દેહરાદૂન :ચાર ધામ યાત્રાના ભક્તોને કેદારનાથ લઈ જઈ રહેલા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખરાબી સર્જાઈ હતી જેના કારણે તે દુર્ઘટનાગ્રસ્ત થતાં રહી ગયું હતું. છ તીર્થયાત્રીઓ સહિત સાત લોકોને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે કેદારનાથ હેલિપેડ પાસે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં પાયલોટ સહિત તમામ મુસાફરો સુરક્ષિત છે. ઘટના બાદ રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવારે પાયલટ દ્વારા ત્વરીત ર્નિણય લઈને મોટી દુર્ઘટના ટાળવા માટે તેની પ્રશંસા કરી હતી. ઘટના બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન ઉત્તરાખંડના મુખ્ય સચિવે ચાર ધામ યાત્રાળુઓને નોંધણી કરાવવા અને નિર્ધારિત તારીખોનું પાલન કરવા વિનંતી કરી છે જેથી યાત્રામાં સરળતા રહે. આ ઘટના સવારે ૭ વાગ્યાની આસપાસ બની હતી અને અધિકારીઓએ ટેકનિકલ ખામીનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનાના વિડીયોથી સ્પષ્ટ થાય છે કે પાયલટે હેલિકોપ્ટર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. હેલિકોપ્ટર સવારે ૭ઃ૦૧ વાગ્યે કેદારનાથ હેલિપેડ પર ઉતરી રહ્યું હતું. આ દરમિયાન રોટર ખરાબ થઈ ગયું. રોટર ફેલ થવાને કારણે હેલિકોપ્ટર હવામાં જ ગોળ-ગોળ ફરવા લાગ્યું હતું. પાયલટે હેલિકોપ્ટરને લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપૂર્ણ નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્યારબાદ હેલિકોપ્ટરના સુરક્ષિત ક્રેશ લેન્ડિંગના પ્રયાસો કર્યા હતા.