પોરબંદર, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ ૨ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં સાવર્ત્રિક વરસાદ વરસે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ગુજરાતમાં આ પહેલાં ૧૨ તારીખથી વરસાદનું જાેર ઘટશે એવી આગાહી કરવામાં આવી હતી, પરંતુ દરિયામાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. આગામી ૨ દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ૧૫ -૧૬ ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ રાજ્યનાં બંદરો પર ૧ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. ગીર- સોમનાથનો દરિયો પણ ગાંડોતૂર બનતાં ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયામાં ઊછળતાં મોજાંની સાથે ૫૦ કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે અંદાજે ૧૨થી ૧૫ ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે પવન ફૂંકાયો છે, જેથી ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું છે. હર્ષદ, નાવદ્રા, દ્વારકાના દરિયામાં ભારે કરંટ જાેવા મળતા માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. માછીમારી કરી રહેલા માછીમારો બંદર પર પરત ફર્યા છે.