હે રામ..અંધશ્રદ્ધાના નામે 6 લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખ્યા અને કર્યા આ પારખા..

કચ્છ-

આપણે ભલે ગુજરાતના ગૌરવના બણગા ફૂંકતા હોઈએ, પણ કેટલાક કિસ્સાઓ સાંભળીને તમને પણ થઈ જશે કે આપણે પછાત સમાજમાં રહીએ છીએ. ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અંધશ્રદ્ધાના એવા એવા કિસ્સા સામે આવતા રહે છે કે અરેરાટી થઈ આવે. હવે કચ્છના રાપર તાલુકામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરિવારના ૬ લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખીને બાળવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના રાપર તાલુકામાં અંધશ્રદ્ધાના નામે છ લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખવાની ધૃણાસ્પદ ઘટના બની છે. રાપર તાલુકાના ગેડી ગામે છ લોકોના હાથ ઉકળતા તેલના તવામાં પરાણે નંખાવતા ચકચાર મચી ગઈ છે. સાસરીવાળાઓએ યુવતીના પરિવારને ગરમ તેલમાં હાથ નાંખીને બેગુનાહી સાબિત કરવા પર દબાણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જાે યુવતીના ભાગવા પાછળ તેમનો હાથ નથી તો ગરમ તેલમાં હાથ નાંખો. છોકરી ભગાડવાનો વ્હેમ રાખીને ભક્તાવાંઢના પીયરીયાઓને માતાજીના મંદિરમાં લઈ જવાયા હતા. જ્યાં ઉકળતા તેલનો તવો કરીને બળજબરીથી પરિવારના છ સભ્યોના હાથ ગરમ તેલમાં નંખાવ્યા હતા. ઉકળતા તેલમાં હાથ બળતા છ લોકોને રાપર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે રાપર પોલીસે જાણવા જાેગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution