મુંબઇ
તાજેતરમાં, હિના ખાને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું કે, તે જાન્યુઆરીમાં ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂરા કરશે. તેણે જેવી આ પોસ્ટ મૂકી કે તરત જ તેના પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો. હિના ખાને આજે (12 જાન્યુઆરી) 12 વર્ષ પૂરા કર્યા છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સીરિયલમાં 'અક્ષરા'નો રોલ નિભાવીને ઘર-ઘરમાં જાણીતી થયેલી એક્ટ્રેસે આટલા વર્ષ દરમિયાન તેનો કેટલો વિકાસ થયો, શો છોડ્યો તે સમય, તેણે ઉઠાવેલા રિસ્ક અને આગળ તે શું કરવાની છે તે વિશે વાત કરી છે.
હિના ખાને કહ્યું કે, એક એક્ટર તરીકે તે ક્યારેક કન્ટેન્ટને ફીલ કરી શકતી નથી. 'પરંતુ આ માત્ર શરુઆત છે. હું ફિલ્મોમાં આગળ વધવા માગુ છું અને મેં થોડી ફિલ્મ કરી છે. મને થોડો સારો રિસ્પોન્સ મળ્યો છે. જે પ્રકારનું કામ, જે પ્રકારના પ્રોજેક્ટ મેં પસંદ કર્યા, તેનાથી હું થોડી ખુશ છું. હું ભવિષ્યમાં વધુ ફિલ્મો કરવા તરફ જોઈ રહી છું', તેમ હિનાએ કહ્યું.
તેણે ઉમેર્યું કે, '12 વર્ષ ઘણા ફળદાયી રહ્યા. મને ફેન્સ અને શુભચિંતકો તરફથી ઘણો પ્રેમ અને આકર્ષણ મળ્યું. આટલા વર્ષોમાં શીખવાનો અનુભવ મળ્યો. તે પછી ડિજિટલ ફિલ્મની વાત હોય કે પછી ફિચર ફિલ્મ, શો લોન્ચિંગ, રેડ કાર્પેટ પર વોકિંગ, ઈન્ટરનેશનલ રેડ કાર્પેટ પર ડેબ્યૂ, એવોર્ડ જીતવાની વાત હોય. મારી જર્ની અદ્દભુત રહી'.
હિના ખાને તેની જર્નીની શરુઆત 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી. આ શો સાથે તે સંકળાયેલી હોવાથી તેને ગર્વ થાય છે. આ સિવાય તે ટીવી પર લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક છે. 'જ્યારે તમે પ્રોજેક્ટ સ્વીકારો છો, ત્યારે આગળ જઈને તેનું પરિણામ આવશે તે વિચારતા નથી. મેં અક્ષરાના કેરેક્ટરથી શરુઆત કરી અને તે લાર્જર ધેન લાઈફ બની ગઈ. મને આ બાબતનું ઘણું ગર્વ છે. મેં આઠ વર્ષ સુધી આ રોલ કર્યો. કોઈ પણ એક્ટર માટે આટલા લાંબા સમય સુધી કોઈ શો કરવો તે સરળ વાત નથી. સીરિયલ હજુ પણ સારું કરી રહી છે. ભલે હવે હું આ શોનો ભાગ નથી પરંતુ સીરિયલ હજુ પણ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે તે વાતની ખુશી છે'.