગ લોકો કરે છે. આ ફિલ્મમાં દર્શાવાયેલ અંધશ્રદ્ધા અને ક્રૂરતા માટે ભારતીય સમુદાયે તીખા શબ્દોમાં આલોચના કરી હતી. ધી ગોલ્ડન વૉયેજ ઑફ સિંદબાદ(૧૯૭૩) આ ફિલ્મમાં પણ દેવી કાલીને એક દેવી તરીકે નહી પણ મૂર્તિમાંથી સજીવ થનાર ભયાવહ નેગેટિવ પાત્ર તરીકે દર્શાવાયા છે, જે હિન્દુઓને સ્વીકાર્ય ન હોય તે સ્વાભાવિક છે. હજી એવી ઘણી ફિલ્મો છે જેણે ભારતીય લાગણીઓને ટ્રીગર કરવામાં કોઈ કસર નથી છોડી. પણ બધાનો ઉલ્લખ અહીં શક્ય નથી.
“ધી બિગ બૅન્ગ થિયરી” એક ટીવી સિરીઝ છે. તેમાં રાજ કોઠરાપલ્લી મિત્રોને કહે છે, “તમે મારા વિષે જાણો છો એના થી વધુ તો મારા પેરન્ટ્સ ગણેશ ભગવાન વિષે જાણે છે. હું ગણેશજીને વિનંતિ કરીશ કે એ મારી કાર પાર્કિંગની સમસ્યા ઉકેલી આપે”. આ રીતે ઘણી જગ્યાએ નજીવી બાબત માટે વ્યંગાત્મક રૂપે ગણેશજીના નામનો ઉપયોગ થતો જાેવા મળે છે. “ધી સિમ્પસન્સ”માં એક પતિ પાર્ટીની વચ્ચે પોતાના કરતૂતો પત્નીથી છુપાવવા માટે, ગણેશજીની મૂર્તિ સામે વ્યંગાત્મક પ્રાર્થના કરે છે, “હે ગણેશ, તમે મારા જેવા માટે તો
કાંઇ પણ કરી શકો છે, બસ મારી પત્નીને મારી અસલિયત નહિ જણાવતા,” વાત સામાન્ય છે પણ જે સ્થળે, જે સમયે,
જે સંજાેગોમાં હાસ્ય ફેલાવવા તેનો ઉલ્લેખ થાય છે એ ચકચાર જગાવવા પુરતી છે. “ફેમિલી ગાય”માં પીટર ગ્રિફિન કૉમિક
ટોનમાં ગણેશજીને કહે છે કે, “ જાે તમે મહાન હો તો મારા સવાલોનો જવાબ આપવામાં તમને શું પ્રોબ્લેમ છે?”
મજાકિયા ટોનમાં સૌથી વધુ આપત્તિજનક ટીપ્પણી તો “આર્ચર” સીઝન-૨ના ત્રીજાએપિસોડમાં આર્ચરે પોતે જ કરી છે.
ઝો કહે છે, “શું ખરેખર તમે ગણેશમાં માનો છો? એ હાથીના માથાવાળા, ભગવાન જ છે ને તમારા?”
આવા સંવાદો એમના મત મુજબ હાસ્યની હળવી શૈલી છે, પણ ભારતીય સમુદાય કદાચ એ હ્યુમર લાગણી પર આઘાત જેવું છે.“ધી ઑફિસ” સીઝન-૩, એપિસોડ ૧૦માં માઈકલ સ્કૉટનો એક સંવાદ છે, “આપણે હંમેશ કૃષ્ણની જેમ સમજી લેવાનું કે કર્મ કરવાનો કોઈ ફાયદો નથી, ફળ મળે કે ન મળે, અપેક્ષા નહીં રાખવાની પણ યેનકેન પ્રકારેણ પ્રમોશન તો મળવું જાેઈએ.” આમ ગીતાના કર્મના સિદ્ધાંતની હળવી શૈલીમાં મજાક ઉડાડવામાં આવી છે. એ જ રીતે “હાઉ આઈ મેટ યોર મધર” માં પણ નાની નજીવી વાતોમાં અવારનવાર “લાગે છે હવે પેલા ભગવાનની જેમ મારે પણ મારું ત્રીજું નેત્ર ખોલવું પડશે” એ સંવાદનો ઉપયોગ ભારતીય સમુદાયની લાગણી છંછેડે એ સાહજિક છે.
જાે કે એક દ્રષ્ટિએ જાેઈએ તો હોલિવુડમાં ઘણી ફિલ્મોના કથાનકો એવા છે જેમાં હિન્દુ દેવીદેવતાનું ચિત્રણ ગૌરવપુર્ણ રીતે કરાયુ હોય. હિન્દુ ધર્મની કથાઓની વિપુલતા, રોમાંચકતા, અને કલાત્મકતા હોલિવુડને પણ ધ્યાનાકર્ષક લાગે છે તે વાતનો ઈન્કાર થઈ શકે તેમ નથી.