અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ થોડા દિવસોનો વિરામ લીધા બાદ રિટર્ન્સ થયા હોય તેમ જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને સતત થઈ રહેલી મેઘગર્જનાથી ખેડૂતો સહીત લોકોમાં ડરામણો માહોલ સર્જાયો હતો.વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી ગઇ હતી. ભારે વરસાદના પગલે રોડ પરથી પાણી વહેતા થયા હતા.અસહ્ય બફારા અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા રાહત અનુભવી હતી. જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલથી ખેતરમાં ઉભા પાકમાં રોગચાળો અને કોહવાઈ જવાની ભીતી પેદા થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
રવિવારે બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે કડાકા ભડાકા સાથે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના માલપુર, મેઘરજ ,મોડાસા, ભિલોડા, શામળાજી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. માલપુર તાલુકા સહિત નાનાવાડા, પરસોડા, હમીરપુર, ઉભરાણ, સજ્જનપુરા કંપા, જાલમખાંટ સહીત અન્ય વિસ્તારોમાં તેમજ મેઘરજ તાલુકા સહિત જીતપુર,રેલ્લાવાડા, ઇસરી, બેડજ અને પહડિયા ગામમાં ધોધમાર અને મોડાસા શહેર અને દધાલિયા, સબલપુર, ખલીકપુર, ડુંગરવાડા સહીત ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરુ થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે ધોધમાર વરસાદના પગલે જિલ્લામાં કોઇ જાનહાની ન થઇ હોવાના અહેવાલો સાંપડ્યા છે.