મુંબઈ-
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ઘણા શહેરો અને વિસ્તારોમાં પાણી ભરાયા અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારબાદ ગુરુવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોંકણ વિસ્તારમાં આવેલા પૂરનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાના અધિકારીઓ સાથે વાત પણ કરી તેમજ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા વધારાની બોટ અને હેલિકોપ્ટરની મદદ લેવાનું પણ કહ્યું હતું.
સતત વરસાદને કારણે રત્નાગીરી જિલ્લાના કેટલાક ભાગો આંશિક રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં બચાવ કાર્ય માટે એનડીઆરએફની વધુ બે ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફ દ્વારા જણાવવાંમાં આવ્યું હતું કે એક ટીમ ખેડ, રત્નાગિરિ અને બીજી ટીમ પુનાથી મહાડ, રાયગઢમાં તૈનાત કરવામાં આવશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આપાતકાલીન મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રત્નાગિરિ, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.