હે ચંદ્રમૌલિ..! હે ચંદ્રશેખર..!

શિવજીની આરાધના ચંદ્રના ઉલ્લેખ વગર અધૂરી રહે. જ્યોતિર્લિંગની યાદીમાં પણ પ્રથમ સ્થાન સોમનાથનું છે. આ સોમનાથ એ જગ્યા છે જ્યાં ચંદ્રએ પોતાને લાગેલા શ્રાપના નિવારણ માટે શિવજીની આરાધના કરી હતી. શ્રાપનું સંપૂર્ણ નિવારણ તો ઈચ્છનીય નહતું, તેથી વરદાન તરીકે જે ઇચ્છનીય હતું તે, શ્રાપમાંથી અંશતઃ મુક્તિ મળી. કામાંધ, એક પત્ની પ્રત્યે પક્ષપાત રાખનાર, પોતાના સૌંદર્ય માટે અભિમાની, વડીલોની સલાહ-સુચનનો આદર ન કરનાર, અને મનસ્વી પ્રમાણે વ્યવહાર કરનાર ચંદ્રને સંપૂર્ણતામાં તો માફ ન જ કરી શકાય. શિવજીના શરણે ગયા પછી ક્રમશઃ તેનો ક્ષય ચાલુ રહે અને પછી ક્રમશઃ તે પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત પણ કરી શકે. આ ચંદ્રના આરાધ્ય એટલે ચંદ્રમૌલિ કે ચંદ્રશેખર. પ્રસન્ન થયા પછી મહાદેવે ચંદ્રને પોતાના મસ્તક પર, પોતાની જટામાં ધારણ કરેલો છે.

પ્રશ્ન એ થાય કે ચંદ્રમૌલિ અને ચંદ્રશેખર વચ્ચે કોઈ તાત્વિક ભેદ છે કે નહીં. શિવજી માટે જ્યારે આ બે ભિન્ન નામ સ્થાપિત કરવામાં આવે ત્યારે તેમાં થોડો તાત્વિક ભેદ તો હોય જ. એક સમજ પ્રમાણે ચંદ્રમૌલિમાં ચંદ્ર સમાન રાજમુગટની વાત થતી હોય તેમ જણાય છે. જ્યારે ચંદ્રશેખરમાં માથાની જટાની જ રાજમુગટ તરીકે વાત થતી હોય તેમ લાગે છે. એકમાં માથાની શોભા માટે બાહ્ય ઉપકરણની સહાય લેવાય છે જ્યારે બીજામાં માથાના જ એક ભાગ સમા કેશથી આભૂષણનો હેતુ સિદ્ધ થાય છે. મુગટ એ બાહ્ય ઉપકરણ છે. તેની રચના જે તે વ્યક્તિના ચહેરાના માપ તથા આકાર પ્રમાણે નક્કી થાય છે. આ સ્વાભાવિક છે. વળી મુગટનો એક ચોક્કસ હેતુ હોય, તેની એક ચોક્કસ શ્રેણી હોય, તેનાથી ચોક્કસ પ્રકારની પ્રતિભા ઉભરે તેવી અપેક્ષા હોય. તેનો દેખાવ - તેની સુંદરતા માનવીના વ્યક્તિત્વને અનુરૂપ હોય તે ઇચ્છનીય છે. વળી જરૂરિયાત પ્રમાણે ચોક્કસ પ્રકારની છાપ ઊભી કરવા માટે પણ

મુગટનો ઉપયોગ થતો હોય છે. પણ મહાદેવની બાબતમાં આમ ન હોઈ શકે. મહાદેવની આભા, પ્રભા વ્યક્તિત્વનો નિખાર મુગટને આધિન ન હોય.

શિવજીને મુગટની જરૂર નથી. શિવજીના વ્યક્તિત્વને નિખારવા બાહ્ય આડંબર જરૂરી નથી. કોઈપણ પ્રકારના મુગટથી શિવજીની આભા તથા પ્રતિભાને કોઈ અસર ન થાય. શિવજી તો સત્ય સ્વરૂપ છે, સત્યને આભૂષણની શી જરૂર? શિવજી તો આધ્યાત્મિકતાનો શ્વાસ છે, શ્વાસની સાથે સુંદરતાને સાંકળવાની શી જરૂર? શિવજી સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તેમને અન્ય સ્વરૂપે સ્થાપિત થવાની જરૂર જ નથી.

અન્ય બધા જ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ કરતા નીચેના સ્તરે આવે. છતાં પણ ચંદ્રમૌલિ તરીકે તેઓ ઓળખાવા તૈયાર છે. આ ઓળખ શિવજી માટેની નથી પણ ચંદ્ર માટેની છે. ચંદ્રથી શિવજી રૂપાળા નથી લાગતા પણ શિવજીને કારણે ચંદ્રનું મહત્વ સ્થાપિત થાય છે.

