દિલ્હી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું


નવી દિલ્હી:દેશની રાજધાની દિલ્હી જળબંબાકાર છે. જ્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદ ખાબક્યો. નોઇડા અને ગુરુગ્રામ સહિત રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો, ત્યારબાદ સવારે પણ વરસાદ પડ્યો હતો. મળતી માહિતી મુજબ આટલો બધો વરસાદ ૮૮ વર્ષ પહેલા જૂન મહિનામાં જાેવા મળ્યો હતો. દિલ્હીમાં આ વરસાદને કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆત અને વરસાદની તીવ્રતાને જાેતા આઇએમડીએ અનુમાન લગાવ્યું છે કે દિલ્હી એનસીઆરમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ જાેવા મળી શકે છે, જેના કારણે આઇએમડીએ આગામી બે દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ચોમાસાના કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ ઉત્તરાખંડમાં ચોમાસાના આગમન સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે દેહરાદૂન, નૈનીતાલ અને બાગેશ્વરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. કુમાઉના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. આગામી પાંચ દિવસમાં વરસાદ વધુ વધે તેવી શક્યતા છે.

દિલ્હીમાં ૨૪ કલાકમાં ૨૨૮.૧ મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણા વિસ્તારોમાં પાવર કટનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને પગલે ચંદ્રવાલ પંપ હાઉસમાં ખરાબીને કારણે ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. દિલ્હી જલ બોર્ડે જણાવ્યું હતું કે પાણી પુરવઠામાં વિક્ષેપ શનિવારે પણ ચાલુ રહેશે. દિલ્હીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે, જેમાં વરસાદના પાણીથી ભરેલા ખાડામાં ડૂબી ગયેલા બે બાળકોનો સમાવેશ થાય છે. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં પાર્ક કરેલી મિલકતો અને કારને નુકસાન થયું હતું. અનેક રહેણાંક વિસ્તારોમાં સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવા માટે કમર સુધીના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.

આગાહી અનુસાર, ૨૯ અને ૩૦ જૂને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે , જ્યારે પંજાબમાં ૩૦ જૂન અને ૧ જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની તીવ્રતાના કારણે આજે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આજુબાજુના વિસ્તારોમાં થોડા અલગ-અલગ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. દ્વારકા, પાલમ, વસંત વિહાર, વસંત કુંજ, ગુડગાંવ, ફરીદાબાદ, માનેસર સહિત દિલ્હી-એનસીઆરના ભાગોમાં હળવાથી મધ્યમ તીવ્રતાના વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે.હવામાન વિભાગે દેહરાદૂન, નૈનીતાલ અને બાગેશ્વરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution