17, એપ્રીલ 2025
ગાંધીનગર |
મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરી વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરાશે
ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક કચેરી દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશના તમામ રાજ્યોને વીપોર્ટ વિકસાવવા માટે એડવાઈઝરી અપાઈ હતી. ત્યાર બાદ ગુજરાત સરકારે પણ રાજ્યમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી સેવા શરૂ કરવા હાઈ લેવલ કમિટીની રચના કરી છે. આ કમિટી વિવિધ મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરીને એક વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે.
ટૂંકા અંતરના પ્રવાસ માટે એર ટેક્સીની સુવિધા હવે, ગુજરાતમાં મળશે
વર્ટીપોર્ટ એટલે કે વર્ટીકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ માટે તૈયાર ખાસ પ્રકારના પ્લેટફોર્મ, જ્યાંથી નાના હેલિકોપ્ટરો, ડ્રોન અથવા નાના એરક્રાફ્ટ ઉડી શકે અને ઉતરી શકે. આવી સેવાઓ દ્વારા લોકો ટૂંકા અંતરના પ્રવાસ માટે એર ટેક્સી તરીકે વિમાન સેવા લઈ શકે છે, જે ખાસ કરીને શહેરોમાં ટ્રાફિકને પાર કરવાની અનોખી તક પૂરી પાડી શકે છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છના માંડવી, અને ધોલેરાથી થશે શરૂઆત
નાગરિક ઉડ્ડયન વિભાગના માર્ગદર્શન હેઠળ આ પહેલ હાથ ધરાઇ છે. કમિટીમાં શહેરી વિકાસ, મહેસૂલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવોનો સમાવેશ કરાયો છે. કમિટી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છના માંડવી, અને ધોલેરા સહિત વિવિધ સ્થળોએ જગ્યા શોધીને વર્ટીપોર્ટ વિકસાવવાની શક્યતા અંગે રિપોર્ટ તૈયાર કરશે.
મેડિકલ ઇમરજન્સી, ઓર્ગન ટ્રાન્સપોર્ટ, લાઇફ સેવિંગ દવાની હેરફેરમાં સુવિધા મળશે
આ પહેલ ગુજરાત માટે માત્ર ટેક્નોલોજી નહીં, પણ આરોગ્ય, સુરક્ષા અને શહેરી પરિવહન માટે પણ વિક્રમસ્વરૂપ બની શકે છે. ખાસ કરીને મેડિકલ ઈમરજન્સી, ઓર્ગન ટ્રાન્સપોર્ટ, લાઈફસેવિંગ દવાઓની હેરફેર અને આપત્તિના સમયે ઝડપથી રાહત પહોંચાડવા માટે એર ટેક્સી અને ડ્રોન સર્વિસ અત્યંત ઉપયોગી બની શકે છે. ભવિષ્યમાં જ્યારે બુલેટ ટ્રેનના સ્ટેશનો શરૂ થશે, ત્યારે શહેરી વિસ્તારોથી આ વર્ટીપોર્ટ મારફતે ટૂંકા સમયમાં સ્ટેશન સુધી પહોંચવું સરળ બનશે.
રાજ્ય સરાકર દ્વારા ટેકનોલોજી સિદ્ધાંતોના આધારે અભ્યાસ શરૂ કરાયો
રાજ્ય સરકારે આ યોજનાને આગળ ધપાવવા માટે રૂપરેખા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિ અને ટેક્નોલોજી સિદ્ધાંતો પર આધારિત અભ્યાસ શરૂ કર્યો છે. વિશ્વભરના દેશો જેમ કે, દુબઈ, યુએસ અને ચીનમાં એર ટેક્સી સેવાઓ શરૂ થઈ છે, તેમ ગુજરાત પણ હવે દેશનું પહેલું રાજ્ય બનશે જ્યાં એવી સર્વિસ પ્રાયોગિક ધોરણે શરૂ થશે. હવે તમામ દૃષ્ટિ હાઈ લેવલ કમિટીના રિપોર્ટ તરફ છે, જે નજીકના દિવસોમાં રાજ્ય સરકારને સુપરત કરાશે. જાે બધું યોગ્ય રીતે ચાલે તો ૨૦૨૫ના અંત સુધીમાં ગુજરાતમાં આ સેવા શરૂ થશે.