શિવજી છે એટલે ચંદ્ર છે. ચંદ્રમૌલિ બનીને, મુગટ ધારણ કરવો એ તો તેમની લીલા છે. જ્યારે જટાની રસપ્રદ ગુંથણીની વાત હોય ત્યારે શિવજીને ચંદ્રશેખર તરીકે વર્ણવવામાં આવે. અહીં બાહ્ય કોઈ અલંકાર નથી, અન્ય ભૌતિક તત્વોનો આડંબર નથી, સ્થુળ વિશ્વમાંથી કોઈ પણ પદાર્થ ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન નથી, જે છે તેની ગોઠવણી કરી એક સૌમ્ય છબી ઉભરે તેનો પ્રયત્ન થાય છે. માનવ ઉત્ક્રાંતિનો ઇતિહાસ સાક્ષી છે કે કેશકલાનું એક આગવું મહત્વ હોય છે. ચંદ્રને કારણે,

ચંદ્રને યોગ્ય સ્થાન મળે તે માટે, ચંદ્રને યોગ્ય આધાર મળે તે માટે શિવજીએ ચંદ્રશેખરનું બિરુદ સ્વીકાર્યું હશે.

આમ તો શિવજી માટે કોઈપણ પ્રકારના સાકાર સ્વરૂપના નિરૂપણનો આગ્રહ ન હોય તે સ્વાભાવિક છે. જે ઇષ્ટદેવ સ્મશાનમાં રહેતા હોય, ખોપરીઓની માળા પહેરતા હોય, સર્પો જેમની માટે આભૂષણ હોય, આખા શરીરે ભસ્મ ચોળતા હોય, જેમને પોતાના દેખાવ માટે કોઈપણ પ્રકારનો અભિપ્રાય ન હોય, દરેક પરિસ્થિતિને જે છે તે સ્વરૂપે, જેમની તેમ, સ્વીકારવાની જેમની અભિલાષા હોય તેવા

મહાદેવને ચંદ્રમૌલિ શું કે ચંદ્રશેખર શું?

ભક્તોની ખુશી જેમની ખુશી છે, ભક્તોની ઈચ્છાનો જેઓ સદાય આદર કરે છે, ભક્તોની રુચિની વિવિધતાને કારણે જુદી જુદી “સાકારતા”ને જેઓ સ્વીકારે છે અને ભક્તો સાથે સંવાદ સ્થાપવા માટે જે પ્રતિકોનો ઉપયોગ કરે છે, તેમને કોઈ પણ પ્રકારના માધ્યમ કે સ્વરૂપની જરૂર ન હોય. તેવા મહાદેવને ચંદ્રમૌલી શું કે ચંદ્રશેખર શું? કોઈપણ પ્રકારના આડંબર વગર તટસ્થતાથી જેઓ ભક્તોની વચ્ચે

જઈ શકે છે અને ભક્તો સાથે પ્રેમનો વિનિમય કરે છે, તેમને કોઈ પણ પ્રકારના મુગટ કે જટાની શી જરૂર, તેમને પોતાના દેખાવને રૂડો-રૂપાળો બનાવવાની શી જરૂર. તેમના ભક્તજન માટે તો તેમની ઐશ્વરીય ક્ષમતા, તેમનું કરુણાસભર ભોળું વ્યક્તિત્વ, નોંધારાના આધાર સમાન તેમનો સથવારો, જ્ઞાનીને જ્ઞાન અને યોગીને માર્ગદર્શન આપવાની તેમની ક્ષમતા, ભક્તજનોને ભક્તિની પરાકાષ્ઠા સુધી લઈ જવાની જેમની મહેચ્છા, તથા તેમનો શાશ્વત, નિરંતર, તટસ્થ સાક્ષીભાવ જ અગત્યના છે. જેમની આસપાસ સત્ય વીંટળાયેલું રહેતું હોય, જેમના સાંનિધ્યમાં ધર્મ પાંગરતો હોય, જેમના અસ્તિત્વમાં અધ્યાત્મ પ્રતિત થતું હોય તેમને સ્વયંના દેખાવ માટે કોઈ પણ પ્રકારના આડંબરનું શું પ્રયોજન?

ચંદ્ર તો એક બહાનું છે. ચંદ્રમૌલી તથા ચંદ્રશેખર જેવા નામ તો એક આકસ્મિક ઘટના છે, દેખાવમાં સૌમ્યતા લાવવાની વાત તો છેતરામણી છે, સત્ય છે કે શિવજી સ્વયમ સૌથી સુંદર છે, સૌથી આનંદદાયી છે, આધ્યાત્મિક તૃપ્તિની પૂર્ણતાના સાક્ષી છે. ત્રિપુરારિનો નાશ કરવા તેમણે જેમ આડંબર સ્વીકારેલો, તેવી જ રીતે આ બધા નામ તો એક સાધન માત્ર છે જેનાથી શિવજીના મહત્વની, શિવજીની

લીલાની, શિવજીની કરુણાની, શિવજીના સ્વભાવની સમજ વિકસી શકે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution