11, એપ્રીલ 2025
ન્યૂયોર્ક |
હેલિકોપ્ટર દુર્ઘટનાના મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ
અમેરિકાના ન્યૂયોર્કમાં ગુરુવારે એક પેસેન્જર હેલિકોપ્ટર હડસન નદીમાં ક્રેશ થયું. અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં સવાર ત્રણ બાળકો સહિત તમામ છ લોકોના મોત થયા હતા. ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર દરમિયાન તેમના પણ મોત થયા હતા. મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે, દુ:ખની વાત છે કે, બધા છ પીડિતોને મૃત જાહેર કરાયા છે. આ એક હૃદયદ્રાવક અને દુ:ખદ અકસ્માત છે.
હેલિકોપ્ટરમાં સિમેન્સના ચેરમેન અને તેમનો પરિવાર સવાર હતો
મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે, મૃતકોમાં એક સ્પેનિશ પરિવાર અને પાઇલટનો સમાવેશ થાય છે. જાેકે, અધિકારીઓએ હજુ સુધી અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ જાહેર કરી નથી. પરંતુ સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર હેલિકોપ્ટરમાં સ્પેનમાં સિમેન્સ કંપીના ચેરમેન અને સીઈઓ ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની અને તેમના ત્રણ બાળકો સવાર હતા.
ઉડાન ભર્યાના માત્ર ૧૫ મિનિટમાં જ હેલિકોપ્ટર ક્રેશ થયું
ન્યૂયોર્ક પોલીસ કમિશનર જેસિકા ટિશએ જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક હેલિકોપ્ટર ટુર્સ દ્વારા સંચાલિત બેલ ૨૦૬ હેલિકોપ્ટરે શહેરના હેલિ પેડ પરથી બપોરે લગભગ ૩ વાગ્યે ઉડાન ભરી હતી. જે હડસન ઉપર ઉત્તર તરફ જઈ રહ્યું હતું. જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ પર પહોંચતા જ હેલિકોપ્ટર દક્ષિણ તરફ વળ્યું અને થોડીવાર પછી ક્રેશ થયું. હેલિકોપ્ટર બપોરે લગભગ ૩:૧૫ વાગ્યે લોઅર મેનહટન નજીક પલટી ગયું અને પાણીમાં ડૂબી ગયું.
અકસ્માત બાદ પણ પ્રોપેલર ફરતુ દેખાયું હતું
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા અકસ્માતના વીડિયોમાં, એક મોટી વસ્તુ નદીમાં પડતી જાેવા મળે છે. થોડીક સેકન્ડો પછી, હેલિકોપ્ટર બ્લેડ જેવું કંઈક દેખાયું. થોડી જ વારમાં, ઇમરજન્સી અને પોલીસ વિભાગની બોટો નદીના તે ભાગમાં ફરવા લાગી. પ્રત્યક્ષદર્શી બ્રુસ વોલે જણાવ્યું હતું કે. હેલિકોપ્ટરને હવામાં તૂટેલું જાેયું હતું, જેમાં પાછળનો ભાગ અને પ્રોપેલર અલગ થઈ ગયા હતા. હેલિકોપ્ટર પડી ગયું ત્યારે પ્રોપેલર હજુ પણ ફરતું હતું, જ્યારે વિમાન નીચે પડ્યું ન હતું.